સુરત: ચેમ્બર દ્વારા સુરતમાં યોજવામાં આવેલા પશ્ચિમ ભારતના સૌથી મોટા કમ્પોઝીટ ઓટો એક્ઝિબિશનમાં રૂપિયા 5 લાખથી લઇને રૂપિયા 5 કરોડની કાર અને રૂપિયા 40 હજારથી લઇને રૂપિયા 40 લાખ સુધીની મોટર સાયકલ પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.
ઓટો એક્ષ્પોમાં વોલ્વો કંપનીની XC 40 Recharge કારનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું જ્યારે 120 વર્ષ જૂની બ્રિટિશ કંપની TRIUMPH ની 28 લાખની કિંમતની સરક્યુલર પેટ્રોલ એન્જિન સાથેની 2500 CC બાઈક જોવા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ જ કંપનીની 400 CC ની મેક ઈન ઈન્ડિયા પણ લોકોને ગમી રહી છે.
એવી જ રીતે BMW ની XM 61.1 પ્લગ એન્ડ હાઈબ્રીડ કાર લોન્ચ થઈ છે. ઇલેક્ટ્રિક બેટરી અને પેટ્રોલથી ચાલતી આ લક્ઝુરિયસ કારની કિંમત 3 કરોડ ઓન રોડ છે. મર્સીડીઝની SL 55 બ8 એન્જિન 700 NM ટોર્ચ સાથેની સ્મોલ સ્ટાર કાર છે. જેની બજાર કિંમત 2.98 કરોડ છે. મર્સીડીઝ મેબેક GL 600 નું નવું ફુલ્લી લોડેડ વ્હિકલ રજૂ થયું છે. ડ્યુલ ટોન સાથેની 4.25 કરોડની કિંમતની આ લક્ઝુરિયસ કાર પણ આકર્ષણનું કેન્દ્ર બની છે.
1800 CC ની R 18 ટ્રાન્સ કોંટિનેંટલ BMW ની બોક્ષર એન્જિન બાઈક જોવા સુરતીઓ પડાપડી કરી રહ્યાં છે. આ બાઇકમાં વિખ્યાત માર્શલ કંપનીના 6 સ્પીકર ઈન્ફોટેઇન્મેંટ સિસ્ટમ સાથે મૂકવામાં આવ્યા છે. લક્ઝૂરિયસ ટુરિંગ લોગ રાઈડસ બાઈકની કિંમત 40 લાખ છે. જે 18 થી 20 ની માઇલેજ ધરાવે છે. બાઈક પર વિશાળ ડિકી આપવામાં આવી છે. આ ક્રૂઝર બાઈક 180થી 200 ની સ્પીડ ભાગે છે.
ભારતમાં 1000 લોકો વચ્ચે 22 કાર છે જ્યારે અમેરિકા અને ચાઇનામાં 980
સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. ૧પ, ૧૬, ૧૭ અને ૧૮ માર્ચ ર૦ર૪ દરમિયાન સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક સુધી સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે ‘સુરત ઈન્ટરનેશનલ ઓટો એક્ષ્પો-ર૦ર૪’નો પ્રારંભ થયો છે. જેમાં પ્રથમ દિવસે એક્સ્પો માં ભીડ ઊમટી પડી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ સર્વેને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, દેશમાં દરેક નાગરિકનો પરચેઝીંગ પાવર વધશે અને તેની સાથે સપ્લાય અને ટ્રેડ વધશે ત્યારે દેશનો ઝડપી વિકાસ થશે. આપણે, ઓટો એક્ષ્પોના માધ્યમથી જીડીપીમાં યોગદાન આપીએ છીએ ત્યારે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ઓટોમોબાઈલનું પ્રોડકશન અને મેન્યુફેક્ચરિંગ શરૂ થાય તો ભારતને વિશ્વમાં પ્રથમ હરોળની ત્રણ અર્થવ્યવસ્થામાં લઇ જઇ શકીશું.
તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં બનતી ૭૦ ટકા પેસેન્જર કારની કંપનીઓ ફોરેન અધિકૃત છે, જેને મેક ઇન ઇન્ડિયા કરવાની જરૂર છે. ભારતમાં ૧૦૦૦ લોકો વચ્ચે રર કાર છે. આ આંકડો અમેરિકા અને ચાઇનામાં અનુક્રમે ૯૮૦ અને ૧૬૪ છે. ભારતમાં ઇલેક્ટ્રિક વ્હીકલના ૭૦થી ૯૦ ટકા સાધનો ચાઇનાથી ઇમ્પોર્ટ થાય છે ત્યારે ભારતમાં ઓટોમોબાઇલ સેકટરને ખૂબ જ આગળ લઇ જવાની સંભાવનાઓ છે.
સુરત શહેર એ ગુજરાતમાં ઓટોમોબાઇલ માટે પ્રથમ ક્રમે આવે છે. ગુજરાત સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ માટે પોલિસી બનાવી છે. જેમાં ફોર વ્હીલર માટે ર૦ હજાર, થ્રી વ્હીલર માટે ૭૦ હજાર અને ટુ વ્હીલર માટે ૧ લાખ ૧૦ હજાર મળી કુલ ર લાખ ઇલેક્ટ્રિક વ્હીકલનો ટારગેટ આપવામાં આવ્યો છે.
સરકારે રિન્યુએબલ એનર્જીમાં ગ્રીન હાઇડ્રોજનને પ્રાથમિકતા આપી છે ત્યારે લોકોએ પોલ્યુશન નહીં કરતા વાહનોને પસંદ કરી પોલિસીમાં સહયોગ આપવો જોઇએ.ઓટો એક્ષ્પોના ચેરમેન મેહુલ દેસાઇએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શન પશ્ચિમ ભારતનું સૌથી મોટું કમ્પોઝીટ ઓટો એક્ઝિબિશન ગણાય છે. જેમાં મોટા ભાગે તમામ સેગમેન્ટમાં વિવિધ બ્રાન્ડ દ્વારા પોતાના ઇલેક્ટ્રિકલ વ્હીકલ તથા હાઇબ્રીડ વ્હીકલનું પ્રદર્શન કરવામાં આવી રહયું છે.
આ એક્ષ્પોમાં રૂપિયા સાડા ૪ લાખથી લઇને રૂપિયા સાડા ૪ કરોડ સુધીની કાર અને રૂપિયા ૪૦ હજારથી લઇને રૂપિયા ૪૦ લાખ સુધીની મોટર સાયકલનું પ્રદર્શન થઇ રહયું છે. પેસેન્જર વ્હીકલ્સ, ટુ વ્હીલર્સ, કોમર્શિયલ વ્હીકલ્સ, ઓટો કમ્પોનન્ટ્સ, એસેસરીઝ, વર્કશોપ ટુલ્સ એન્ડ ઇકવીપમેન્ટ્સ તથા તમામ સેગમેન્ટમાં વિવિધ બ્રાન્ડ દ્વારા પોતાના વ્હીકલનું પ્રદર્શન કરવામાં આવી રહયું છે.
પશ્ચિમ ભારતના સૌથી મોટા કમ્પોઝીટ ઓટો એક્ઝિબિશનમાં દેશ – વિદેશની અગ્રગણ્ય ઓટો કંપનીઓ દ્વારા તેઓના ઉત્પાદનો જેવા કે કાર, ટુ વ્હીલર્સ, કોમર્શિયલ વ્હીકલ્સ, ઓટો એસેસરીઝ, સ્પેરપાટર્સ તથા વર્કશોપને લગતી મશીનરી અને ટુલ્સ પ્રદર્શિત કરવામાં આવી રહી છે. કાર સેગમેન્ટ, ટુ વ્હીલર સેગમેન્ટ, કોમર્શિયલ સેગમેન્ટ, એન્સીલરીઝની ૭૦થી વધુ બ્રાન્ડ્સ દ્વારા ભાગ લેવામાં આવ્યો છે.
એક ઇલેક્ટ્રિક વ્હીકલ બનાવવા માટે 4000 જેટલા સાધનોની જરૂર: iACEના એક્ઝિક્યુટિવ ડાયરેકટર ઇ. રાજીવ
ઇન્ટરનેશનલ ઓટોમોબાઇલ સેન્ટર ઓફ એકસલન્સ (iACE)ના એક્ઝિક્યુટિવ ડાયરેકટર ઇ. રાજીવે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર અને મારૂતી સુઝુકી ઈન્ડિયા લિમિટેડના જોઈન્ટ વેન્ચર તરીકે iACEની ગુજરાત રાજ્યમાં સ્થાપના થઈ હતી, ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી)એ ગુજરાતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની વાત કરી હતી. તેને સાર્થક કરવા માટે ઇન્ટરનેશનલ ઓટોમોબાઇલ સેન્ટર ઓફ એકસલન્સ દેશની શાળાઓમાં ઓટો એજ્યુકેશનથી લઇને મેન્યુફેક્ચરિંગ સુધી વિદ્યાર્થીઓને સપોર્ટ કરે છે, જેના પાછળનો મુખ્ય હેતુ દેશની અર્થવ્યવસ્થામાં ઓટો-મોબાઈલ સેકટરનો ફાળો વધારવાનો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઓટો-મોબાઈલમાં સૌથી વધુ તકો ઇલેક્ટ્રિક વ્હીકલ ક્ષેત્રે છે. કારણ કે, એક ઇલેક્ટ્રિક વ્હીકલ બનાવવા માટે ૪,૦૦૦ જેટલા સાધનોની જરૂર હોય છે. જેમાં દરેક સાધન માટે એક સારી કંપની બનાવવામાં આવે તો પણ ૪,૦૦૦થી વધુ કંપનીઓની સ્થાપના થઈ શકે તેમ છે અને તેનાથી નિર્માણ થનાર રોજગાર થકી લાખો લોકોને નોકરી મળી શકે છે. ભારતમાં વ્હીકલનો ઉપયોગ ૧પ વર્ષ સુધીનો જ હોય છે, તેના પછી તેના સ્ક્રેપિંગના બિઝનેસમાં પણ ઉદ્યોગકારો માટે અનેક તકો રહેલી છે.