નડિયાદ: પોલીસે કઠલાલ તાલુકાના છીપીયાલ તાબે ભોઈની મુવાડીમાં ઘરમાં ગાંજો સંતાડી રાખી તેનું છુટક વેચાણ કરતાં શખ્સને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો. કઠલાલ તાલુકાના છીપીયાલ તાબે ભોઈની મુવાડીમાં રહેતાં રણછોડભાઈ જેણાજી સોલંકી તેના ઘરમાં ગાંજા જેવો માદક નશીલો પદાર્થ રાખી, તેનું વેચાણ કરતાં હોવાની બાતમી ખેડા જિલ્લા એસ.ઓ.જી પોલીસની ટીમને મળી હતી. જેથી પોલીસની ટીમે ગુરૂવારના રોજ મોડી સાંજના સમયે બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડી રણછોડ સોલંકીની અટકાયત કરી હતી. જે બાદ ઘરની તલાશી લેતાં તેમાં રસોડાની રૂમ નજીક પડેલી એક ડોલમાંથી ૪.૭૧૦ કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવી, કોને આપવાનો હતો તે બાબતે પોલીસે પુછપરછ કરતાં ગાંજાનો આ જથ્થો અર્જુનભાઈ નરવતભાઈ બારીયા (રહે.પટેલ ફળીયું, દેવગઢ બારીયા, જિ.દાહોદ) આપી ગયો હોવાનું રણછોડભાઈએ કબુલ્યું હતું. પોલીસે ગાંજાનો જથ્થો કિંમત રૂ.૪૭,૧૦૦, વજનકાંટો રૂ.૨૦૦ તેમજ એક મોબાઈલ કિંમત રૂ.૫૦૦ મળી કુલ રૂ.૪૭,૮૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ગાંજા સાથે પકડાયેલાં રણછોડભાઈ જેણાજી સોલંકી તેમજ ગાંજો આપી જનાર અર્જુનભાઈ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
કઠલાલમાં 4.7 કિલો ગાંજો પકડાયો ઃ બે સામે કાર્યવાહી
By
Posted on