સુરત: સુરતનો કાપડનો રીટેલ વેપાર રિટર્ન ગુડ્ઝ અને પેમેન્ટ ક્રાઇસીસની સમસ્યાથી પીડાઇ રહ્યો છે. ગત દિવાળીની સિઝન પહેલાં સુરતના કાપડના વેપારીઓએ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના વેપારીઓને સાડી અને ડ્રેસ મટિરિયલનો જથ્થો મોકલ્યો હતો.
તે પૈકી 30 ટકા પેમેન્ટ પેન્ડિંગ રહેતાં આ પેમેન્ટ કઢાવવા માટે સુરત મર્કન્ટાઇલ એસો.એ તમામ બહારગામના વેપારીઓને પેમેન્ટ માટે રિમાઇન્ડર લેટર લખવા જણાવ્યું છે. જેમાં લખવામાં આવ્યું છે કે, 31 ડિસેમ્બર-2019 પહેલાનું જે પેમેન્ટ બાકી છે. તે પેમેન્ટ 31 જાન્યુઆરી-2021 સુધીમાં જે વેપારી નહીં ચૂકવશે તે પેઢીનાં નામ-સરનામાં સાથેની વિગત એસો.ની વેબસાઇટ પર નાંખી દેવામાં આવશે.
જેથી બીજા કોઇ વેપારીઓ બહારગામની આવી પેઢીઓ સાથે વેપાર કરી શકે નહીં. સુરત મર્કન્ટાઇલ એસો.ના પ્રમુખ નરેન્દ્ર સાબુએ જણાવ્યું હતું કે, લાંબા સમયથી પેમેન્ટ ફસાઇ રહેતાં સુરતી કાપડ માર્કેટોમાં કામ કરતા 10 ટકા વેપારીઓએ કાપડ વેપાર જ સંકેલી લીધો છે. બીજા 15 ટકા એવા વેપારી છે જેમનું પેમેન્ટ 1 વર્ષ ઉપરાંતથી ફસાયેલું છે.
એસો.ને આ પેમેન્ટ કઢાવવા માટે બહારગામના વેપારીઓને 31 જાન્યુઆરી સુધી પેમેન્ટ કરવા જણાવ્યું છે. તે પછી સ્થાનિક વેપારીની સહમતી સાથે પેમેન્ટ આપવામાં અખાડા કરનાર વેપારીઓનાં નામ સોશિયલ મીડિયામાં જાહેર કરી તેમનો બહિષ્કાર કરવામાં આવશે.
એસો. આ પેમેન્ટ કઢાવવા સ્થાનિક ઇકોનોમિક સેલની મદદ લેશે. સાથે સાથે વેપારીઓને કાનૂની સહાય પણ પૂરી પાડશે. એક અંદાજ પ્રમાણે સુરતની 165 કાપડની માર્કેટના વેપારીઓનું 300 કરોડથી વધુનું પેમેન્ટ બહાર ગામના વેપારીઓમાં ફસાયેલું છે.