Gujarat Main

રાજ્યમાં HMPVનો વધુ એક કેસઃ આ શહેરમાં 4 વર્ષનો બાળક પોઝિટિવ

રાજ્યમાં એચએમપીવી વાયરસનો વધુ એક કેસ નોંધાયો છે. અમદાવાદમાં 4 વર્ષનો બાળકનો સેમ્પલ પોઝિટિવ આવ્યો છે. બાળક અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રહે છે. તેને થલતેજની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો છે.

મળતી માહિતી અનુસાર અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા 4 વર્ષીય બાળકને 13 જાન્યુઆરીએ એચએમપીવીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેને ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો છે. બાળકની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. પરંતુ તેને તાવ, શરદી, કફ અને ઉલટી થતા હતા. તેથી તેને 13મીએ સારવાર માટે હોસ્પિટલમાં એડમિટ કરાયો હતો. દરમિયાન તેનો રિપોર્ટ કઢાવાયો હતો, જે પોઝિટિવ આવ્યો છે.

રાજ્યમાં કુલ 6 કેસ નોંધાયા
ચીનના એચએમપીવી વાયરસનો પહેલો કેસ ભારતમાં બેંગ્લુરુમાં નોંધાયો હતો, પરંતુ અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ ગુજરાતમાં નોંધાયા છે. ગુજરાતમાં એચએમપીવી પોઝિટિવના કેસની સંખ્યા 6 પર પહોંચી છે. જેમાં અમદાવાદમાં 4, સાબરકાઠામાં 1 અને કચ્છમાં 1 કેસ નોંધાયો છે.

દેશમાં એચએમપીવીના કેસની સંખ્યા 19 થઈ
દેશમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) જેવા કોરોના વાયરસના કુલ 19 કેસ નોંધાયા છે. આ અગાઉ સોમવારે પુડુચેરીમાં વધુ એક બાળકનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. અગાઉ 3 અને 5 વર્ષના બે બાળકો ચેપગ્રસ્ત જોવા મળ્યા હતા. પુડુચેરીના મેડિકલ સર્વિસ ડાયરેક્ટર વી રવિચંદ્રને કહ્યું- બાળકને તાવ, ઉધરસ જેવી ફરિયાદ હતી. તેમને 10 જાન્યુઆરીએ JIPMERમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાળક સ્વસ્થ થઈ રહ્યું છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં 3, કર્ણાટક અને તમિલનાડુમાં 2-2, યુપી, રાજસ્થાન, આસામ અને બંગાળમાં એક-એક કેસ નોંધાયા છે.

વૃદ્ધો અને બાળકોને માસ્ક પહેરવા સૂચન
હવે રાજ્યોએ પણ HMPV કેસ વધવાને કારણે તકેદારી વધારી છે. પંજાબમાં વૃદ્ધો અને બાળકોને માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે. અહીં, ગુજરાતની હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવી રહ્યા છે. હરિયાણામાં પણ આરોગ્ય વિભાગને HMPV કેસોની દેખરેખ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

Most Popular

To Top