Columns

દશેરા પહેલાં દુનિયામાં મોટી ઉથલપાથલ થશે, તેવી ભવિષ્યવાણી સાચી પડતી જણાય છે. ઈરાન અત્યાર સુધી હમાસ અને હિઝબોલ્લાહ જેવાં સંગઠનોની મદદથી પ્રોકસી વોર લડતું હતું પણ તેણે હવે ઇઝરાયેલ સામે સીધી લડાઈ શરૂ કરી છે. ઈરાને મંગળવારે મોડી રાત્રે ઈઝરાયેલ પર ૨૦૦ થી વધુ મિસાઈલો છોડી હતી. ઈરાની હુમલાના જે વિડિયો વાયરલ થઈ રહ્યા છે તેમાં તેલ અવીવ અને ઈઝરાયેલના અન્ય વિસ્તારોમાં મિસાઈલો વરસાદની જેમ પડી રહી છે. ઈરાની મિડિયાનો દાવો છે કે તમામ મિસાઈલો સચોટ રીતે તેમના નિશાન પર ત્રાટકી હતી.

ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે ઈઝરાયેલ પર હુમલો કરવા માટે પ્રથમ વખત હાઈપરસોનિક મિસાઈલનો ઉપયોગ કર્યો હતો અને ૯૦ ટકા મિસાઈલો ચોક્કસ રીતે નિશાન પર પહોંચી હતી. ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ અનુસાર તેનું લક્ષ્યાંક ત્રણ ઇઝરાયેલ લશ્કરી થાણાં હતાં. તેણે ઈઝરાયેલના નેવાટિમ એર બેઝને નિશાન બનાવવાનો દાવો કર્યો છે. એવા પણ દાવાઓ થયા છે કે નેવાટીમ એરબેઝ પર મુકાયેલા ઓછામાં ઓછા ૨૦ F-૩૫ ફાઈટર જેટનો નાશ કરવામાં આવ્યો છે. જો કે, આ અંગે ઈઝરાયેલ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી અને તેની સત્તાવાર પુષ્ટિ પણ થઈ નથી. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ઈરાનની કેટલી મિસાઈલો ટાર્ગેટ પર પહોંચી છે અને કેટલા લોકોના જીવ ગયા છે કે કેટલું નુકસાન થયું છે.

આ વર્ષે એપ્રિલમાં પણ ઈરાને ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. ત્યારે તેણે લગભગ ૧૧૦ બેલેસ્ટિક મિસાઈલો અને ૩૦ ક્રુઝ મિસાઈલ છોડી હતી. જો કે, ઈરાને પહેલી વાર હાઈપરસોનિક મિસાઈલનો ઉપયોગ કર્યો છે. બીજી તરફ ઈઝરાયેલના સંરક્ષણ દળોનું કહેવું છે કે તેણે ઈરાનની મોટા ભાગની મિસાઈલોને નષ્ટ કરી દીધી છે. ઈરાનના હુમલાને નિષ્ફળ બનાવવામાં ઈઝરાયેલની આયર્ન ડોમ ડિફેન્સ સિસ્ટમે સૌથી મોટી ભૂમિકા ભજવી હતી. આ એક એર ડિફેન્સ સિસ્ટમ છે. આયર્ન ડોમમાં ઈન્ટરસેપ્ટર લગાવવામાં આવ્યાં છે, જે શોધી કાઢે છે કે મિસાઈલ કે રોકેટ કયા વિસ્તારમાં પડવાનું છે. પછી તેઓ તેને હવામાં અટકાવે છે અને તેનો નાશ કરે છે.

હવે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે સીધું યુદ્ધ શરૂ થઈ ગયું છે. હવે આગામી ૪૮ કલાક સમગ્ર વિશ્વ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે માનવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન એક મહાન યુદ્ધ શરૂ થઈ શકે છે. હાલમાં પશ્ચિમ એશિયા સૌથી વધુ અશાંત સમયમાં છે. આગામી સમયમાં આ વિસ્તારમાં સંઘર્ષ વધી શકે છે. અમેરિકાએ પણ ઈઝરાયેલને મદદ કરવાની જાહેરાત કરી છે. ઈઝરાયેલ હવે ઈરાનને છોડશે નહીં.

ઈઝરાયેલ ઈરાનના વ્યૂહાત્મક સ્થળો પર હુમલો કરી શકે છે. ઈઝરાયેલ થોડા દિવસોમાં ઈરાન પર હુમલો કરી શકે છે. ઈઝરાયેલ ઈરાનના ખનિજ તેલના કૂવાને નિશાન બનાવી શકે છે. સૂત્રોનું કહેવું છે કે ઈઝરાયેલના વડા પ્રધાન નેતન્યાહૂ આજે અમેરિકી રાષ્ટ્રપતિ બિડેન સાથે વાત કરશે. નેતન્યાહૂ અમેરિકા સાથે ઈઝરાયેલની જવાબી કાર્યવાહી અંગે વાત કરશે અને પોતાની યોજનાનો ખુલાસો કરશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે ઈરાને ઈઝરાયેલ પર હુમલો કરતાં પહેલાં રશિયાને પણ જાણ કરી હતી.

ઈરાનની સાથે હિઝબોલ્લાએ પણ મંગળવારે ઈઝરાયેલ પર બોમ્બ અને મિસાઈલનો વરસાદ કર્યો હતો. હિઝબોલ્લાહે મંગળવારે રાત્રે ઉત્તરી ઇઝરાયેલ પર મોટો હુમલો કર્યો હતો. મંગળવાર રાતથી અત્યાર સુધીમાં કુલ ૭ અલગ અલગ ઈઝરાયેલી ગામો અને ૨૦ નાનાં શહેરો પર હુમલો કરવામાં આવ્યો છે. ઈઝરાયેલને પહેલેથી જ ખબર હતી કે ઈરાન મિસાઈલથી હુમલો કરશે. ત્યાર બાદ ઈઝરાયેલમાં અચાનક સુરક્ષા કેબિનેટની બેઠક બોલાવવામાં આવી હતી. મિડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈરાન કોઈ પણ સમયે હુમલો કરી શકે છે. ઈઝરાયેલ જાણતું હતું કે ઈરાન બેલેસ્ટિક મિસાઈલોનો ઉપયોગ કરી શકે છે. આ મિસાઈલો એટલી ખતરનાક મનાય છે કે તે લોન્ચ થયાના ૧૨ મિનિટમાં જ ઈઝરાયેલ પહોંચી શકે છે.

ઈરાનના હુમલા બાદ પણ હિઝબુલ્લાહ વિરુદ્ધ ઈઝરાયેલની કાર્યવાહી અટકી નથી. ઇઝરાયેલે લેબનોનના બેરૂતના દક્ષિણી વિસ્તારોમાં હવાઈ હુમલા કર્યા હતા. ઇઝરાયેલે લેબનોન પર ફરીથી બોમ્બમારો કર્યો છે. લેબનીઝ સુરક્ષા સૂત્રે જણાવ્યું હતું કે ઇઝરાયેલી સેનાએ બુધવારે વહેલી સવારે બેરૂતના દક્ષિણી વિસ્તારોમાં ઓછામાં ઓછા પાંચ હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલાઓ હિઝબોલ્લાહનાં સ્થાનો પર કરવામાં આવ્યા હતા.

ઈરાનના હુમલા બાદ ઈઝરાયેલે કહ્યું છે કે અમારો કાઉન્ટર ઓપરેશન પ્લાન તૈયાર છે. જવાબ ક્યારે આપવો તે અમે નક્કી કરીશું. સાથે જ ઈરાનના આર્મી ચીફે ધમકી આપી છે કે જો તેમના દેશ પર હુમલો થશે તો તેઓ ઈઝરાયેલના તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરી દેશે. ઈરાન અને ઇઝરાયેલ દ્વારા જે રીતે સામસામે ધમકી આપવામાં આવી રહી છે તે જોતાં હવે ત્રીજું વિશ્વ યુદ્ધ નજીક હોવાનું જણાઈ રહ્યું છે.

ઈઝરાયેલ પાસે હવાઈ સંરક્ષણ માટે મોટી વ્યવસ્થા છે. આમાંથી સૌથી પ્રખ્યાત આયર્ન ડોમ છે. આયર્ન ડોમ હમાસ અને હિઝબોલ્લાહ દ્વારા છોડવામાં આવેલા ટૂંકા અંતરના રોકેટને અટકાવવા માટે રચાયેલ છે. એપ્રિલમાં ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલા દરમિયાન એર ડિફેન્સના કેટલાક ભાગોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરંતુ મંગળવારે થયેલા હુમલામાં એર ડિફેન્સ સિસ્ટમનાં અન્ય તત્ત્વો પણ કામ કરી શકે છે. ઉદાહરણ તરીકે ડેવિડની સ્લિંગને જાદુઈ લાકડી પણ કહેવામાં આવે છે. આ અમેરિકન તેમ જ ઇઝરાયેલ સિસ્ટમ છે, જેનો ઉપયોગ મધ્યમથી લાંબા અંતરના રોકેટ તેમજ બેલિસ્ટિક અને ક્રુઝ મિસાઇલોને અટકાવવા માટે થાય છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ઈરાનના ઈઝરાયેલ પરના મિસાઈલ હુમલા પર પ્રતિક્રિયા આપી છે. રાષ્ટ્રપતિ બિડેને કહ્યું કે અમેરિકા સંપૂર્ણપણે ઇઝરાયેલને સમર્થન આપે છે. તેમના નિર્દેશો પર અમેરિકી સૈન્યે હુમલા દરમિયાન ઇઝરાયેલને સક્રિય રીતે મદદ કરી હતી. નવીનતમ માહિતીના આધારે તેમણે કહ્યું કે હુમલો નિષ્ફળ સાબિત થયો છે. આ સાથે અમેરિકાનાં ઉપપ્રમુખ કમલા હેરિસે કહ્યું છે કે ઈરાની મિસાઈલોને તોડી પાડવામાં અમેરિકાએ જે રીતે ઈઝરાયલની મદદ કરી તે એકદમ યોગ્ય છે.

કમલા હેરિસનું કહેવું છે કે તેણે આ હુમલાને વ્હાઈટ હાઉસના સિચ્યુએશન રૂમમાંથી રિયલ ટાઈમમાં જોયો છે. તેણીએ કહ્યું કે તે રાષ્ટ્રપતિ બિડેનના નિર્ણયનું સંપૂર્ણ સમર્થન કરે છે, જેમાં બિડેને ભૂમધ્ય સમુદ્રમાં તૈનાત યુએસ નૌકાદળનાં જહાજોને ઈરાનની મિસાઈલો તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. કમલા હેરિસે કહ્યું કે ઇઝરાયેલ પર ઈરાનના હુમલાની અસરોનું આકલન હજુ ચાલુ છે અને હાલ તો લાગે છે કે અમેરિકાની મદદથી ઈઝરાયેલે ઈરાનના હુમલાને નિષ્ફળ બનાવ્યો છે.

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે વિશ્વમાં ચિંતા વધી રહી છે અને તેની સાથે વૈશ્વિક બજારો પણ ગભરાટમાં આવી ગયાં છે. બંને દેશોમાં વધતા તણાવની અસર સૌથી પહેલાં ક્રુડ ઓઈલની કિંમત પર જોવા મળી રહી છે અને ક્રુડ ઓઈલના ભાવમાં એક સાથે ૫ ટકાનો વધારો થયો છે. ઈરાનને ઓઈલ સેક્ટરનો સૌથી મોટો ખેલાડી માનવામાં આવે છે. ક્રુડ ઓઈલ સેક્ટરમાં તેની સામેલગીરીથી ઓઈલ સપ્લાય ચેઈનમાં વિક્ષેપ આવવાની આશંકા વધી ગઈ છે.

ઈરાન વિશ્વના લગભગ એક તૃતીયાંશ તેલનો પુરવઠો પૂરો પાડે છે. ઈરાનના મિસાઈલ હુમલાને કારણે સંકટ વધી રહ્યું છે. માત્ર ક્રુડ ઓઈલની કિંમત પર જ નહીં પરંતુ ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધી રહેલા તણાવની અસર હવે વૈશ્વિક ઈક્વિટી બજારોમાં પણ દેખાઈ રહી છે. તેલના ભાવ વધી રહ્યા છે, બોન્ડના ભાવો વધી રહ્યા છે, સોનું વધી રહ્યું છે અને શેરોના ભાવો ઘટી રહ્યા છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top