શહેરમાં ફરીથી કોરોનાના કેસ વધી રહ્યા છે. જેના કારણે તંત્ર દ્વારા ફરીવાર કડક અમલવારી કરાવવામાં આવી રહી છે. ખાસ કરીને અનલોકમાં તબક્કાવાર હવે તમામ છુટછાટો આપી દેવામાં આવી છે ત્યારે શહેરમાં ખાણી-પીણીના શોખીન લોકો હોટલ-રેસ્ટોરન્ટમાં જઈ રહ્યા હોય, ત્યા તમામ પ્રકારની સાવચેતી માટે મનપાએ સૂચના આપી છે.
સાથે જ હોટલમાં અંદર બેસીને ન જમાડવા માટે પણ સૂચના અપાઈ છે. માત્ર પાર્સલ લઈ જવાની વ્યવસ્થા કરવા માટે મનપાએ સૂચના આપી છે.
મનપા દ્વારા સૂચના આપવામાં આવી છે કે, હોટલ /રેસ્ટોરન્ટમાં તમામ પ્રકારની સાવચેતી રાખવી તેમજ હોટલ/રેસ્ટોરન્ટમાં કાર્યરત તમામ કારીગરોનું સ્ક્રીનીંગ કરાવવું તેમજ તેઓના સ્ટેટીક સેન્ટરમાં ટેસ્ટ કરાવવો આવશ્યક છે. હોટલ/રેસ્ટોરન્ટમાં તમામ કર્મચારીઓ ફરજિયાત માસ્ક પહેરે, સામાજિક અંતર જાળવે તથા માર્ગદર્શિકાનું પાલન કરે તેમજ હોટલ/રેસ્ટોરન્ટમાં આવતા તમામ લોકો ફરજિયાત માસ્ક પહેરી આવે તેમજ સામાજિક અંતર જાળવે તે ખૂબજ આવશ્યક છે.
વધુમાં ઈન્ડોર રૂમોમાં વેન્ટીલેશન આવશ્યક છે. હોટલ/રેસ્ટોરન્ટમાં આવતા લોકો એક સાથે ભોજન કરશે તો સંક્રમણ વધુ ફેલાવાની શક્યતા રહેલી છે. જેથી હોટલ, રેસ્ટોરન્ટના સંચાલકોએ પણ શહેરીજનોને હોટલમાં અંદર બેસાડી જમાડવાને બદલે પાર્સલ ડિલિવરી સિસ્ટમથી જ નાસ્તોલંચાડીનર આપવા જણાવાયું છે. અને એસ.ઓ.પી ના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ મનપા દ્વારા જણાવાયું છે.
એસ.ઓ.પી નું પાલન ન કરતી સંસ્થાઓ પાસેથી 3 દિવસમાં કુલ 4.24 લાખનો દંડ કરાયો
સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ શહેરીજનોને કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટેની એસ.ઓ.પી નું પાલન કરવા વારંવાર સૂચનાઓ આપવામાં આવી રહી છે. તેમ છતાં કેટલાક વ્યકિતઓ બેદરકારી દાખવી આ એસ.ઓ.પી નુ પાલન કરતા નથી પરિણામે કોરોના વાયરસના સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે.
જેથી કોરોનાની પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈ એસ.ઓ.પી નું પાલન ન કરી બેદરકારી દાખવનાર વ્યકિતઓ/ સંસ્થાઓ વગેરે સામે શિક્ષાત્મક કાર્યવાહી મનપા દ્વારા કરવામાં આવી રહી છે અને એસ.ઓ.પી નું પાલન ન કરનારાઓ સામે છેલ્લા 3 દિવસમાં રૂા. 4.24 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.