ફાર્મિન્ગટન (યુએસ): ઓછામાં ઓછા ત્રણ બંદૂકો સાથે સજ્જ એક 18 વર્ષીય યુવકે સોમવારે ઉત્તર-પશ્ચિમ ન્યુ મેક્સિકોની વસાહતમાં કાર અને ઘરો પર આડેધડ ગોળીબાર કરી હતી, જેમાં 3 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને 2 પોલીસ અધિકારીઓ સહિત અન્ય 6 ઈજાગ્રસ્ત થયા હતા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
- હુમલા દરમિયાન હુમલાખોર આખી વસાહતમાં ફર્યો, તેની પાસે 3 બંદૂકો હતી
- પોલીસે હુમલાખોરને ઠાર માર્યો
ગોળીબાર સવારે 11 વાગ્યાની આસપાસ ફાર્મિન્ગટનમાં થયો હતો, જે લગભગ 50,000 લોકોનું શહેર છે અને ફોર કોનર્સ નજીક આવેલું છે જ્યાં ન્યૂ મેક્સિકો, એરિઝોના, ઉટાહ અને કોલોરાડો મળે છે, આ પ્રદેશના તેલ અને કુદરતી ગેસ ઉદ્યોગ માટે સપ્લાય લાઇન છે.
ગોળી ચલાવવામાં આવી હોવાના અહેવાલો મળતા અધિકારીઓ થોડી જ મિનિટોમાં ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને હુમલાખોરનો સામનો કરી ઓછામાં ઓછી એક ગોળી વડે તેને ઠાર માર્યો હતો. બંદૂકધારીએ ‘એઆર-સ્ટાઇલ રાઇફલ’ સહિત ઓછામાં ઓછા ત્રણ હથિયારોથી ફાયરિંગ કર્યું હતું, એમ ફાર્મિન્ગટન પોલીસના વડા સ્ટીવ હેબ્બે સોમવારે રાત્રે જારી કરાયેલા વિડિયોમાં જણાવ્યું હતું.
હુમલાખોર અને પીડીતોની ઓળખ હજી જારી કરાઈ ન હતી. તપાસકર્તાઓને હુમલા પાછળનો ઉદ્દેશ્ય હજી મળ્યો નથી.
‘પણ આ સમયે આ અવ્યવસ્થિત હુમલો લાગે છે, ત્યાં કોઈ શાળા, કોઈ ચર્ચ ન હતું અને કોઈને નિશાન બનાવવામાં આવ્યા ન હતા’, એમ હેબ્બેએ કહ્યું હતું.
હુમલા દરમિયાન હુમલાખોર આખી વસાહતમાં ફર્યો હતો, અને આ દરમિયાન ઓછામાં ઓછા 6 ઘરો અને 3 કારો પર ગોળીબાર કર્યો હતો, તે આડેધડ ગોળીબાર કરી રહ્યો હતો.