દાહોદ : દેવગઢ બારિયા તાલુકાના ભુલવણમાં ગતરોજ ગામની સુખ શાંતિ માટે રાખવામાં આવેલી જાતરવિધિમાં ખોરાક આરોગ્યા બાદ ખોરાકી ઝેરની અસરથી ચાર વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. મંગળવારે વધુ ત્રણ વ્યક્તિઓના ગોધરા ખાતે સારવાર દરમિયાન મોત થતાં ખોરાકી ઝેરની અસરથી કુલ 7 લોકોના મોત થયા છે. વધુ બેની હાલત નાજુક હોવાનું તેમજ અન્ય લોકોની હાલત સુધારા પર હોવાનું પ્રાથમિક તબક્કે જાણકારીઓ પ્રાપ્ત થઇ રહી છે. જોકે આ તમામનો મૃત્યુ પોઈઝનિંગના લીધે થયા હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં બહાર આવ્યું છે.
વધુમાં મળતી જાણકારી અનુસાર ગઈકાલે સારવાર અર્થે દાખલ કરવામાં આવેલા લોકોમાં 4 વ્યક્તિઓને વધુ સારવાર અર્થે વડોદરા, એક વ્યક્તિને ગોધરા, દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલાયા હતા જ્યાં ગોધરામાં સારવાર લઈ રહેલા પર્વત રૂપા પરમાર તેમજ નટું મોહનિયા નામક ઉપરાંત એક વ્યક્તિનો મૃત્યુ હોવાનું સત્તાવાર રીતે જાણવા મળેલ છે. જાતર વિધિમાં ગામલોકો દ્વારા ખોરાક આરોગ્યા બાદ કેટલાકને મોઢામાંથી ફીણ તેમજ ચક્કર આવવા લાગતા તેઓને સારવાર અર્થે ૧૦૮ માં દેવગઢ બારીયાના હોસ્પિટલ ખાતે ખસેડાતા ચાર લોકો મૃત્યુ પામ્યા હતા.
અને અન્ય 10થી 12 લોકોની હાલત ગંભીર થતાં તેઓને તાબડતોડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આજરોજ વધુ ત્રણ વ્યક્તિના મોત નિપજતાં કુલ મૃત્યુ આંક 7 પર પહોંચવા પામ્યો છે. હાલ સમગ્ર ઘટનામાં કલેકટર શ્રી હરસિધ્ધ ગોસાવી તેમજ જિલ્લા પોલીસ વડાશ્રીએ સમગ્ર ઘટના મામલે તપાસના આદેશો આપ્યા છે. જ્યારે પીએમ વિશેરા લઇ FSl માં મોકલી આપ્યા હોવાનું જાણવા મળેલ છે.
ગામમાં જાતર વિધિ કર્યા બાદ 150 ઉપરાંત લોકોએ ખોરાક આરોગ્યા હોવાની માહિતી સપાટી પર આવતા આરોગ્ય તંત્ર પણ સ્તબ્ધ બન્યો હતો. જોકે વિધિમાં ખોરાક આરોગનાર લોકોમાં ખોરાકી ઝેરની અસર ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં ધામા નાંખી હેલ્થ સર્વેક્ષણ હાથ ધર્યો હતો.જાતરની વિધિ કરાવનાર ભુવા નો સૌપ્રથમ મોત નીપજ્યું હતું. વિધિના સ્થાનેથી તમામ સામગ્રી રાતોરાત ગાયબ થઈ જતા અનેક શંકા-કુશંકાઓ વચ્ચે તરેહ તરેહની ચર્ચાઓએ જોર પકડ્યું છે.