ભાવનગર: ભાવનગરના બોરતળાવમાં ગોઝારી ઘટના બની છે. અહીં નજીકના વિસ્તારમાં રહેતી બાળકીઓ આજે બપોરે તળાવ કાંઠે કપડાં ધોવા અને ન્હાવા માટે ગઈ હતી, ત્યારે એક બાળકી અચાનક ડુબવા લાગી હતી. તેને બચાવવા જતા એક બાદ એક પાંચ બાળકી-કિશોરીઓ પાણીમાં કુદી હતી અને તમામ ડૂબી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં લોકો તળાવ પાસે દોડી ગયા હતા અને તમામ બાળકી-કિશોરીઓને બહાર કાઢી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં ચાર બાળકી-કિશોરીઓને મૃત જાહેર કરવામાં આવી હતી.
સ્થાનિક રહીશોએ કહ્યું કે, ભાવનગર શહેરમાં બોરતળાવ જે ગૌરીશંકર સરોવર તરીકે ઓળખાય છે ત્યાં પાંચ બાળાઓ કપડાં ધોવા ગઈ હતી. ત્યારે એક બાળકી અકસ્માતે પાણીમાં પડી જતા તે ડૂબવા લાગી હતી. તેને બચાવવા અન્ય ચાર બાળકીઓ તળાવમાં કુદી હતી. તે તમામ ડૂબવા લાગતા તેઓએ બૂમાબૂમ કરી હતી.
સ્થાનિક લોકોએ દોડી જઈ તમામને બહાર કાઢી હતી, પરંતુ ચાર બાળાઓનું ડુબી જવાના લીધે મોત થઈ ગયું હતું. બોરતળાવમાં જે બાળકીઓ ડુબી તેમાં રાશી મનીષભાઈ ચારોલીયા, કોમલ મનીષભાઈ ચારોલીયા, કિંજલ મનીષભાઈ ચારોલીયા ત્રણ સગી બહેનો હતી. રાશી અને કોમલનું ડુબી જવાથી મોત થયું છે. કિંજલ બચી ગઈ છે.
ભાવનગર મનપા ચીફ ફાયર ઓફિસર પ્રદ્યુમનસિંહ જાડેજાએ કહ્યું કે, બપોરે સાડા બાર વાગ્યાના અરસામાં ફાયરબ્રિગેડને કોલ મળ્યો હતો. બોરતળાવમાં પાંચ દીકરીઓ ડૂબી ગઈ હોવાનો મેસેજ મળતા ફાયરના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. સ્થાનિક તરવૈયાઓએ પાંચેય દીકરીઓને બહાર કાઢી હોસ્પિટલ મોકલી હતી. તપાસ કરતા ચારનાં મોત થયાં છે જ્યારે એકનો જીવ બચી ગયો છે.
મૃતકોના નામ
અર્ચના હરેશ ડાભી (ઉં.વ. 17), રાશિ મનીષભાઈ ચારોલીયા (ઉં.વ. 9), કોમલ મનીષ ચારોલીયા (ઉં.વ. 13) અને કાજલ વિજય જાંબુચા (ઉં.વ. 12).