રાજ્યમાં દિવાળી પછી કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ખાસ કરીને અમદાવાદ મનપામાં કોરોના વકર્યો છે. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદ મનપામાં આજે વધુ 18 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા ચાર દિવસથી કોરોના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ ગ્રામ્યમાં પણ છેલ્લા ઘણા સમયથી એક પણ કેસ જોવા મળતો નહોતો, પરંતુ આજે અમદાવાદ ગ્રામ્યમાં પણ બે કેસ નોધાયા છે. આમ અમદાવાદ ગ્રામ્ય અને અમદાવાદ મનપા મળી આજે 20 નવા કેસ નોંધાવા પામ્યા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમદાવાદ મનપામાં 18, રાજકોટ- વડોદરા મનપામાં 4-4, સુરત મનપામાં 3, અમદાવાદ ગ્રામ્ય- વલસાડમાં 2-2, કચ્છ અને નવસારીમાં 1-1 કેસ નોંધાયો છે. તો વળી આજે માત્ર 17 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. હાલમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 253 થઈ છે. 3 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 250 દર્દીઓ સ્ટેબલ છે.
રાજ્યમાં મંગળવારે 07 હેલ્થ કેર વર્કર અને ફન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ અને 1,424ને બીજો ડોઝ જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના 13,044 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 1,19,991ને બીજો ડોઝ તેવી જ રીતે 18-45 વર્ષ સુધીના 40,516 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 3,30,574ને બીજો ડોઝ મળી આજે કુલ 5,05,556 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 7,53,08,151 વ્યક્તિને રસી આપવામાં આવી છે.