નવી દિલ્હી: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમના નિર્માણનો વિરોધ કરી નર્મદા બચાવ આંદોલન છેડનાર સામાજિક કાર્યકરતા મેધા પાટકરને દિલ્હીની સાકેત કોર્ટે 5 મહિનાની જેલની સજા સંભળાવી છે. દિલ્હીની સાકેત કોર્ટે મેધા પાટકરને KVICના તત્કાલિન અધ્યક્ષ વીકે સક્સેના દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં પાંચ મહિનાની સાદી જેલની સજા ફટકારી છે. ઉપરાંત કોર્ટે વિનય કુમાર સક્સેનાને વળતર તરીકે 10 લાખ રૂપિયા ચૂકવવાનો નિર્દેશ પણ પાટકરને આપ્યો છે.
કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે મેધાની ઉંમર, સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને વધુ સજા આપવામાં આવી રહી નથી. પાટકરે કોર્ટ સમક્ષ જામીન અરજી પણ કરી છે. 24 મેના રોજ સાકેત કોર્ટે સામાજિક કાર્યકર અને નર્મદા બચાવો આંદોલનના નેતા મેધા પાટકરને માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા હતા.
દિલ્હીના લેફ્ટનન્ટ ગર્વનર વિનય કુમાર સક્સેનાએ કેસ કર્યો હતો. લેફ્ટનન્ટ ગર્વનર વિરુદ્ધ પ્રેસ રિલીઝ જારી કરવાનો અને પ્રજામાં તેમની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવાનો આરોપ હતો. કોર્ટે અગાઉની સુનાવણીમાં મેધા પાટકરને દોષિત જાહેર કર્યા હતા. સજા માટે 1 જુલાઈની તારીખ નક્કી કરી હતી.
અગાઉ કોર્ટે કહ્યું હતું કે, વી.કે. સકસેનાને દેશભક્ત નહીં પરંતુ કાયર ગણાવતા અને હવાલા વ્યવહારમાં સંડોવણીના આરોપ લગાવતા પાટકરના નિવેદન માત્ર બદનક્ષી નથી પરંતુ તે નકારાત્મક ધારણાને ઉશ્કેરવા માટે કરાયેલું નિવેદન છે.
નોંધનીય છે કે મેધા પાટકર અને સક્સેના વચ્ચે વર્ષ 2000 થી કાયદાકીય લડત ચાલી રહી હતી. પાટકરે સક્સેના વિરુદ્ધ તેમની અને નર્મદા બચાવો આંદોલન વિરુદ્ધ જાહેરાતો છાપવા બદલ દાવો દાખલ કર્યો હતો. સક્સેનાએ એક ટીવી ચેનલ પર તેમના વિરુદ્ધ પાટકર દ્વારા અપમાનજનક ટિપ્પણી કરવા અને પ્રેસને બદનક્ષીભર્યા નિવેદન આપવા બદલ બે કેસ કર્યા હતા. 23 વર્ષ આ કેસનો ચુકાદો મેધા પાટકર વિરુદ્ધ આવ્યો છે.
કોર્ટના નિર્ણય પર રિએક્શન આપતા મેધા પાટકરે કહ્યું કે, સત્યને ક્યારેય હરાવી શકાતું નથી. અમે કોઈને બદનામ કર્યા નથી. તેવો પ્રયાસ પણ કર્યો નથી. અમે માત્ર અમારું કામ કરીએ છીએ. કોર્ટના ચૂકાદાને ઉચ્ચ અદાલતમાં પડકારીશું.