નવસારી : નવસારીના (Navsari) જમાલપોર (Jmalpor) વિસ્તારના સર્વોદયનગરમાં મંદિર (Temple) તોડવા સામે સ્થાનિકો વિરોધ કરી રહ્યા હતા. જ્યારે નવસારી જિલ્લા તંત્ર પોલીસ સાથે મંદિર તોડવા પહોચી ગયા હતા. પરંતુ ત્યારે સ્થાનિકોએ વિરોધ કરતા આખરે પોલીસે (Police) સ્થાનિકો ઉપર લાઠીચાર્જ કર્યો હતો. અને મંદિર તોડી પાડ્યું હતું.
- જમાલપોરના સર્વોદયનગરમાં મંદિર તોડવાનો સ્થાનિકો વિરોધ કરી રહ્યાં હતાં
- મંદિર તોડી રસ્તો બનાવવા માટે કલેક્ટર કચેરીમાં કેસ પણ ચાલ્યો હતો
નવસારીના જમાલપોર વિસ્તારમાં આવેલા પ્લોટ નં. 59 પર સ્થાનિકોએ રાધા-કૃષ્ણની મંદિર બનાવ્યું હતું. જોકે ત્યાંથી રસ્તો પસાર થતો હોવાથી ઘણા સમય અગાઉ નવસારી-વિજલપોર નગરપાલિકાના પ્રમુખ જે.સી.બી. મશીન લઈ મંદિર તોડવા માટે પહોચી ગયા હતા. જોકે ત્યારે સ્થાનિકોએ વિરોધ કરતા મંદિર તોડ્યું ન હતું. ત્યારબાદ આર.વી. ગૃપ અને સર્વોદયનગરના સ્થાનિકોએ કલેક્ટર કચેરીમાં અરજી કરી હતી. જે બાબતે કલેક્ટરે સુનાવણી પણ કરી હતી.
એક તરફ પ્લોટ નં. 59 ખાનગી માલિકીનો છે અને તે પ્લોટ માલિક મહેન્દ્રભાઈ નાથુભાઈ પટેલે સોસાયટીને રજીસ્ટર્ડ બક્ષીસ દસ્તાવેજથી આપ્યો હોવાથી મંદિર બાંધ્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. તો બીજી તરફ મંદિર બનાવેલી જગ્યા પરથી રસ્તો પસાર થતો હોવાનું આર.વી. ગૃપના ભાગીદારો જણાવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી સ્થાનિકો અને આર.વી. ગૃપના ભાગીદારો વચ્ચે લડત ચાલી રહી હતી. ત્યારે આજે આ લડત અંત આવ્યો છે.
મંદિરમાં ઘુસી ગયેલી મહિલાઓને પોલીસે ખેંચી-ખેંચીને બહાર કાઢી
સોમવારે સાંજે જિલ્લા અધિક કલેક્ટર સહિતના અધિકારીઓ પોલીસ કાફલા સાથે જમાલપોર સર્વોદયનગરમાં મંદિર તોડવા માટે પહોચી ગયા હતા. જ્યાં સ્થાનિકોએ મંદિર તોડવા સામે વિરોધ કર્યો હતો. જોકે અધિકારીઓ અને પોલીસે તેઓને સમજાવવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ સ્થાનિકોએ મંદિર નહીં તોડવાની જીદ પકડી રાખતા પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં પોલીસે સોસાયટીના સ્થાનિકો પર લાઠીચાર્જ શરૂ કરી દીધો હતો. જેના પગલે નાસ-ભાગ મચી ગઈ હતી. જોકે સ્થાનિક મહિલાઓ મંદિર ન તોડે તે માટે મંદિરમાં ઘુસી ગઇ હતી. પરંતુ પોલીસે તેઓને ધક્કો મારી અને ખેંચી-ખેંચીને બહાર કાઢ્યા હતા. આખરે પોલીસના દંડા સામે સ્થાનિકો હાર માની ગયા હતા. જેથી મંદિર જે.સી.બી. મશીન દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. આ લાઠીચાર્જમાં ઘણા લોકો ઘવાયા હતા.
પુરૂષ પોલીસોએ સોસાયટીની મહિલાઓને પણ મારી : સોસાયટી પ્રમુખ
નવસારી : સર્વોદયનગરના પ્રમુખ ધર્મેશ દેસાઈએ જણાવ્યું હતું કે, કલેક્ટર કચેરીના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત લઇ મંદિર તોડવા માટે આવ્યા હતા. જેથી સોસાયટીની મહિલાઓ અને પુરૂષોએ વિરોધ કર્યો હતો. જેથી પોલીસે તમામ લોકોને દંડા મારવાનું શરૂ કરી દીધું હતું. પુરૂષ પોલીસોએ મહિલાઓને મારી છે. સોસાયટીની મહિલા અને પુરૂષ સહીત અંદાજે 50 લોકો ઘવાયા હતા. એકનું માથું ફૂટી ગયું હતું. તેને અમે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો છે.