સુરત: અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરતાં મુસાફરો માટે સારા સમાચાર છે. રેલવેએ હાલના 16 કોચને બદલે 20 કોચવાળી આ પ્રીમિયમ ટ્રેનને અસ્થાયી રૂપે ચલાવવાનો નિર્ણય લીધો છે. આ વ્યવસ્થા 26 જાન્યુઆરી, 2026થી 7 માર્ચ, 2026 સુધીના પસંદગીના દિવસોમાં અમલમાં રહેશે.
- આ વ્યવસ્થા 26 જાન્યુઆરી, 2026થી 7 માર્ચ, 2026 સુધીના પસંદગીના દિવસોમાં અમલમાં રહેશે
રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 22962/61 (અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ) વંદે ભારત એક્સપ્રેસમાં ચાર વધારાના કોચ ઉમેરવામાં આવી રહ્યા છે. અગાઉ, ટ્રેન 16 કોચ રેક સાથે ચાલતી હતી, જેમાં બે ડબલ ટ્રેક્શન ચેર કાર, 12 ટ્રેલર ચેર કાર અને બે નોન-ડ્રાઇવિંગ ટ્રેલર ચેર કારનો સમાવેશ થતો હતો. કામચલાઉ વધારા પછી, ટ્રેનની કુલ રચના 20 કોચ હશે. આનાથી સીટોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે અને સપ્તાહના અંતે અને તહેવારો દરમિયાન વધતા ધસારાને નિયંત્રિત કરવામાં મદદ મળશે. રેલવે બોર્ડની મંજૂરી અને ટેકનિકલ નોંધોના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અધિકારીઓનું કહેવું છે કે વધારાના કોચ ઉમેરવાથી મુસાફરોની ટિકિટ કન્ફર્મ થવાની શક્યતા વધશે અને વેઇટિંગ લિસ્ટની સમસ્યા ઓછી થશે. આ સમયગાળા દરમિયાન, મુંબઈ સેન્ટ્રલ-વટવા કર્ણાવતી એક્સપ્રેસ (૧૨૯૩૩/૩૪)ના ટર્મિનલમાં પણ કામચલાઉ ફેરફાર કરવામાં આવ્યો છે. ૨૬ જાન્યુઆરીથી ૭ માર્ચ, ૨૦૨૬ સુધી, આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલને બદલે બાંદ્રા ટર્મિનસથી ચાલશે. રેલવે માને છે કે આ બંને નિર્ણયો અમદાવાદ-મુંબઈ રૂટ પર મુસાફરોની સુવિધામાં સુધારો કરશે અને સુગમ સંચાલન સુનિશ્ચિત કરશે.
292 સીટનો વધારો થશે
આ ચાર કોચ વધવાથી વધારાની 292 સીટ મુસાફરોને મળશે, જેને કારણે કર્ન્ફ્મ ટિકિટનો લાભ મુસાફરોને મળશે.