ઝારખંડની રાજધાની રાંચીમાં આજ રોજ તા. 15 નવેમ્બર શનિવારે વહેલી સવારે મોટી દુર્ઘટના બની હતી. હટિયા ડેમમાં એક કાર પાણીમાં ખાબકતા તેમાં બેસેલા 4 પોલીસકર્મીઓમાંથી 3 પોલીસકર્મીઓના મોત નિપજ્યા અને 1 હજુ લાપતા છે.
રાંચીમાં આજ રોજ શનિવારે સવારે બનેલી આ ઘટનાએ સમગ્ર પોલીસ વિભાગને હચમચાવી દીધો છે. મળતી માહિતી પ્રમાણે ચાર પોલીસકર્મીઓ એક કારમાં ક્યાંક જઈ રહ્યા હતા. ત્યારે હટિયા ડેમના નજીક વાહન પર ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવ્યું હતું. જેથી કાર સીધી ડેમના ઊંડા પાણીમાં ખાબકી ગઈ. જેના કારણે ચારેય પોલીસકર્મીઓ પાણીમાં ગરકાવ થઈ ગયા.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક ચાર પોલીસ ઓફિસરમાંથી બે એક ન્યાયિક અધિકારીના બોડીગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા અને એક સરકારી ડ્રાઇવર હતો. પોલીસ દ્વારા અત્યાર સુધી બે મૃતકોની ઓળખ કરવામાં આવી છે. ઉપેન્દ્ર કુમાર અને રોબિન કુજુ. ચોથા પોલીસકર્મીની ઓળખ હજુ બહાર આવી નથી. કારણ કે તે લાપતા છે અને તેની શોધખોળ ચાલુ છે.
ઘટના બાદ તરત જ સ્થાનિક પોલીસ અને SDRFની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. સતત કલાકો સુધી ચાલેલી શોધખોળ અભિયાન દરમિયાન ત્રણ પોલીસકર્મીઓના મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢ્યા. સાથે જ તેમને પાણીમાંથી બે હથિયારો પણ મળ્યા. જે મૃતક બોડીગાર્ડ્સ પાસે હતા તેવું માનવામાં આવે છે.
લાપતા પોલીસકર્મીને જીવતા મળવાની શક્યતા ઓછી હોવાથી બચાવ ટીમો વધુ ઊંડે સુધી સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. ડેમનું પાણી ઊંડું અને કાદવ ભરેલું હોવાથી રેસ્ક્યૂ ઓપરેશનમાં મુશ્કેલીઓ આવી રહી છે.
આ દુર્ઘટના બાદ પોલીસ વિભાગ અને સ્થાનિક પ્રશાસનમાં શોકનો માહોલ છે. ન્યાયિક અધિકારી, જેમના બોડીગાર્ડ્સ આ દુર્ઘટનાનો ભોગ બન્યા છે. તેઓને પણ આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાએ ઝંઝોડી દીધા છે. ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જેથી જાણી શકાય કે ડ્રાઇવર કાર પર નિયંત્રણ કેવી રીતે ગુમાવી બેઠા.
આ દુર્ઘટનાએ ફરી એકવાર ડેમ અને રિઝર્વોઇર પાસે વાહન ચાલકોને વધારાની સુરક્ષાની ચેતવણી આપી છે.