SURAT

એવું શું થયું કે વરાછાની લક્ષ્મી ડાયમંડ કંપનીના 300 રત્નકલાકારોએ ફરી હડતાળ પર ઉતર્યાં

સુરત : સુરતનો હીરા ઉદ્યોગ છેલ્લાં કેટલાંક મહિનાઓથી અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. વૈશ્વિક આર્થિક મંદીની અસર સુરતના હીરા ઉદ્યોગ પર વર્તાઈ રહી છે. યુરોપીયન દેશોમાં નેચરલ પોલિશ્ડ ડાયમંડ અને લેબગ્રોન ડાયમંડ બંનેની સારી માંગ નથી, જેના લીધે સુરતના કારખાનાઓમાં કામકાજ ઘટ્યા છે. રત્નકલાકારોને વેકેશન રજા આપવામાં આવી રહી છે, તેમજ નોકરીમાંથી છૂટા કરવામાં આવી રહ્યાં છે. તો બીજી તરફ કેટલાંક કારખાનાઓમાં પગાર વધારો કરવામાં નથી આવી રહ્યો હોય રત્નકલાકારો અને માલિકો વચ્ચે સંઘર્ષ થઈ રહ્યો છે. સુરતની લક્ષ્મી ડાયમંડમાં ગયા મહિને આવી જ સમસ્યા ઉભી થઈ હતી, જેનું સમાધાન કરાયું હતું પરંતુ ફરી એકવાર લક્ષ્મી ડાયમંડમાં હંગામો શરૂ થયો છે.

  • વેકેશનનો રજા પગાર અને વર્ષના અંતે વેતન વધારાની માંગ સાથે કલેક્ટરને મધ્યસ્થી બનવા આવેદનપત્ર આપ્યું

કતારગામ ફૂલપાડા રોડ અને વરાછા રામનગર ખાતે આવેલા લક્ષ્મી ડાયમંડના બંને યુનિટમાં કામ કરતાં 300 જેટલા રત્નકલાકારોએ આજે ફરી હડતાળ પાડી હતી. ગત મહિને ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતની મધ્યસ્થીને પગલે લક્ષ્મી ડાયમંડના મેનેજમેન્ટે કારીગરોનાં પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપતા આ હડતાળ સમેટાઈ હતી અને કારીગરો કામે ચઢ્યા હતાં. પણ કામે ચઢેલા રત્નકલાકારોને સમાધાન ફોર્મ્યુલા મુજબ વેકેશનનાં સમયગાળાનો રજા પગાર અને વર્ષના અંતે વેતન વધારાનો પગાર નહીં મળતાં રત્નકલાકારોએ આજે ફરી હડતાળ પાડી કલેક્ટર કચેરીએ ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના નેજા હેઠળ દેખાવ કર્યા હતાં.

રત્ન કલાકારોએ આક્ષેપ કરતા પત્રકારોને જણાવ્યું હતું કે જાન્યુઆરી માસમાં પગાર વધારા અંગેની રજૂઆત કંપનીના મેનેજમેન્ટને કરવામાં આવી હતી. ત્યારે ચાર માસ પછી પગાર વધારવામાં આવશે એવી ખાતરી આપવામાં આવી હતી. આ આશ્વાસનની ડેટલાઈન વીતી ગયા પછી પણ રત્ન કલાકારોના પગારમાં વધારો કરવામાં નહીં આવતા કારીગરોએ દેખાવો યોજી વિરોધ નોંધાવ્યો હતો.

ડાયમંડ વ ર્કર યુનિયન ગુજરાતના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે, લક્ષ્મી ડાયમંડના મેનેજમેન્ટે ખાતરી આપીને કારીગરોનો પ્રશ્ન ઉકેલ્યો નથી. કંપનીના માલિક ચુનિભાઈ ગજેરાએ રત્નકલાકારોનાં પ્રશ્નો ઉકેલવા 20 દિવસનો સમય માંગ્યો હતો. અને ઉકેલ લાવવાની ખાતરી યુનિયનને આપી હતી. પણ કશું નહીં કરતા ફરી હડતાળ કરવી પડી છે. અમે સમાધાનની એક નકલ ડેપ્યુટી લેબર કમિશનર અને જિલ્લા કલેક્ટર સુરતને પણ ત્યારે આપી હતી.

Most Popular

To Top