ચીની અભિનેતા એલન યુ મેંગલોંગનું 37 વર્ષની વયે બેઇજિંગમાં એક ઇમારત પરથી પડી જવાથી અવસાન થયું. આ દુ:ખદ ઘટના 11 સપ્ટેમ્બરના રોજ બની હતી જેની પુષ્ટિ તેમની મેનેજમેન્ટ ટીમે તે જ દિવસે ચીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વેઇબો પર સત્તાવાર નિવેદન જારી કરીને કરી હતી. અહેવાલો અનુસાર પોલીસે કોઈપણ ગુનાહિત કાવતરાનો ઇનકાર કર્યો છે. અભિનેતાના મૃત્યુથી ઉદ્યોગ અને પરિવાર શોકમાં ડૂબી ગયા છે. અભિનેતાના ચાહકો પણ આ ઘટનાથી આઘાતમાં છે અને આ કેવી રીતે થયું તે સમજી શકતા નથી.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઊંડા દુઃખ સાથે અમે જણાવી રહ્યા છીએ કે અમારા પ્રિય મેંગલોંગનું ૧૧ સપ્ટેમ્બરના રોજ એક દુ:ખદ અકસ્માતમાં અવસાન થયું. પોલીસે કોઈપણ ગુનાહિત સંડોવણીનો ઇનકાર કર્યો છે. અમને આશા છે કે તેમના આત્માને શાંતિ મળે અને તેમના પરિવાર અને મિત્રોને આ મુશ્કેલ સમયમાં શક્તિ મળે.’ અભિનેતાના મૃત્યુના સમાચારથી મનોરંજન જગત અને ચાહકોમાં ઊંડો શોક ફેલાયો છે. વિશ્વભરના ચાહકોએ સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
ચાહકોએ આપી પ્રતિક્રિયા
એક X (અગાઉ ટ્વિટર) યુઝરે લખ્યું, “મને હજુ પણ વિશ્વાસ નથી થઈ રહ્યો કે આ સાચું છે. હું ઈચ્છું છું કે તે માત્ર એક અફવા હોત. યુ મેંગલોંગે ‘TMOPB’ માં બાઈ ઝેન તરીકે ખૂબ સારું કામ કર્યું. તેમના આત્માને શાંતિ મળે. તેઓ ફક્ત 37 વર્ષના હતા, જીવન ખરેખર ખૂબ ટૂંકું છે.” બીજા યુઝરે લખ્યું, “આ અચાનક બન્યું અને બધા આઘાતમાં છે. હજુ પણ વિશ્વાસ નથી થઈ રહ્યો… શાંતિથી આરામ કરો, યુ ગે. આશા છે કે તમે તે સુંદર જગ્યાએ હશો.”
એલન યુ મેંગલોંગે તેમની અભિનય કારકિર્દીમાં ઘણા હિટ ટેલિવિઝન નાટકોમાં કામ કર્યું છે. IMDb અનુસાર તેમના મુખ્ય નાટકોમાં ‘ધ લિજેન્ડ ઓફ વ્હાઇટ સ્નેક’, ‘ઇટર્નલ લવ’, ‘લવ ગેમ ઇન ઇસ્ટર્ન ફેન્ટસી’, ‘ઓલ આઉટ ઓફ લવ’નો સમાવેશ થાય છે. તેમને તેમના અભિનય માટે ઘણી પ્રશંસા મળી. ખાસ કરીને ‘ધ લિજેન્ડ ઓફ વ્હાઇટ સ્નેક’ માં તેમના અભિનય માટે તેમને ગોલ્ડન બડ નેટવર્ક ફિલ્મ અને ટેલિવિઝન એવોર્ડ્સમાં ‘બ્રેકથ્રુ એક્ટર ઓફ ધ યર’ એવોર્ડ પણ મળ્યો હતો.