આણંદ : આણંદ શહેર પાસેથી પસાર થતાં અમદાવાદ – વડોદરા એક્સપ્રેસ વે પર રવિવારની મોડી રાત્રે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ડાકોરના બે મિત્રો સહિત ત્રણના મોત નિપજ્યાં હતાં. આ બે મિત્રો કારમાં તેના અન્ય એક મિત્રને વડોદરા મુકવા ગયાં હતાં. જ્યાં તેઓ પરત ફરી રહ્યાં હતાં, તે દરમિયાન વ્હેરાખાડી ગામની સીમમાં એક્સપ્રેસ વે પર વચ્ચો વચ્ચ બંધ પડેલા ટ્રક પાછળ કાર ઘુસી ગઇ હતી. ટ્રક ચાલકે કોઇ પણ પ્રકારની બ્રેક લાઇટ, પાર્કીંગ લાઇટ કે ભયજનક સિગ્નલ ન મુક્યું હોવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો.
ડાકોરના દ્વારકાધિશ મંદિર સામે વાંટા રોડ પર રહેતા અને છેલ્લા કેટલાક વરસોથી વડોદરા સ્થાયી થયેલા અમિતભાઈ ભરતભાઈ પંડ્યા રવિવારના રોજ ડાકોર ખાતે તેમના બહેન – બનેવી અને માતાને મળવા આવ્યાં હતાં. તેમની પાસે રહેલી ઇકો કાર નં.જીજે 7 ડીસી 7642માં સામાન્ય રીતે ડાકોરમાં જ રાખે છે અને આ કાર સુનીલભાઈ વિનોદભાઈ પરમાર (રહે.વેરાઇ માતાના મંદિર પાસે, ડાકોર) ચલાવે છે. પરંતુ 5મી ફેબ્રુઆરીના રોજ ડાકોર આવેલા અમિતભાઈને વડોદરા પરત જવાનું હોવાથી સુનિલભાઈ તેમને કારમાં મુકવા વડોદરા જવા નિકળ્યાં હતાં.
આ સમયે અમિતભાઈના બે મિત્રો ચિરાગ કિરણભાઈ સોલંકી અને રાહુલ કનુભાઈ માળી પણ જોડાયાં હતાં. તેઓ અમિતભાઈને વડોદરા મુકી રાત્રિના આઠેક વાગે ડાકોર પરત આવવા વડોદરાથી નિકળ્યાં હતાં. દરમિયાનમાં મોડી રાત્રે એકાદ વાગ્યાના સુમારે વડોદરાથી અમદાવાદ જતાં એક્સપ્રેસ હાઈવે પર વ્હેરાખાડી ગામની પાસે ઇકો કારને અકસ્માત નડ્યો હોવાનું અમિતભાઈને જાણવા મળ્યું હતું. આથી, તેઓ તુરંત ઘટના સ્થળે પહોંચ્યાં હતાં. તે સમયે જોયું તો ઇકો કાર આગળ બંધ પડેલી ટ્રકના પાછળના ભાગમાં ઘુસી ગઇ હતી.
જેમાં ચિરાગભાઈ અને સુનિલભાઈને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ અંગે પુછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, ટ્રક નં.આરજે 09 જીબી 1178ના ચાલકે એક્સપ્રેસવેની મુખ્ય લાઇન પર જ પોતાની ટ્રક કોઇ પણ જાતના ભયજનક સિગ્નલ આપ્યા કે રાખ્યા વગર જ ઉભી રાખી દીધી હતી. જેના કારણે કાર ધડાકાભેર ટ્રકના પાછળના ભાગે ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં રાહુલ કનુભાઈ માળીને ગંભીર ઇજા પહોંચતા સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે રાહુલભાઈ અને ચિરાગભાઈને હોસ્પિટલમાં લઇ જતાં ફરજ પરના ડોક્ટરે મૃત્યુ પામેલા જાહેર કર્યાં હતાં. આ અંગે અમિતભાઈની ફરિયાદ આધારે ખંભોળજ પોલીસે ટ્રક ટ્રેઇલરના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માતના પગલે ટ્રાફિક જામ થયાે
વડોદરા – અમદાવાદ એક્સપ્રેસ વે પર મોડી રાત્રે ટ્રક પાછલ કાર ઘુસી જતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં. આ ટ્રાફિક પૂર્વવત કરવા માટે સ્થાનિક પોલીસ સ્થળ અને હાઈવે ઓથોરિટિની ટીમ સ્થળ પર પહોંચી હતી.
ટ્રક ચાલકે કોઇ પ્રકારના સિગ્નલ મુક્યાં નહતાં
અમદાવાદ – વડોદરા એક્સપ્રેસ વે સર્જાયેલા અકસ્માતમાં ટ્રક ટાલકે કોઇ જ પ્રકારના ભયજનક સિગ્નલ મુક્યાં નહતાં. ટ્રક પાછળની બ્રેક લાઇટ, પાર્કીંગ લાઇટ, ઇન્ડીકેટર ચાલુ કર્યા વગર જ હાઈવેની મુખ્ય લાઇન પર ઉભુ રાખી દીધું હતું.
ટોલ સંચાલકોની લાલચના કારણે અકસ્માતનું પ્રમાણ વધ્યું
અમદાવાદ – વડોદરા એક્સપ્રેસ વે પર રાત્રિના સુમારે બ્રેક લાઇટ, પાર્કીંગ લાઇટ, રિફ્લેકટર કે ઇન્ડીકેટર બંધ હોય તેવા વાહનોને પ્રવેસ આપવાની સખ્ત મનાઇ છે. આમ છતાં ટોલ બુથના સંચાલકો તેમના નાણાની લાલચ આ નિયમને ઘોળી પી ગયાં છે.
બે મિત્રોની અંતિમવિધિ સમયે નગરજનો શોકમગ્ન બન્યાં
ડાકોર : વહેરાખાડી નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર રસ્તાની સાઈડમાં પાર્ક કરેલાં ટેઈલર પાછળ ઈકો કાર ધડાકાભેર ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ડાકોરના સુનિલ પરમાર (ઉં.વ 26), ચિરાગ સોલંકી (ઉં.વ 17) તેમજ જંબુસરના રાહુલ માળી (ઉં.વ 17) ના કરૂણ મોત નિપજ્યાં હતાં. પી.એમ કર્યાં બાદ ત્રણેયના મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યાં હતાં. જે બાદ ડાકોરમાં સાંજના સમયે મૃતક સુનિલ પરમાર અને ચિરાગ સોલંકીની અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયાં હતાં. જ્યારે રાહુલ માળીનો મૃતદેહ તેના વતન જંબુસર લઈ જવાયો હોવાનું જાણવા મળેલ છે. ત્રણેય મૃતકો પૈકી સુનિલભાઈ પરમાર ગાડીના ડ્રાઈવર તરીકે કામ કરતો હતો. ચિરાગભાઈ સોલંકી એક હોટલમાં કામ કરતો હતો. જ્યારે જંબુસરનો વતની રાહુલ માળી ડાકોર ખાતે કલાય કામ કરતો હતો.