SURAT

અમેરિકા સહિત 16 દેશમાંથી 43 વેપારી સુરતમાં લેબગ્રોન ડાયમંડ ખરીદવા આવ્યા, બુર્સ જોઈ પ્રભાવિત થયા

સુરત(Surat): કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ (Diamond) માટે વિશ્વભરમાં જાણીતું સુરત શહેર હવે લેબગ્રોન (Labgrown) ડાયમંડનું હબ બનવામાં અગ્રસેર થઈ રહ્યું છે. લેબગ્રોન ડાયમંડના ઉત્પાદનમાં સુરત શહેર કાઠું કાઢી રહ્યું છે, પરંતુ સુરત માત્ર ઉત્પાદન પુરુતું સીમિત ન રહે અને લેબગ્રોન ડાયમંડ ગ્રોવિંગ અને જ્વેલરીના હબ બનવા સાથે વિશ્વમાં નંબર 1 બને તે દિશામાં જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલે (GJEPC) પ્રયાસ હાથ ધર્યા છે, જેના ભાગરૂપે સુરતમાં ત્રિદિવસીય લેબગ્રોન ડાયમંડ બાયર્સ સેલર્સ મીટની ત્રીજી આવૃત્તિનું શહેરના આંગણે આયોજન કરાયું છે.

આ બાયર્સ સેલર્સ મીટમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, રશિયા, લેબનોન સહિત વિશ્વના 16 દેશમાં 43 જેટલાં વિદેશી ખરીદદારો સુરતના આંગણે પધાર્યા છે. અહીં સ્થાનિક લેબગ્રોન ડાયમંડના ઉત્પાદકો સાથે ખરીદદારોની વન-ટુ-વન મિટિંગનું આયોજન કરાયું હતું, જેથી વેચનાર અને ખરીદદાર બંનેની અનુકૂળતાથી સોદા કરી શકે.

તે ઉપરાંત વિદેશી બાયર્સને ફેક્ટરી વિઝિટ પર પણ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ઉત્પાદન ક્ષમતા અને ડિઝાઈનીંગ સ્કીલનું પ્રદર્શન કરાયું હતું. વિદેશી બાયર્સ લેબગ્રોન ડાયમંડ ક્ષેત્રે ભારતની ઉત્પાદન ક્ષમતા, જ્વેલરી સ્કીલથી પ્રભાવિત થયા હતા. તે ઉપરાંત વિશ્વના સૌથી મોટા કમર્શિયલ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સની ઈમારત જોઈ અચંબિત થયા હતા.

અમેરિકાથી આવેલા વિદેશી બાયર જુડી ફિશરે કહ્યું કે, સુરતના ઉત્પાદકોની ઉત્પાદન ક્ષમતા અભૂતપૂર્વ છે. લેબગ્રોન ડાયમંડ ક્ષેત્રે ભારત કાઠું કાઢી રહ્યું છે. અમે સુરતના ઉત્પાદકોની સ્કીલથી પ્રભાવિત થયા છે. ચોક્કસપણે લેબગ્રોન ક્ષેત્રે ભારત વિશ્વમાં અગ્રીમ સ્થાન હાંસલ કરશે.

ઉત્પાદક સંકેત પટેલે કહ્યું કે, વિદેશી ખરીદદારો સુરતમાં આવી ફેક્ટરીની મુલાકાત લે તેનાથી ઉત્પાદકો અને ખરીદદારો વચ્ચે પારદર્શિતા વધી છે. અમને ખરીદદારોની માંગ સમજવાની તક મળી છે. ભવિષ્યમાં લેબગ્રોન ડાયમંડ સ્ટડેડ જ્વેલરીનું સુરતમાં જ ઉત્પાદન થશે. એટલે સુરત ભવિષ્યમાં લેબગ્રોન ડાયમંડ ક્ષેત્રે માઈનથી માર્કેટ સુધી રાજ કરશે તે નક્કી છે.

જીજેઈપીસીના રિજનલ ચેરમેન વિજય માંગુકીયાએ કહ્યું કે, લેબગ્રોન ડાયમંડ સેક્ટરમાં 400 ટકાનો ગ્રોથ જોવા મળ્યો છે. વિશ્વમાં લેબગ્રોન ડાયમંડની ડિમાન્ડ વધી રહી છે. તેથી વિદેશમાં લેબગ્રોન ડાયમંડ જ્વેલરી ક્ષેત્રે કામ કરતા વેપારીઓ સુરતના ઉત્પાદકોને રૂબરૂ મળી શકે.

સુરતના ઉત્પાદકોને ખરીદદાર અને વિદેશી ખરીદદારને ડાયરેક્ટ ફેક્ટરીમાંથી લેબગ્રોન મળી રહે તે હેતુથી બે વર્ષથી બાયર્સ સેલર્સ મીટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પાછલા બે વર્ષ દરમિયાન સારો પ્રતિસાદ મળતા સતત ત્રીજા વર્ષે મીટનું આયોજન કરાયું છે, જેમાં પ્રાથમિક તબક્કે 23 ખરીદદારોને બોલાવવાની ગણતરી હતી, પરંતુ સારો પ્રતિસાદ મળ્યો. 16 દેશમાંથી 43 ખરીદદારો પધાર્યા છે. ચોક્કસપણે સ્થાનિક ઉત્પાદકોને સારો વેપાર મળશે તેવી આશા છે.

લેબગ્રોન ડાયમંડ માર્કેટ કેટલું મોટું છે?
આંકડાકીય દ્રષ્ટિએ સમજીએ તો 2019-20માં ભારતથી લેબગ્રોન ડાયમંડની કુલ નિકાસ 430 મિલિયન યુએસ ડોલર હતી, જે 2021-22માં વધીને 1395 મિલિયન યુએસ ડોલર થઈ હતી. ત્યાર બાદ વર્ષ 2022-23માં તે 1680 મિલિયન યુએસ ડોલર અને વર્ષ 2023-34માં 1402 મિલિયન યુએસ ડોલર પર પહોંચી છે. લેબગ્રોન ડાયમંડની નિકાસમાં પાછલા ચાર વર્ષમાં 400 ટકાનો ધરખમ વધારો નોંધાયો છે.

ભારતમાંથી સૌથી વધુ નિકાસ અમેરિકા, હોંગકોંગ અને યુનાઈટેડ આરબ અમીરાતમાં થાય છે. ભારતથી લેબગ્રોન ડાયમંડ ઈમ્પોર્ટ કરવામાં અમેરિકા 855 મિલિયન યુએસ ડોલર સાથે પ્રથમ ક્રમે આવે છે, ત્યાર બાદ હોંગકોંગ 195 મિલિયન ડોલર સાથે બીજા અને યુએઈ 190 મિલિયન યુએસ ડોલર સાથે ત્રીજા ક્રમે આવે છે.

એક સરવે અનુસાર લેબગ્રોન ડાયમંડનું વૈશ્વિક માર્કેટ 2020માં 20 બિલિયન યુએસ ડોલરનું હતું, જે 9.4 ટકા CAGR દરથી વધીને વર્ષ 2030 સુધીમાં 50 બિલિયન યુએસ ડોલર થવાની શક્યતા છે.

Most Popular

To Top