આણંદ : ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત આગામી 5મી ડિસેમ્બરના રોજ આણંદ જિલ્લામાં મતદાન યોજાવાનું છે. આણંદ જિલ્લાની 7 વિધાનસભા બેઠક માટે મતદાન અર્થે નકકી કરવામાં આવેલ 1,810 મતદાન મથક નક્કી કરવામાં આવ્યા છે. દરેક મતદાર મતદાન કરવા જાય ત્યારે પોલિંગ ઓફિસર દ્વારા જમણા હાથની પહેલી આંગળી ઉપર અવિલોપ્ય શાહીથી નિશાની કરવામાં આવશે. જેથી મતદારે મતદાન કર્યુ છે, તેની ચોક્સાઇ થઇ શકે છે. આણંદ જિલ્લામાં 1810 મતદાન મથકો પર દરેક મતદાન મથક દીઠ બે શાહીની બોટલ આપવામાં આવશે. જેનાથી પોલિંગ ઓફિસર આ અવીલોપ્ય શાહીની નિશાની દરેક મતદારની આંગળી ઉપર કરશે.
આમ આણંદ જિલ્લાની 7 વિધાનસભા બેઠકો માટે આ ચૂંટણીમાં અવિલોપ્ય શાહીની અંદાજે 3620 બોટલ શાહીનો ઉપયોગ કરવામાં આવશે. ચૂંટણીપંચના નિયમાનુસાર દરેક મતદારના ડાબા હાથની પહેલી આંગળી ઉપર આંગળી અને નખની ઉપર સળંગ શાહી લગાવવામાં આવે છે. જો મતદારને ડાબો હાથ ન હોય તો જમણા હાથની પ્રથમ આંગળી ઉપર શાહી લગાડવામાં આવે છે અને જો બંને હાથ ન હોય તો ડાબા પગના અંગૂઠા ઉપર લગાડવામાં આવે છે. કોઈ પણ મતદાર બીજી વાર મતદાન ન કરી શકે તેની સાવચેતી રાખવા ભારતીય ચૂંટણી તંત્રની સૂચના અનુસાર આ સંપૂર્ણ પ્રક્રિયા કરવામાં આવે છે. આ ઉપરાંત ન્યાયી ચૂંટણી માટે તંત્ર દ્વારા સુરક્ષા માટે પણ પોલીસ બંદોબસ્ત સહિતની બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
કેવી રીતે બને છે શાહી ?
વર્ષ 1962થી ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, વિધાનસભા અને લોકસભાની તમામ ચૂંટણીઓમાં ઉપયોગમાં લેવામા આવતી અવિલોપ્ય શાહી કાળી શાહી અને સિલ્વર નાઈટ્રેટના મિશ્રણમાંથી બને છે. આ શાહીની ખાસિયત એ છે કે જે તે મતદારની આંગળી પર એક વખત લગાવ્યા બાદ માત્ર 60 સેકન્ડમાં સુકાઈ જાય છે. પરંતુ આંગળી પર શાહીનું નિશાન 15-20 દિવસ તો ક્યારેક મહિનાઓ સુધી રહે છે. કોઈપણ રાસાયણિક ડિટર્જન્ટ કે તેલથી આ શાહીની નિશાની દૂર કરી શકાતી નથી. જેથી એક જ મતદાર દ્વારા બીજી વખત મતદાન કરવાની સંભાવના નહીવત થઇ જાય છે.
ટાંકણી સહિત 40 કરતાં વધુ લેખન – સાધન સામગ્રી
ચૂંટણી તંત્ર દ્વારા મતદાનમાં નાનામાં નાની ટાંકણીથી લઈને લખવા માટેના ફુલ સ્કેપ કાગળ તેમજ વિવિધ કલર-સાઈઝના કવરો સહિતની 40 કરતાં વધુ સામગ્રી પહોંચાડવામાં આવતી હોય છે. સેફટી પિન્સ, અવિલોપ્ય શાહીની બોટલ રાખવા માટેનું ટીન, દિવાસળીની પેટી, બ્લેડ, રબરબેન્ડ, બોલપોઇન્ટ પેન અને રીફીલ, મતદાન સામગ્રી રાખવા માટે હેન્ડલવાળું જયુટબેગ, એરલ્ડાઈટ એડહેસિવ ટેપ, સેલોટેપ રોલ, ક્લિપ બોક્સ, પેપર કટર, પેન્સિલ બ્લેક લીડ એચ.બી., ટાંકણી, મોટી સાઇઝની મીણબત્તી, ચોક સ્ટીક, પેન્સિલ સાથેના ઉપયોગ માટે કાર્બન, લખવા માટેના ફુલ સ્કેપ કાગળ, ગ્લુ બોટલ, ત્રણ ઇંચ લાંબી સુતરાઉ ટેગ, સફેદ સુતરાઉ ટેપ, પાતળી દોરીના દડા, જાડી દોરીના દડા, સુતળી, લાખ, સ્લીપ બ્લોક ઓર્ડિનરી, સેલ્ફ ઈન્કીંગ પેડ (જાંબુડી), આંગળી ઉપર કોઈ તૈલી પદાર્થ હોય તે લુછવા માટે ડુંગરી ક્લોથ, વિવિધ સાઈઝના કવરો જેવા કે, વૈદ્યાનિક કવર (લીલા કવર), અવૈદ્યાનિક કવર (પીળા કવર), બ્રાઉન (ખાખી) કવર, વાદળી કવર, લીલુ કવર અને સફેદ કવર સહિતની સામગ્રીનો ઉપયોગ થાય છે.