Gujarat

કોરોનાની ત્રીજી લહેર: મહત્તમ 25000 કેસ સુધીની તૈયારી કરાઈ

વૈશ્વિક નિષ્ણાતોના મતે ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં કોરોનાની 3જી લહેર આવી શકે છે. જેના પગલે ગુજરાતમાં સરકાર દ્વારા આ 3જી લહેરનો સામનો કરવા માટે એક્શન પ્લાન ઘડીને તેને અમલીકરણ માટે જાહેર કરવામાં આવ્યો છે. સીએમ વિજય રૂપાણી અને ડે.સીએમ નીતિન પટેલે કહ્યું હતું કે, આપણે ઈચ્છીએ કે કોરોનાની 3જી લહેર ના આવે, પરંતુ આવી પડો તો આપણે પહેલી અને બીજી લહેરના અનુભવના આધારે 3જી લહેરમાં દર્દીઓને ઓક્સિજન બેડ શોધવામાં કોઈ તકલીફ ના પડે એ માટે પોતાના શહેર કે જિલ્લામાં બેડ ઉપલબ્ધ છે કે નહીં ? તેની ઓનલાઈન માહિતી મળી રહેશે તેવા પ્રયાસો ચાલી રહ્યા છે.

સીએમ વિજય રૂપાણીએ કોરોનાની સંભવિત 3જી લહેરની રણનીતિ અંગે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, આપણે ઈચ્છીએ કે કોરોનાની 3જી લહેર ના આવે. તેમ છતાં આપણે કોઈપણ સ્થિતિ માટે તૈયાર છીએ. કોરોનાની બીજી લહેરમાં જે સંઘર્ષ કરવો પડ્યો હતો તે હવે અનુભવના આધારે નહીં કરવો પડે. રૂપાણીએ કહ્યું હતું કે, કેસોની સંખ્યા ઘટી છે. પરંતુ કોરોનાવાયરસ હજી ગયો નથી. કોરોના સામેની સમજ અને શિસ્તમાં જરાપણ ઢીલાસ પાલવે તેમ નથી. એટલું જ નહીં વિશ્વના અને આપણા દેશના તજજ્ઞો કોવિડ મહામારીની ત્રીજી વેવ-લહેર આવવાની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે ગુજરાત આ ત્રીજી લહેરનો ઓછામાં ઓછો ભોગ બને અને તેની અસરોને વ્યૂહાત્મક રીતે ખાળી શકાય તેવા હેતુથી રાજ્ય સરકારે એક વિસ્તૃત અને સર્વગ્રાહી રણનીતિ-કાર્યયોજના, એક્શન પ્લાન ઘડ્યો છે. આપણી પાસે હજુ ત્રણેક માસ છે એટલે તે સમયગાળામાં એક્શન પ્લાન અમલમાં આવી જશે. ડે.સીએમ નીતિન પટેલે કહ્યું હતું કે, આપણે પ્રાર્થના કરીએ કે 3જી લહેર ના આવે. પરંતુ આવે તો મૃત્યુનું પ્રમાણ ઘટે અને દર્દીઓને બેડ શોધવામાં કોઈ તકલીફ ના પડે તેવી વ્યવસ્થા કરાઈ રહી છે.

બીજી લહેર વખતે સૌથી વધુ એક દિવસમાં 14605 કેસ નોંધાયા હતા

સરકારે જાહેર કરેલા એક્શન પ્લાન મુજબ ગત માર્ચમાં શરૂ થયેલી બીજી લહેર વખતે સૌથી વધુ એક દિવસના 14605 કેસ નોંધાયા હતા. જે હવે બીજી લહેર વખતે તેની અપેક્ષા 25,000 કેસોની રાખી છે. હોસ્પિટલમાં સારવાર હેઠળ દર્દીઓ હોય તેવા એક્ટિવ કેસો 2જી લહેરમાં 1,48,000 નોંધાયા હતા. જ્યારે 3જી લહેર વખતે તેની અપેક્ષા 2,50,000 કેસોની રાખવામાં આવી છે. જ્યારે સરકારે 1800 સરકારી-ખાનગી હોસ્પિટલ સામે આ વખતે 3જી લહેરમાં 2400 હોસ્પિટલની તૈયારી રાખી છે. 2જી લહેર વખતે 61,000 ઓક્સિજન બેડ તૈયાર કરાયા હતા. જ્યારે સંભવિત 3જી લહેર માટે 1,10,000 ઓકિસજન બેડ તૈયાર રખાશે. આઈસીયુ બેડ 15,000 હતા તે વધારીને 30,000 કરાશે. દર્દીઓ માટે વેન્ટિલેટર્સ 7000 તૈયાર રખાયાં હતાં. તેના બદલે 3જી લહેર વખતે 15,000 વેન્ટિલેટર્સ તૈયાર રખાશે. આ ઉપરાંત કોરોનાની બીજી લહેર વખતે સૌથી વધુ 1150 મેટન ઓક્સિજનની જરૂરિયાત પડી હતી. જેની સામે 3જી લહેર વખતે 1800 મેટન ઓક્સિજન ઉપલબ્ધ કરાવાશે.

બાળકો રમી શકે એ માટે રમકડાં તૈયાર રખાશે

આપણી પાસે ઓક્સિજન માટે 24 પીએસએ (પ્રેશર સ્વિંગ એડસોપ્શન) પ્લાન્ટ હતા. તેની સામે 400 પીએસએ પ્લાન્ટ તૈયાર રખાશે. પી.એસ.એ. પ્લાન્ટની ક્ષમતા ૨૦ મેટ્રિક ટનથી ૩૦૦ મેટ્રિક ટન અને ઓક્સિજન કોન્સન્ટ્રેટરની સંખ્યા ૭૦૦થી વધારે ૧૦,૦૦૦ કરવામાં આવશે. આ ઉપરાંત બાળકો માટેની કાર્ટુન ચેનલ્સ આવતી હોય તેવા વોર્ડ ઉપરાંત તેઓ રમી શકે તેવા રમકડાં પણ વોર્ડમાં તૈયાર રખાશે.

ટેસ્ટિંગ કેપેસિટી દૈનિક ૧.૨૫ લાખથી પણ વધારવામાં આવશે

સરકાર દ્વારા 3જી લહેર વખતે એક ઈન્ટેલિજન્સ યુનિટ પણ શરૂ કરાશે. જેના ભાગરૂપે ક્યાં કોરોનાના કેસો વધી શકે છે તેવી પહેલાથી સરકાકને માહિતી આપીને ચેતવી શકાય. સઘન સર્વેલન્સ-વ્યાપક ટેસ્ટિંગ સહિતના મોનિટરિંગ માટે જિલ્લા સ્તરે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર કાર્યરત કરીને સી.એમ. ડેશબોર્ડ સાથે રિયલ ટાઇમ મોનિટરિંગથી જોડાશે. દવાઓ, તબીબી નિષ્ણાતો, મેડિકલ સ્ટાફ, નર્સો પેરા મેડિકલ સ્ટાફ પણ તૈયાર રાખવામાં આવનાર છે. આગામી ત્રણ મહિનામાં રાજ્યની પ૧ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલોમાં પણ RTPCR ટેસ્ટિંગ સુવિધા ઊભી થશે. ટેસ્ટિંગ કેપેસિટી દૈનિક ૧.૨૫ લાખથી વધારવામાં આવશે. આગામી ત્રણ મહિનામાં રાજ્યની પ૧ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલોમાં પણ RTPCR ટેસ્ટિંગ સુવિધા ઊભી થશે. કુલ ટેસ્ટની સંખ્યા જે દરરોજ ૧.૭૫ લાખથી વધારી ૨.૫ લાખ કરવામાં આવશે. RTPCR લેબની સંખ્યા ૧૦૪થી વધારી ૧૫૫ તથા RTPCR ટેસ્ટ મશીનની સંખ્યા ૨૩૪થી વધારી ૨૮૫ અને સિટી સ્કેન મશીનની સંખ્યા ૧૮થી વધારી ૪૪ કરવામાં આવશે.

ત્રીજી લહેર સામે પૂરતું માનવબળ ઊભું કરાશે

કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે પૂરતું માનવબળ ઊભું કરવાના સ્પે. તબીબોની સંખ્યા ૨૩૫૦ વધારી ૪૦૦૦ એમ.બી.બી.એસ. તબીબની સંખ્યા ૫૨૦૦થી વધારી ૧૦,૦૦૦ નર્સની સંખ્યા ૧૨ હજારથી વધારી ૨૨,૦૦૦ વર્ગ-૪ના કર્મચારીઓની સંખ્યા ૮ હજારથી વધારી ૧૫ હજાર અને અટેન્ડન્ટની સંખ્યા ૪૦૦૦થી વધારી ૧૦ હજાર કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે આરોગ્ય વિભાગમાં ખાલી-વેકેન્ટ તમામ જગ્યાઓને ભરવામાં આવશે. ગુજરાત માત્ર એક રાજ્ય છે, જે રાજ્ય સ્તરે જીનોમ સિક્વન્સિંગ કરે છે. ૧૭ એપ્રિલ-૨૦૨૦ના રોજ સૌપ્રથમ જીનોમ સિક્વન્સિગ ગુજરાતમાં કરાયું છે. જીબીઆરસી-ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ કાઉન્સિલ સંસ્થા અન્ય ખાનગી સંસ્થાઓ સાથે જોડાણ કરી આગામી મહિને ૧૦૦૦ જેટલાં સેમ્પલનું એક મહિનામાં જીનોમ સિક્વન્સિગ કરવાની ક્ષમતા કેળવાશે.

Most Popular

To Top