અંકલેશ્વર, ભરૂચ: ભરૂચમાં કોરોના કહેર સાથે 42થી 44 ડિગ્રી રહેતા ગરમીના પારા વચ્ચે શનિવારે બપોરે વાતાવરણમાં પલટો આવ્યો હતો. બાદ વાગરા, જંબુસર અને ભરૂચ તાલુકાના કેટલાય વિસ્તારોમાં 12 KMની ઝડપે ફુંકાતા પવનોના સથવારે ક્યાંક ભારે તો ક્યાંક હળવા ઝાપટાંરૂપે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. આ સ્થિતિમાં ભરૂચના સીતપોણ ગામે વીજળી લીમડાના ઝાડ ઉપર પડતાં નીચે ઘાસચારો ચરી રહેલા 43 બકરાંનાં મોત નિપજ્યાં હતાં.
ભરૂચના વાગરામાં સુસવાટા મારતા પવનો સાથે ધોધમાર માવઠું વરસી પડતાં ભાગદોડ થઈ ગઈ હતી. જંબુસર અને આમોદ તાલુકામાં પણ કેટલાંક સ્થળે ભારે પવન સાથે હવાથી ભારે ઝાપટાં વરસ્યાં હતાં. કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન થવાની દહેશત ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. બીજી તરફ જંબુસર રોડના વિસ્તારમાં વૃક્ષો પડતાં વાહન વ્યવહાર પણ થોડા સમય માટે ઠપ્પ થઈ ગયો હતો. જેથી વાહન ચાલકો અટવાયા હતા. ભરૂચ તાલુકાના સીતપોણ ગામે 5 જેટલા આદિવાસી પરિવારો તેમનાં બકરાં ચરાવી રહ્યા હતા. ત્યારે એકાએક ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. લીમડાના ઝાડ નીચે બકરાંનું ઝૂંડ ઊભું હતું. ત્યાં જ આભમાંથી જ કાળમુખી વીજળી ત્રાટકી લીમડાના ઝાડ પર પડતાં 43 બકરાંનાં મોત થયાં હતાં.
સરપંચ જાવેદ ઉઘરાદારે જણાવ્યું હતું કે, સાંજે 4 કલાક આસપાસ આ ઘટના મારા જ કૂવા પાસે બની હતી. સાગમટે 43 બકરાંનાં મોતથી આદિવાસી પરિવારોનું પશુધન છીનવાઈ જતાં તેમની સ્થિતિ દારૂણ બની હતી.