Dakshin Gujarat

ઉકાઈ ડેમના 4 ગેટ ફરી ખોલવામાં આવ્યા, ઈનફલો વધતા આઉટફલો વધારાયો

સુરત: ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમમાં પાણીનો ઈનફલો વધતા આજે તા. 10 ઓગસ્ટની સવારે ડેમના ફરી એકવાર 4 ગેટ 4 ફૂટ ખોલી દેવાયા છે.

આજે તા. 10 ઓગસ્ટ 2024ની સવારે 11 વાગ્યાની પરિસ્થિતિ અનુસાર ઉકાઈ ડેમની સપાટી 334.88 ફૂટ પર પહોંચી છે. ડેમમાં પાણીનો ઈનફલો 60,358 ક્યૂસેક્સ છે, તેની સામે આઉટ ફલો 45,938 ક્યૂસેક કરી દેવાયો છે. રૂલ લેવલની લગોલગ સપાટી પહોંચી જતા આઉટફલો વધારાયો છે. આજે સવારથી ડેમના 4 ગેટ 4 ફૂટ ખોલી દઈ પાણી છોડવામાં આવી રહ્યું છે.

આ અગાઉ શુક્રવારે ઉકાઇ ડેમની સપાટી રૂલ લેવલની નજીક 334.70 ફૂટ પર પહોંચી હતી. ડેમ ઓથોરિટીએ 17301 ક્યુસેક પાણીની આવક સામે જાવક 17301 ક્યુસેક રાખી હતી. ઉકાઇ ડેમના ઉપરવાસમાં પણ વરસાદે બે દિવસથી વિરામ લીધો છે. વરસાદ બંધ થતાં ઉકાઇ ડેમમાંથી પાણી છોડવા ખોલવામાં આવેલા ચાર ફલડ ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા.

જોકે, આજે શુક્રવારે ફરી એકવાર ચાર ગેટ ખોલી પાણીનો આઉટફલો વધારવામાં આવ્યો છે. જોકે, ચિંતા જેવી કોઈ બાબત નહીં હોવાનું તંત્ર તરફથી જાણવા મળ્યું છે.

આ અગાઉ ત્રણ દિવસ અગાઉ ઉકાઇ ડેમના ઉપરવાસમાં પડેલાં ભારે વરસાદને લીધે ડેમના ચાર દરવાજા 4 ફૂટ સુધી ખોલીને પાણી છોડી 335 ફૂટનું રૂલ લેવલ જાળવી રાખવામાં આવ્યું છે. 48 કલાકથી વરસાદ બંધ થતાં ડેમનાં પાણી છોડવા માટે ખોલવામાં આવેલા દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. હાલમાં ડેમમાં હથનુર ડેમમાંથી 27652 ક્યુસેક અને પ્રકાશા ડેમમાંથી 31939 ક્યુસેક પાણીની આવકને પગલે ઉકાઇમાં 17301 કયુસેક પાણીની આવક નોંધાઇ હતી.

Most Popular

To Top