આણંદ : આણંદમાં ધો.12 સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓની ચાલી રહેલી પરીક્ષામાં રવિવારે અર્થશાસ્ત્રના પેપર બે વિદ્યાર્થિની સહિત ત્રણ કોપી કેસ થયાં છે. જોકે, આ કોપી કેસમાં એક વિદ્યાર્થીએ નિર્દોષ હોવા સાથે સીસીટીવી કેમેરાના ફુટેજ જોઇ લેવા સુધી દાવો કર્યો હતો. જેના પગલે પરીક્ષા સ્થળે ભારે ગરમા ગરમી થઇ હતી. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષામાં લેવામાં આવી રહી છે.
જેમાં રવિવારના રોજ ધો.12 સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા દરમિયાન આણંદમાં ત્રણ કોપી કેસ નોંધાયા હતાં. આ કોપી કેસમાં ચરોતર ઇંગ્લીશ મિડીયમ સ્કૂલમાં નિરીક્ષક દ્વારા જ વિદ્યાર્થિનીને કાપલી કાઢી લખવા જતા પકડી પાડી હતી. જેની પૂછપરછ કરતાં તે પેટલાદની રહેવાસી અને ત્યાંની જ શાળામાં અભ્યાસ કરતી હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત અન્ય એક કેસમાં વિદ્યાર્થિની ઓઢણી પર પ્રશ્નોના જવાબો લખી લાવી હોવાનું નિરીક્ષકે ઝડપી પાડ્યું હતું. આ વિદ્યાર્થિની કાવિઠાની હોવાનુ જણાવ્યું હતું. નિરીક્ષક દ્વારા તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી.
કોપી કેસના ત્રીજા કેસમાં જેપી. ઠક્કર હાઈસ્કૂલમાં કાપલી સાથે આવેલો વિદ્યાર્થી રંગેહાથ પકડી પાડવામાં આવ્યો હતો. જોકે, આ વિદ્યાર્થીએ પોતે નિર્દોષ હોવાનો દાવો કર્યો હતો અને ખિસ્સામાં કાપલી હતી, જે ચેક કરવાનું રહી ગયું હતું. મેં કોઇ ચોરી કરી નથી અને લખાણ પણ ખોટું છે. તપાસ માટે કેમેરાના ફુટેજ જોવા સુધી દલીલ કરી હતી. અલબત્ત આ મામલે ભારે ગરમા ગરમી થઇ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના કાળમાં રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યા બાદ બોર્ડ દ્વારા ધો.10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો હતો. આ પરીક્ષા ઝડપથી પુરી થાય અને વિદ્યાર્થીઓને પરિણામ પણ ઝડપથી મળે તે માટે રવિવારે પણ પરીક્ષા ચાલુ રાખવામાં આવી હતી. હાલ આ પરીક્ષામાં એક ડમી વિદ્યાર્થી પકડાયો છે અને કુલ ચાર કોપી કેસ નોંધાયાં છે.