Charchapatra

24 કલાકમાં 31 ઇંચ વરસાદ?

તાજેતરમાં 2 અને 3 ઓગસ્ટના 24 કલાકમાં મધ્યપ્રદેશમાં 31 ઇંચ જેટલો જંગી માત્રામાં વરસાદ ખાબકયો હોવાના સમાચાર 4 ઓગસ્ટના ગુજરાતમિત્રના ફ્રન્ટ પાને વાંચ્યા! 24 કલાકમાં આવો ભારે વરસાદ રાજસ્થાન- મધ્યપ્રદેશ કે  ગુજરાતમાં 100 વર્ષમાં નોંધાયો હોય એવું માલમ પડયું નથી! ગુજરાતના વલસાડ-સુરત- ધરમપુર જેવા વિસ્તારોમાં મોસમનો કુલ વરસાદ 45 થી 65 ઇંચ સરેરાશ હોય છે. પરંતુ નિષ્ણાતોના મતે કલાઇમેટ ચેન્જના કારણે હવામાનની કૂકરીનું ઊંટ કઇ કાઠીએ બેસે એ કહી શકાતુ નથી. જયાં મોસમનો કુલ વરસાદ 25/30 ઇંચ હોય એવા પ્રદેશો કે વિસ્તારોમાં કયારેક 24 કલાકમાં 10/12 કે 15 ઇંચ વરસાદ થાય છે.

સુરત જેવા મહાનગરોના સત્તાધીશોએ એના ઉપરથી ચેતી જવાની અને આગોતરા વરસાદી પાણી નિકાલના આયોજનો કરવા જરૂરી છે.  કેમકે સુરત જેવા મહાનગરમાં હવે કલાકમાં 2/3 ઇંચ વરસાદ થતા જ ઠેરઠેર પાણી ભરાઇ જાય છે. વાહન વ્યવહાર ઠપ્પ થઇ જાય છે. નીચા વિસ્તારની દુકાનોમાંયે પાણી ઘુસી જાય છે. જો ન કરે નારાયણ ને ચોમાસામાં 24 કલાકમાં 10/15 કે 20 ઇંચ વરસાદ ખાબકે તો સુરત જેવા શહેરમાં કેવી ખાનાખરાબી થાય એ વિચારજો. આકાશી આફતો કહીને નથી આવતી. સત્તાધીશો ચેતી જાય એ જરૂરી છે. કારણકે સુરત જેવા મેટ્રો શહેરમાં ‘મેટ્રો ટ્રેન’ કરતાયે વધુ જરૂર વરસાદી પાણીના સુચારૂ નિકાલની છે. સુરત  – જીતેન્દ્ર પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top