ગઈકાલે મંગળવારે તા. 22 એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહલગામના પર્યટન સ્થળ પર આતંકવાદીઓએ ટુરિસ્ટ પર હુમલો કર્યો હતો. આતંકીઓએ નામ પૂછી ધર્મ કન્ફર્મ કરી પુરુષોને ટાર્ગેટ કર્યા હતા. આ હુમલામાં કુલ 27 લોકોના મૃત્યુ નિપજ્યા છે, જેમાં 3 ગુજરાતી હોવાની પૃષ્ટિ થઈ છે.
ગઈકાલે સાંજે સુરતના શૈલેષ હિંમતભાઈ કળથીયાના મૃત્યુની પૃષ્ટિ થયા બાદ આજે સવારે ભાવનગરના પિતા-પુત્રના પણ આ ઘાતકી હુમલામાં મોત થયા હોવાના અહેવાલ સાંપડ્યા છે.
આજે વહેલી સવારે ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા યતીશભાઈ સુધીરભાઈ અને તેમના પુત્ર સ્મિત યતીશભાઈનું મોત થયું હોવાની પૃષ્ટિ કરવામાં આવી છે, જે ગઇકાલથી ગુમ હતા.
ભાવનગરથી 20 લોકોનું ગ્રુપ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે ગયું હતું, જેમાં ભાવનગરના કાળિયાબીડમાં રહેતા યતીશ સુધીરભાઈ પરમાર, તેમનાં પત્ની કાજલબેન યતીશભાઇ અને પુત્ર સ્મિત પણ ગયા હતા. ગઈકાલે પહેલગામમાં જ્યાં હુમલો થયો ત્યાં આ પરિવાર પણ હાજર હતો. હુમલાની ઘટના બાદથી પરિવાર ગુમ હતો. શોધખોળના અંતે કાજલબેન સહીસલામત મળી આવ્યાં હતા. જોકે, દુર્ભાગ્યવશ યતીશ અને પુત્ર સ્મિતનું હુમલામાં મોત થયું હોવાની સુરક્ષાદળો દ્વારા પૃષ્ટિ કરવામાં આવી છે.
વધુમાં મળતી માહિતી અનુસાર 45 વર્ષીય મૃતક યતીશભાઇ પરમાર કાળિયાબીડ વિસ્તારમાં હેર સલૂન ચલાવતા હતા. તેમનો 17 વર્ષીય પુત્ર સ્મિત 11માં ધોરણમાં અભ્યાસ કરતો હતો. ભાવગરના મૃતક પિતા-પુત્ર અને સુરતના મૃતક શૈલેશભાઈ કળઠીયાના મૃતદેહને વતનમાં લાવીને અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
આતંકીએ નામ પૂછ્યું ને સુરતના શૈલેષભાઈ કળથિયાને ગોળીઓ ધરબી
સુરતઃ જમ્મુ-કાશ્મીરનો શાંત પ્રવાસ એક ગુજરાતી પરિવાર માટે ભયાનક દુઃસ્વપ્ન બની ગયો છે. મંગળવારના મંગળ દિને જમ્મુ અને કાશ્મીરના પહેલગામ પાસે બૈસરન વિસ્તારમાં થયેલા આતંકી હુમલામાં મુંબઈ નિવાસી અને મૂળ સુરતના શૈલેષભાઈ હિંમતભાઈ કળથીયાનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું.
શૈલેષભાઈ તેમના પરિવાર સાથે જમ્મુ-કાશ્મીરની યાત્રાએ ગયા હતા. તેઓ આજે સવારે તેમના પત્ની શીતલબેન, દીકરી નિતિ અને પુત્ર નક્ષ સાથે ઘોડેસવારીનો આનંદ માણી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. દરમિયાન આસપાસના પરિસરમાં તણાવ સર્જાયો હતો. કારણ કે આતંકવાદીઓ આર્મી ડ્રેસમાં આવ્યા હતા. જ્યારે તેમણે શૈલેષભાઈનો સંપર્ક કર્યો ત્યારે તેમનું નામ પુછીને સીધો હુમલો કર્યો હોવાનું હાલ જાણવા મળ્યું છે. તેમના શરીર પર કેટલી ગોળીઓ વાગી તે પણ આ ક્ષણભરમાં પરિવાર જાણી શક્યો નહોતો અને તેઓ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.
તેઓ મૂળ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ધુપણીયા ગામના વતની હતા. ઘણાં વર્ષોથી તેમનો સંબંધ સુરત શહેર સાથે પણ રહ્યો છે, જ્યાં તેઓ કાપોદ્રાની હરિજુજ સોસાયટી, બી-29માં રહેતા હતા. ત્યારબાદ જોધપુરમાં એસબીઆઈમાં હતા. છેલ્લા એક વર્ષથી તેઓ મુંબઈના કાંદીવલી વિસ્તારમાં રહેતા હતા અને ત્યાં એસબીઆઈની જનરલ ઇન્શ્યોરન્સ શાખામાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
ભાવનગરના વિનુ ડાભીના હાથે ગોળી ઘસાઈની નીકળી ગઈ
આ હુમલામાં ભાવનગરના એક પર્યટક વિનુભાઈ ડાભી નામના વૃદ્ધને હાથના ભાગેથી ગોળી ઘસાઈને નીકળતા ઈજાને પગલે હાલ સારવાર હેઠળ ખસેડાયા છે. મોરારીબાપુની કથા સાંભળવા માટે ભાવનગરથી 20 શ્રદ્ધાળુનું ગ્રુપ ગયું હતું, જે પૈકી 2 ગુમ થયા છે, જ્યારે 17 લોકો સુરક્ષિત છે. આ ઘટના પછી મોરારીબાપુએ રામકથાને ટૂંકાવીને વિરામ આપ્યો છે.
હુમલામાં ઈજા પામેલા વિનુભાઈ ડાભીના દીકરા અશ્વિન ડાભીએ જણાવ્યું હતું કે, ગઈ 16મીએ મારા પપ્પા 15 દિવસની ટુર પર ગયા હતા. ત્યાં મોરારીબાપુની સપ્તાહ હતી જેથી થોડા દિવસ ત્યાં રોકાવાના હતા અને ત્યારબાદ વૈષ્ણોદેવી દર્શન કરી રિટર્નમાં પંજાબ અને રાજસ્થાન થઈને 30મીએ ભાવનગર પરત આવવાના હતા. આજે એ લોકો પહેલગામમાં હતા ત્યાં અચાનક આતંકવાદી હુમલો થયો અને હુમલામાં મારા પપ્પાને હાથના ભાગે ગોળીથી ઈજા પહોંચી છે. અત્યારે તેમને હોસ્પિટલ ખસેડાયા છે, તેમની તબિયત સ્થિર છે.
પાલિતાણાનું પણ 10 જણાંનું ગ્રુપ
અશ્વિને વધુમાં માહિતી આપી હતી કે, ભાવનગર અને પાલિતાણાના 30 જણાં ગયા છે. અમારું સિનિયર સિટીઝનનું જે ગ્રુપ હતું એમાં 20 જણાં હતા. તેમાં મોટાભાગના સિનિયર સિટિઝન હતાં, એમની સાથે પાંચ જણાં જ યંગ હતા. પ્રશાસન દ્વારા વાત કરવામાં આવી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ભાવનગર દ્વારા પણ વાત કરવામાં આવી છે અને એમણે પણ કહ્યું છે કે તબિયત સારી છે અને અત્યારે હોસ્પિટલમાં દાખલ કરેલા છે. સુરેન્દ્રનગરથી ટ્રેનમાં ગયા હતા.
