વેરાવળ(Veraval): ફરી એકવાર દરિયાઈ (Sea) માર્ગે ગુજરાત (Gujarat) રાજ્યમાંથી ડ્રગ્સ (Drugs) ઘુસાડવાના રેકેટનો (Racket) પર્દાફાશ થયો છે. પોલીસે વેરાવળ બંદરેથી 50 કિલો હેરોઈનનો જથ્થો પકડ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં 1 કિલો હેરોઈનની કિંમત 7 કરોડ હોય 50 કિલો હેરોઈનની બજાર કિંમત 350 કરોડ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
- ફિશિંગ બોટમાં લાવવામાં આવી રહ્યું હતું હેરોઈન
- ગીર સોમનાથ એલસીબી, એસઓજીની ટીમે પકડી પાડ્યું
- અંદાજે 350 કરોડની બજાર કિંંમતનું 50 કિલો હેરોઈન પકડાયું
- નશાકારક દ્રવ્યના જથ્થા સાથે 9 આરોપીઓની અટકાયત કરાઈ
સુરક્ષા એજન્સીએ ગીર સોમનાથના વેરાવળ બંદરેથી કરોડોનો હેરોઈનનો જે જથ્થો પકડયો છે તે દરિયાઈ માર્ગે ફિશિંગ બોટમાં વેરાવળ લાવવામાં આવ્યો હતો. એફએસએલના રિપોર્ટમાં આ નશીલો પદાર્થ હેરોઇન હોવાની વિગત જાણવા મળી હતી.
આ નશાના જથ્થા સાથે પોલીસે 9 આરોપીઓને અટકાયતામાં લીધા છે. આ ઉપરાંત એક બોટ, એક સેટેલાઈટ ફોન અને એક રિસીવર પણ આરોપીઓ પાસેથી મળી આવ્યા છે. ગીર સોમનાથ એલસીબી અને એસઓજીની ટીમના સંયુક્ત ઓપરેશનમાં આ મોટી સફળતા સાંપડી છે.
હાલ એસઓજી અને ગીર સોમનાથ એલસીબી પોલીસ આરોપીઓની પૂછપરછ કરી રહી છે. ડ્રગ્સ ક્યાંથી મોકલવામાં આવ્યું તે અંગે હજુ સુધી કોઈ માહિતી બહાર આવી નથી. ડ્રગ્સના સપ્લાયર અંગે પણ કોઈ જાણકારી મળી નથી, ત્યારે પોલીસ આરોપીઓની સઘન પૂછપરછ કરી રહી છે.
જણાવી દઈએ કે છેલ્લાં કેટલાંક વર્ષોથી ડ્રગ્સ માફિયાઓએ ગુજરાતના દરિયા કાંઠાને ટાર્ગેટ કર્યું છે. અફઘાનિસ્તાન, પાકિસ્તાનથી નશાકારક દ્રવ્યો ગુજરાતના દરિયા કિનારે ઠાલવવામાં આવે છે. ગુજરાતથી દેશભરમાં ડ્રગ્સ પહોંચાડવામાં આવે છે, તેથી જ છેલ્લાં કેટલાંક સમયથી ગુજરાતના દરિયા કિનારા પર વિવિધ તપાસ એજન્સીઓ નજર રાખી રહી છે. પાછલા બે વર્ષમાં રાજ્યની અલગ અલગ એજન્સીઓએ ગુજરાતના દરિયા કિનારાઓ પરથી 5338 કરોડનું ડ્રગ્સ પકડ્યું છે.