આણંદ : આંકલાવમાં જ્વેલર્સની દુકાન ધરાવતા અને વડોદરા રહેતા વેપારી સોમવારની મોડી રાત્રે દુકાન વધાવી પરત ઘરે જતાં હતાં તે દરમિયાન તેમની કારમાં પંચર જોવા મળ્યું હતું. આથી, તેઓ કારીગરને શોધતા હતા તે દરમિયાન તેમની કારનો કાચ તોડી તેમાંથી રૂ.45 લાખના સોનાના દાગીના ભરેલી બેગની ચોરી થઇ હતી. આંકલાવના સ્વામિનારાયણ મંદિર નજીક રાકેશભાઈ જયંતીભાઈ શાહ (રહે.અરવિંદ સોસાયટી, વડોદરા)ની જ્વેલર્સની દુકાન આવેલી છે. તેઓ તેમના નિયતક્રમ મુજબ સોમવારના રોજ મોડી રાત્રે દુકાન વધાવી હતી. તેઓ દુકાનમાંથી વકરાના રોકડા રૂ.70 હજાર અને સોનાના દાગીના રૂ.45,28,600 એક બેગમાં ભરી કારમાં મુકી હતી. તેઓએ કાર ચાલુ કરી હજુ બે – પાંચ ફુટ ચાલ્યા તે સમયે કારમાં ખોટકો સર્જાયો હતો.
આથી, તેઓએ નીચે ઉતરી જોયું તો પંચર જોવા મળ્યું હતું. રાકેશભાઈ આસપાસમાં પંચરની દુકાન શોધવા ગયાં તે દરમિયાન અજાણ્યા શખસો આગળનો કાચ તોડી બેગમાં મુકેલા રોકડા – દાગીના મળી કુલ રૂ.45,98,600ની ચોરી કરી ફરાર થઇ ગયાં હતાં. મિનિટોમાં પરત ફરેલા રાકેશભાઈ દૃશ્ય જોઇ ચોંકી ગયાં હતાં. આ અંગે તુરંત પોલીસને જાણ કરતાં ટીમ સ્થળ પર પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં કોઇ ખાસ સગડ મળ્યાં નહતાં. આમ છતાં સીસીટીવી ફુજેટ આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગે મોડી રાત્રે અજાણ્યા શખસો સામે આંકલાવ પોલીસે ગુનો નોંધ્યો હતો.
તસ્કરોએ જ કારમાં પંચર પાડ્યું હતું
આંકલાવના વેપારી રાકેશભાઈની કારમાંથી અડધા કરોડના દાગીના ચોરીમાં તસ્કરોની નવી મોડસ ઓપરેન્ડી બહાર આવી છે. આ તસ્કરોએ ટાયરમાં પંચર કર્યું હતું. એફએસએલની પ્રાથમિક તપાસમાં જ ધારદાર હથિયારનો ઉપયોગ કરી આકા પાડી પંચર પાડ્યું હતું.
પોલીસ પાસે માત્ર સીસીટીવી ફુટેજનો આધાર
પોલીસે વિવિધ ટીમ કામે લગાવી છે, પરંતુ પોલીસ પાસે ક્લુ તરીકે માત્ર સીસીટીવી ફુટેજ જ છે. હાલ તસ્કરો કઇ દિશામાં ગયાં ? તે બાબતે ફુટેજ આધારે પગેરૂ દબાવવામાં આવ્યું છે.