ભરૂચ: ભરૂચ (Bharuch) મહંમદપુરા વિસ્તારમાં આવેલ સિટીઝન કોમ્પલેક્ષના ત્રીજા માળનો કેટલોક ભાગ ધરાશાયી (Collapsed) થતા બુધવારે વહેલી સવારે મહંમદપુરા જેવા ભરચક વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આ ઈમારત જર્જરીત હાલતમાં હોવા છતાં તે અંગે કોઈએ તકેદારી રાખી ન હોવાથી ઈમારત ધરાશાયી થઇ હતી. એમ પણ જાણવા મળ્યું છે કે, સિટીઝન કોમ્પલેક્ષની સમગ્ર ઈમારત જર્જરીત હાલતમાં છે. તેની સમારકામ કરવા કે તેને ઉતારી પાડવા માટે તાત્કાલિક કામગીરી કરવા માટે લોકમાંગ ઉઠી છે.
મહંમદપુરા જેવા ભરચક વિસ્તારમાં બુધવારે વહેલી સવારે લોકોની અવરજવર ખુબ મોટા પ્રમાણમાં થતી હોય છે ત્યારે સિટીઝન કોમ્પલેક્ષનો ભાગ કડાકાભેર ધરાશાયી થતા ભારે અવાજે લોકોને દોડતા કરી દીધા હતા. જો કે સદ્દનસીબે કોઈ જાનહાની થઇ ન હતી.
જો કે ભરૂચ પાલિકા દ્વારા જર્જરીત મકાનો ઉતારી પાડવા અંગેની કામગીરી કે જર્જરીત મકાન માટે મકાન માલિકને કાયદેસર નોટીસ આપતા હોય છે. એવા સમયે સિટીઝન કોમ્પલેક્ષના જર્જરીત ઈમારત અંગે મકાન માલિકને નોટીસ ફટકારી છે કે કેમ એ એક તપાસનો વિષય છે.
આમોદ ગામે ચાર રસ્તા પરના દબાણોને પોલીસે દૂર કર્યા
ભરૂચ: ભરૂચ જિલ્લાના આમોદ ગામે ચાર રસ્તા ઉપર આડેધડ પાર્કિંગ કરતા વાહનચાલકો સામે આમોદ પોલીસે સપાટો બોલાવી દબાણો દૂર કર્યા હતા. જેમાં રીક્ષા તેમજ ઇકો ગાડીના ચાલકો દ્વારા મન ફાવે તેમ વાહન પાર્કિંગ કરવામાં આવતું હતું. જે બાબતે આમોદ નગરજનો દ્વારા અનેક ફરિયાદો ઉઠી હતી, તેમજ ગમે તેમ વાહન પાર્કિંગ કરતા સરકારી બસને પણ પેસેન્જર ઉતારવા તેમજ લેવા માટે અનેક તકલીફ પડતી હતી.
જે બાબતે આમોદ ખાતે જીલ્લા પોલીસ અધિક્ષકના સ્થાને યોજાયેલ લોક દરબારમાં પણ નગરજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે આમોદ પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સપાટો બોલાવી આમોદ ચાર રસ્તા પરના દુકાનદારોએ લગાડેલા સેડ પણ ઉતારી લીધા હતા. એટલું જ નહીં, ચાર રસ્તા પર ગમે તેમ પાર્કિંગ કરતા વાહનચાલકો સામે લાલ આંખ કરતા વાહનચાલકોમાં નાસભાગ મચી જવા પામી હતી.
ચાર રસ્તા ઉપરના રસ્તાઓ પહોળા દેખાતા સ્થાનિક લોકોએ મોકળાશ અનુભવી હતી. આ સાથે જ આમોદ પોલીસની કામગીરીને લોકોએ પણ સરાહનીય ગણાવી હતી.