Vadodara

વડોદરામાં ઘુસાડેલો 46.83 લાખનો વિદેશી દારૂ પકડાયો, 5ની ધરપકડ

વડોદરા: વડોદરા જિલ્લાની હદમાંથી પોલીસે પ્રથમ ઘટનામાં કન્ટેનર ભરીને વિદેશી દારૂ અને બિયર મળીને કુલ રૂ. 30.85 લાખનો વિદેશી દારૂનો  જથ્થો પકડી પાડ્યો છે. દારૂની કાટીંગ વખતે પોલીસ પહોંચતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. બીજી ઘટનામાં વડોદરા પાસેથી પસાર થતા ટેન્કરમાંથી રૂ. 15.98 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. 24 કલાકમાં ગ્રામ્ય એલસીબીએ દારૂ ઝડપી પાડવાના બે કિસ્સામાં રૂ. 46.83 લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રથમ ઘટનામાં જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચએ મળેલ બાતમીના આધારે કજાપુરા સીમમાં આવેલ આત્મીય ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ગોડાઉન પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી કન્ટેનર ભરીને વિદેશી દારૂ અને બિયર મળીને કુલ રૂ. 30.85 લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો.  સમગ્ર ઘટનામાં પોલીસે સુરેશ આસુરામ બિસ્નોઇ, (રહે, પોર-ઇટોલા) (મુળ રહે-સારનો કી ઢાણી, ચીત્તલવાના, ઝાલોર), ચંદનરામ ભાગચંદ મણી (રહે-પોર-ઇટોલા) (મુળ રહે-અલીવાવ, ચીત્તલવાના, ઝાલોર) અને દિનેશ પચારામ બિસ્નોઇ (રહે-ગોમી, ઝાલોરની ધરપકડ કરી હતી તથા દારૂ મંગાવનાર નિલેશ ઉર્ફે નિલુ સિંધી તથા હરી સિંધી તેમજ વિજય રાણા (રહે, માંજલપુર) વોન્ટેડ જાહેર કરી તેને પકડી પાડવાના ચક્રોગતિમાન કર્યા હતા.

જ્યારે બીજી ઘટનામાં જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચને સુરતથી ભરૂચ થઇ કરજણ અને ત્યાર બાદ વડોદરા આવતા ટેન્કરમાં દારૂ સંતાડ્યો હોવાની મળેલ બાતમીના આધારે વોચ ગોઠવી એક શંકાશ્પદ ટેન્કરને ઝડપી પાડ્યો હતો. પોલીસે ટેન્કરની તપાસ કરતા પોલીસને રૂ. 15.98.08 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત પોલીસ રૂ. 15.98 લાખના વિદેશી દારૂના જથ્થા સહિત અન્ય મુદ્દામાલ મળી રૂ. 26.08 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ પોલીસે  મહેન્દ્રસીંગ સંતસીંગ શેખાવત (રહે.ચનાના, ઝુઝનું (રાજસ્થાન), કમલેશકુમાર બનવારીલાલ શર્મા (રહે.ચનાના, ઝુઝનું (રાજસ્થાન)ને ઝડપી પાડ્યા હતા. તથા દારૂ મોકલનાર ઇશ્વરભાઇ (રહે ગોવા) અને સુરતથી દારૂ ભરી આપનાર શંકરને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે.

Most Popular

To Top