વડોદરા: વડોદરા મહાનગર નું 2023-24નું 4830.75 કરોડનું બજેટ સ્થાયી સમિતિ દ્વારા મંજૂર કરાયા બાદ આજે સમગ્ર સભાની મંજૂરીની અપેક્ષાએ સ્થાયી સમિતિના અધ્યક્ષે રજૂ કર્યું હતું. સમગ્ર સભામાં બજેટ રજૂ થતા વિપક્ષ દ્વારા કર દર અને લાગતને લગતી 357 દરખાસ્ત રજૂ કરી હતી. આ બજેટ 20 ફેબ્રુઆરી-2023 સુધીમાં મંજૂર કરવામાં આવશે.
વડોદરા મ્યુનિસિપલ કમિશનર બંચ્છાનિધી પાનીએ 79.47 કરોડનો જે કરબોજ નગરજનો માથે સૂચવ્યો હતો. તે સ્થાયી સમિતિએ મંજૂર કર્યાં બાદ સુધારા-વધારા સાથેનું 4830.75 કરોડનું બજેટ સભામાં રજૂ થયું હતું અને બજેટ રજૂ થયા બાદ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલે બજેટને વડોદરાના સર્વાંગી વિકાસલક્ષી જણાવતા ભાજપના કોર્પોરેટરો એ બેન્ચ થપથપાવીને વધાવ્યું હતું.
કર દર રદ્દ કરવા વિપક્ષ એ માંગ કરી છે.સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલે બજેટ રજૂ કર્યાં બાદ વિપક્ષ દ્વારા કર દર તેમજ લાગતની 357 દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. વિપક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલી દરખાસ્તોમાં રહેણાંક અને કોમર્શિયલ મિલકતમાં કરદરમાં વધારો રદ્દ કરવા માંગણી કરવામાં આવી છે. અગાઉ મ્યુનિસિપલ કમિશનરે સ્ટેન્ડિંગ સમિતિ સમક્ષ 4,761.93 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. જેમાં 75 કરોડના મિલકત વેરાના વધારા સાથે તેમજ 4.49 કરોડનો એન્વાયરમેન્ટ ચાર્જ સૂચવ્યો હતો. આ ચાર્જ પ્રથમ વખત સૂચવ્યો છે. બજેટમાં 5 ટકા ખર્ચમાં ઘટાડા સાથે આવકને ધ્યાનમાં રાખીને 10 થી 15 ટકાના વિકાસના કામો વધાર્યા છે.
વર્ષ 2023 -24 ના બજેટમાં 2600 કરોડના 924 વિકાસના કામો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. સ્થાયી સમિતિએ કમિશનના બજેટમાં 68.82 કરોડનો વધારો કરી કુલ 4,830.75 કરોડનું બજેટ સમગ્ર સભામાં મંજૂરી માટે અધ્યક્ષએ મૂક્યું હતું. ગયા વર્ષે કોર્પોરેશન દ્વારા પાણી પુરવઠા ના મોટા કામ હાથ ધરવામાં આવ્યા હતા, જેમાં સિંધરોટ યોજના નું કામ સૌથી મોટું હતું. કોર્પોરેશન હવે પાણીના નવા સ્ત્રોત વિકસાવશે અને તે માટે ક્યાંય પીછેહઠ કરવામાં આવશે નહીં . શહેરના કેટલાક ટીપી રોડ પર નવી પાણીની લાઈન નાખવામાં આવી છે સાથે જૂની પણ ચાલુ છે . જેના કારણે પાણીના પ્રેસરની સમસ્યાઓ સર્જાતી હોય છે. આવી લાઈનો સર્વે કરીને બંધ કરવા તેમ જ હયાત કનેક્શન નવી લાઈન પર શિફ્ટ કરવા માટે કરાશે.