ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન– આઈઆઈટીઈ)ના સેન્ટર ઑફ એજ્યુકેશન દ્વારા બ્લૅન્ડેડ મોડ ઑફ ટીચિંગ ઍન્ડ લર્નિંગ પર્સ્પેક્ટિવ પર બે દિવસના રાષ્ટ્રીય સિમ્પોઝિયાનું આયોજન કરવામાં આવ્યું છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) દ્વારા 20 મે, 2021ના રોજ બ્લૅન્ડેડ મોડ ટીચિંગ એડ લર્નિંગ વિષય સંદર્ભે એક કૉન્સેપ્ટ નોટનો ડ્રાફ્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. જેમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં દરેક કોર્સનો 40 ટકા અભ્યાસક્રમ ઓનલાઇન મોડમાં અને 60 ટકા અભ્યાસક્રમ ઓફલાઇન મોડમાં પૂર્ણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સિમ્પોઝિયામાં દેશના 12 રાજ્યોના શિક્ષણ સાથે જોડાયેલા 60થી વધુ તજજ્ઞો અને સંશોધકોએ ભાગ લઈને પોતાના અવલોકનો તથા અભ્યાસ આધારિત સૂચનો રજૂ કર્યાં હતા. આ સિમ્પોઝિયામાં 15 સંશોધન પત્રો પણ રજૂ થયા છે.
હજી પણ શિક્ષકોને ભણાવવાનો અને વિદ્યાર્થીઓને શીખવાનો સંપૂર્ણ સંતોષ ઓનલાઇન મોડમાં નથી મળતો: શિક્ષણમંત્રી
ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, “કોરોના મહામારીના સમયમાં ઓનલાઇન મોડમાં શિક્ષણ આપવાની વ્યવસ્થા થઈ, ત્યારે એમ લાગતું હતું કે આ વ્યવસ્થા સારી છે, પરંતુ 100 ટકા સંપૂર્ણ નથી.
તેમાં બીમારીની બીજી લહેર વધુ ખતરનાક બનીને આવી. આ સમય સુધીમાં આપણને હવે ઓનલાઇન, વર્ચ્યુઅલ મોડમાં મિટિંગ, ટિચિંગ, લર્નિંગની આદત પડી ગઈ છે. પરંતુ હજી પણ શિક્ષકોને ભણાવવાનો અને વિદ્યાર્થીઓને શીખવાનો સંપૂર્ણ સંતોષ ઓનલાઇન મોડમાં નથી મળતો. આથી આપણે વર્ગખંડમાં પ્રત્યક્ષ અને ઓનલાઇન એમ બન્ને પદ્ધતિનું મિશ્રણ કરીને અભ્યાસ કરાવવાની શિક્ષણ પ્રક્રિયા તૈયાર કરવી પડશે.