ગુજરાતના હેરિટેજ સ્થળોને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા માટે આજે 451 કરોડના કરાર પર હસ્તાક્ષર થયા છે. આ સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના ઇતિહાસ અને અસ્મિતાના પ્રકાશને ઉજાગર કરવો હોય તો હેરિટેજ ટુરીઝમનો વિકાસ જરૂરી છે. અતિ પ્રાચીન મંદિરો-મહેલો, પૌરાણિક નગરો-ઇમારતો અને પ્રાગ-ઐતિહાસિક સ્થળોનો અનન્ય વૈભવ ગુજરાત ધરાવે છે. આ પ્રાચીન વિરાસતોમાંની રાણકી વાવ અને ચાંપાનેર, ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં અને અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીમાં સ્થાન મળ્યું છે તેમ પટેલે જણાવ્યું હતું.
રાજ્યના હેરિટેજ સ્થળોને પ્રવાસન ધામ બનાવવાની નેમ સાથે હેરિટેજ પ્રોપર્ટીના માલિકો અને પ્રવાસન વિભાગ વચ્ચે અંદાજે 451 કરોડના એમ.ઓ.યુ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં સંપન્ન થયા હતાં. ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત યોજાયેલા ‘ગુજરાતના ભવ્ય વારસા’ની ઉજવણી કાર્યક્રમમાં મુખ્યમંત્રી પટેલે હેરિટેજ પોલિસી પોર્ટલ અને ગવર્નર હિલ- સાપુતારા, સાસણગીર વિલેજ તેમજ દાંડી ખાતેની વિવિધ પ્રવાસન સુવિધાઓના ઇ-લોકાર્પણ કર્યા હતા.
પટેલે કહ્યું હતું કે સમગ્ર વિશ્વમાં ભારતની ધરોહર ઉજાગર કરવાની પીએમ નરેન્દ્ર મોદીની નેમમાં ગુજરાત સરકાર હેરિટેજ ટુરિઝમના વિકાસથી રાજ્યની પ્રાચીન વિરાસતોના વિશ્વભરમાં પ્રચાર માટે સતત પ્રયાસરત છે. આ સમારંભમાં વડોદરા રાજકોટ,સંતરામપુર, દેવગઢ બારિયા,બાલાસિનોર વગેરે સ્થળોના રાજવી મહેલોના હેરિટેજ ટુરિઝમ પ્લેસ તરીકે ડેવલપ કરવાના એમ ઓ યુ થયા હતા.પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદીએ વિડિયો સંદેશના માધ્યમથી શુભેચ્છાઓ પાઠવી હતી.