સુરત: 20 નવેમ્બરના દિવસે વિશ્વ પાઇલ્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પાઈલ્સને ગુજરાતીમાં હરસ કે મસાની બીમારી કહેવામાં આવે છે. સુરત શહેરમાં ઝડપથી બદલાતી જીવનશૈલી, ફાસ્ટફૂડનો વધતો ઉપયોગ અને ટોયલેટની ખોટી આદતોને કારણે લોકોમાં પાઇલ્સની સમસ્યા વધી રહી છે. શહેરના સર્જન ડોક્ટરો જણાવે છે કે, સુરતમાં દર મહિને સરેરાશ 300થી વધુ નવા પાઇલ્સ દર્દીઓ સારવાર માટે આવતા હોય છે, જેમાં 20થી 35 વર્ષના યુવાનોની સંખ્યા સૌથી વધુ વધી રહી છે.
- આજે વિશ્વ પાઇલ્સ દિવસ: સુરતમાં દરેક 5 માંથી 2 માણસ પાઇલ્સની તકલીફથી પીડિત
- લાંબા સમય સુધી કબજિયાત રહેવું પાઇલ્સનું મૂળ કારણ છે: તબીબ
- નિષ્ણાતોની સમયસર સારવાર લેવા અપીલ
લાંબા સમય સુધી કબજિયાત રહેવું પાઇલ્સનું મૂળ કારણ છે, એમ તબીબો જણાવે છે. સમયસર સારવાર ન લેવાય તો પાઇલ્સ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે અને લેસર સારવાર જેવા વિકલ્પોની જરૂર પડે. કબજિયાત અને મળ સાથે લોહી પડવું. પણ લોહી પડવું એ માત્ર મસાનું જ લક્ષણ નથી.
ઘણી વખત આંતરડાનું કેન્સર કે અન્ય ગંભીર બીમારીનું પણ પ્રથમ લક્ષણ હોઈ શકે છે. એટલે લોકો ઘરગથ્થુ ઉપચાર કરીને સમય બગાડે છે અને પછી સર્જનને બતાવે ત્યાં સુધીમાં મોડું થઈ જાય છે. તબીબનું માનવું છે કે, જો મળ સાથે લોહી પડે તો તરત જ સર્જનને બતાવવું જરૂરી છે. પહેલા કે બીજા તબક્કાનો મસો તો માત્ર ખોરાકમાં ફેરફારથી જ ઠીક થઈ શકે છે. જેથી શરમ કર્યા વિના સર્જનને બતાવવું જરૂરી છે.
શહેરમાં કેમ વધી રહી છે પાઇલ્સની સમસ્યા?
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, કામકાજનો ટેન્શન, લાંબા સમય સુધી ઓફિસમાં બેઠું રહેવું, મોબાઇલ સાથે ટોયલેટમાં બેસવાની આદત તથા ઓઇલી-સ્પાઇસી ખોરાક મુખ્ય કારણો છે.
પાઇલ્સના સામાન્ય લક્ષણો
• મળ સાથે લોહી આવવું
• ટોયલેટ સમયે દુખાવો
• ગૂદા પાસે ગાંઠ જેવી ફૂલવણી
• ખંજવાળ અને ચરચરાટ
• લાંબા સમય સુધી બેઠા રહેતાં તકલીફ
શું કરવાથી પાઇલ્સથી બચી શકાય?
નિષ્ણાતો લોકોને વધુ પાણી પીવાની, ફાઈબરયુક્ત આહાર લેવાની, ટોયલેટમાં મોબાઇલ વાપરવાનું ટાળવાની અને નિયમિત વોક કરવાની સલાહ આપે છે. દરરોજ 10–12 ગ્લાસ પાણી અને ફાઈબરયુક્ત આહાર લેવાથી 70% પાઇલ્સની સમસ્યા ટાળી શકાય, એમ ડોક્ટરે ઉમેર્યું હતું.
છેલ્લા પાંચ વર્ષમાં દર્દીની સંખ્યામાં ધરખમ વધારો થયો
વધુ માહિતી આપતા નવી સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગના ઇન્ચાર્જ વડાએ જણાવ્યું હતું કે, રોજના 12-15 જેટલા દર્દીઓ પાઈલ્સની સારવાર માટે આવી રહ્યા છે. છેલ્લા 5 વર્ષમાં 30-40% જેટલા દર્દીઓમાં વધારો થયો છે. પહેલા 35 વર્ષથી ઉપરની ઉંમરના દર્દીઓ જોવા મળતા હતા. પરંતુ હાલમાં યુવાન દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. જે ખરેખર ચિંતાજનક વાત કહી શકાય એમ છે.