રાજકોટ: રાજકોટમાં ગઈ તા. 25મી જૂનના રોજ ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી હતી. આ આગમાં 27 નિર્દોષોના મોત નિપજ્યા હતા. ટીઆરપી ગેમ ઝોન કોઈ પણ પરવાનગી વિના ભ્રષ્ટ્રાચારી અધિકારીઓની રહેમ નજર હેઠળ છેલ્લાં ઘણાય વર્ષોથી ધમધમી રહ્યું હતું. તંત્રના ભ્રષ્ટ્રાચારના લીધે પ્રજાએ જીવ ગુમાવવો પડ્યો છે. આ કેસમાં હાઈકોર્ટના આદેશ બાદ તંત્રના જવાબદાર અધિકારીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં એક રાજકોટ મહાનગર પાલિકાના તત્કાલિન ટીપીઓ મનસુખ સાગઠિયાનો પણ સમાવેશ થાય છે.
રાજકોટ પોલીસે મનસુખ સાગઠિયાને ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના મુખ્ય આરોપી બનાવ્યા હતા. રાજકોટ એસીબીએ પણ સાગઠિયા વિરુદ્ધ અપ્રમાણસર મિલકત અંગે ફરિયાદ નોંધી છે. આજે સાગઠિયાની સીલ ઓફિસ પર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસની તપાસમાં ભ્રષ્ટ્રાચારી સાગઠિયાની ઓફિસમાંથી 5 કરોડની રોકડ રકમ તેમજ 15 કરોડથી વધુનું 20 કિલો સોનુ અને 2 કિલો ચાંદી મળી આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટ એસીબીની તપાસમાં કાયદેસરની આવકના પ્રમાણમાં રૂ.10,55,37,355ની વધુ સંપત્તિ સાગઠિયાએ વસાવી હોવાની હકીકત બહાર આવી છે. જે તેની આવકના પ્રમાણમાં 410.37% થી વધુ અપ્રમાણસર મિલકતો છે. ત્યારે વધુ રોકડ રકમ અને સોનું મળી આવતા એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ એસીબીમાં મહાનગરપાલિકાના ક્લાસ વન અધિકારી તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયા વિરુદ્ધ અપ્રમાણસર મિલકત અંગે ફરિયાદ નોંધાઈ હતી. આ દરમિયાન ગઈકાલે સોમવારે રાતથી રાજકોટ એસીબી ટીમ દ્વારા રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ ટ્વીન સ્ટાર ઓફિસમાં સીલ ખોલી સર્ચ કરવામાં આવી હતી.
ઓફિસમાંથી 5 કરોડની રોકડ રકમ તેમજ કરોડોની કિંમતનું સોનું મળી આવ્યું હતું. એસીબી દ્વારા ઓફિસ ખાતેથી 3 જેટલાં બોક્સમાં રૂપિયા, સોનું, એક મોટી તિજોરી, સોનાના દાગીના, પ્રિન્ટર સહિત અનેક દસ્તાવેજો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.