આણંદ: પેટલાદ તાલુકાના વડદલા પાસે એક ટેન્કર પાછળ ઈકો કાર ઘૂસી જતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમા વડોદરા સ્થિત પરિવારના ત્રણ લોકોનું ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં પાંચ ઈજાગ્રસ્તોને પેટલાદની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ વડોદરાના ડભોઈ રોડ ઉપર સોમાતલાવ પાસે ગાજરાવાડી વિસ્તાર આવેલ છે. જેના સાઈનગરમાં એક વણઝારા પરિવાર વસવાટ કરે છે. આ પરિવારના આઠ લોકો ગતરોજ સારંગપુર હનુમાનજીના મંદિરે દર્શનાર્થે ગયા હતા. જેઓ દર્શન કરી આજરોજ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ પરિવાર ઈકો કાર જીજે૬જેએમ૩પ૧પ લઈ તારાપુરથી ધર્મજ ચોકડી તરફ આજે સવારે ૧૧ કલાકના સુમારે પસાર થઈ રહ્યા હતા.
જે વખતે વડદલા પાસે આવેલ ફાર્માન્ઝા કંપની પાસે એક ટેન્કર સેન્સર બંધ થઈ જવાને કારણે ઉભુ રહ્યું હોવાનું પોલીસ સુત્રો દ્વારા જાણવા મળ્યું હતુ. તે સમયે તારાપુર તરફથી આવતી આ ઈકો કાર ઉભેલ ટેન્કર નં.આરજે૯જીબી૭૦૯૪ની પાછળના ભાગે જાેરદાર ધડાકાભેર ઘુસી ગઈ હતી. ટેન્કરમા કાર ઘુસી જતા અંદર બેઠેલ લોકોની ચીસો સંભળાવવા લાગી હતી. જેને કારણે હાઈ-વેની આજુબાજુ રહેતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યા જાેતા ઈકો કારના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા અને ઘટના સ્થળે જ કારમા બેઠેલ પૈકી ત્રણ લોકોના મોત નિપજ્યા હતા.
જે અંગેની જાણ પેટલાદ રૂરલ પોલીસ મથકના પીએસઆઈ વી બી પટેલને જાણ થતા પોલીસ કાફલા સાથે તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યાં જઈ મૃતકો અને ઈજાગ્રસ્તોને કારનું બોડી તોડી બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતકોને પેટલાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યારે પાંચ ઈજાગ્રસ્તોને ૧૦૮ દ્વારા પેટલાદ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી બે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે કરમસદ મેડિકલ ખાતે લઈ જવાયાં હતા. આ અંગે પોલિસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.