કોંગ્રેસમુક્ત ભારતનું ભાજપનું સપનું ખૂબ જ ઝડપથી આગળ ધપી રહ્યું હોય તેમ લાગે છે. તાજેતરની ચૂંટણીઓમાં કોંગ્રેસના ગઢ સમાન ડાંગ જેવા ગ્રામીણ વિસ્તારોમાં કોંગ્રેસના સૂંપડા સાફ કર્યા બાદ હવે દક્ષિણ ગુજરાતમાંથી કોંગ્રેસ માટે માઠા સમાચાર આવ્યા છે.
દશેરાના બીજા દિવસે આજે શનિવારે તા. 16 ઓક્ટોબર 2021ના રોજ દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાંથી કોંગ્રેસ માટે ખરાબ સમાચાર આવ્યા છે. અહીં કોંગ્રેસની વ્યારા તાલુકા પંચાયતની બેઠકમાં ગાબડું પડ્યું છે. ભાજપના જિલ્લા પ્રભારી મંત્રી મુકેશ પટેલની હાજરીમાં કોંગ્રેસના આગેવાનોએ આજે ભગવો ખેસ ધારણ કરી લીધો છે.
આજે વ્યારા જિલ્લામાં એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તાલુકા પંચાયતના કોંગ્રેસના પ્રમુખ જશુબેન ગામીત અને ન્યાય સમિતિના અધ્યક્ષ સહિત 5 સભ્ય ભાજપમાં જોડાઈ ગયા છે. એકાએક બનેલી આ ઘટનાના પગલે કોંગ્રેસના જૂથમાં હડકંપ મચી ગયો છે. વ્યારા તાલુકા પંચાયત પર હંમેશાથી કોંગ્રેસનો કબ્જો રહ્યો છે, ત્યારે હવે વ્યારા તાલુકા પંચાયતના કોંગ્રેસ પ્રમુખ જ ભાજપમાં જોડાઈ જતા કોંગ્રેસના હાથમાંથી આખોય તાલુકો જ જતો રહ્યા જેવી સ્થિતિનું સર્જન થયું છે.
આ અગાઉ વ્યારા તાલુકાની 20 બેઠક પૈકી પ્રમુખ સહિત 5 સભ્ય આજે ભાજપમાં જોડાયા છે. હવે ભાજપના 11 સભ્ય થયા છે, જેના લીધે વ્યારા તાલુકા પંચાયત પર ભાજપએ સત્તા હાંસલ કરી લીધી છે. આઝાદી બાદ પ્રથમવાર વ્યારા તાલુકા પંયાત પર ભાજપનો ભગવો લહેરાશે.