નવી દિલ્હી: સરેન્ડર (Surrender) કરવાના 3 દિવસ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટમાં (Rouse Avenue Court) નિયમિત જામીન અને વચગાળાના જામીન (Bail) લંબાવવાની માંગણી સાથે અરજી દાખલ કરી હતી. આ પહેલા ગઇકાલે મંગળવારે સુપ્રીમ કોર્ટે (Supreme Court) સીએમ કેજરીવાલની વચગાળાની જામીનને એક અઠવાડીયા સુધી વધારવાની માંગ કરતી અરજી ફગાવી દીધી હતી.
જ્યારે આજે અરવિંદ કેજરીવાલ પોતાની જામીન અરજીની સુનાવણી માટે દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટ પહોંચ્યા હતા, ત્યારે સુનાવણી દરમિયાન ઇડીએ અરવિંદ કેજરીવાલની જામીન અરજીનો વિરોધ કરતા એક પ્રશ્ન પૂછ્યો હતો. ઇડીએ પૂછ્યું કે જો અરવિંદ કેજરીવાલી તબિયત ખરાબ હોય અને તેમને આ કારણે જામીનની જરૂર હોય તો, તબિયત ખરાબ હોવા છતા કેજરીવાલે આટલા જોરશોરથી ચૂંટણી પ્રચાર શા માટે કર્યો?
ED વતી કોર્ટમાં હાજર વકીલ એસવી રાજુએ અરવિંદ કેજરીવાલની અરજીનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે મને થોડા સમય પહેલા જ અરવિંદ કેજરીવાલની અરજીની એક નકલ મળી હતી. મને મારો જવાબ દાખલ કરવા માટે સમયની જરૂર છે. તેમજ હાલ અરવિંદ કેજરીવાલ કસ્ટડીમાં નથી પરંતુ પંજાબમાં પ્રચાર કરી રહ્યા છે. ત્યારે શું તેમની તબિયત તેમને ચૂંટણી પ્રચાર કરતા નથી રોકી રહી? તેમણે પોતાની પાર્ટીનો પ્રચાર ખૂબ જોરશોરથી કર્યો છે. અને હવે છેલ્લી ઘડીએ જામીન અરજી દાખલ કરવામાં આવી.
ઇડીના વકીલ એસવી રાજુએ વધુમાં કહ્યું હતું કે કેજરીવાલ જાણીજોઇને આવું વલણ અપનાવે છે કે જેથી ઇડીને પોતાનો જવાબ દાખલ કરવા માટે સમય જ ન મળે. પરંતુ તેમના આવા વર્તનને કારણે તેમને જામીન મળવા જોઈએ નહીં. ઇડીની દલીલોને અને કેજરીવાલના જવાબ સાંભળ્યા બાદ દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે ઇડીને જવાબ દાખલ કરવા માટે 1 જૂન સુધીનો સમય આપ્યો હતો. તેમજ કેજરીવાલની બંને અરજીઓની સુનાવણી હવે 1 માર્ચે જ થશે.
અરવિંદ કેજરીવાલે રાઉઝ એવન્યુ કોર્ટમાં 2 અલગ-અલગ જામીન અરજી દાખલ કરી હતી. પ્રથમ જામીન અરજી દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત ED કેસમાં નિયમિત જામીન માટે કરવામાં આવી હતી. તેમજ બીજી જામીન અરજીમાં વચગાળાના જામીનને તબીબી આધાર પર 7 દિવસ લંબાવવા માંગણી કરવામાં આવી હતી.
વાસ્તવમાં ગઇકાલે 29 મે 2024 મંગળવારના રોજ અરવિંદ કેજરીવાની જામીન અરજી બાબતે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સુપ્રીમે કેજરીવાલના વચગાળાના જામીનને લંબાવવાનો ઇનકાર કર્યો હતો. તેમજ કેજરીવાલને નીચલી અદાલતમાં જવા માટે જણાવ્યું હતું. ત્યાર બાદ કેજરીવાલે પોતાના સરેન્ડરના 3 દિવસ પહેલા એટલે કે આજે 30 મે 2024 બુધવારના રોજ દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટમાં પોતાના જામીનને લંબાવવા માટે અરજી દાખલ કરી હતી.
21 માર્ચે કેજરીવાલની ધરપકડ કરવામાં હતી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ એક્સાઇઝ પોલિસી ‘કૌભાંડ’ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં બે કલાકની પૂછપરછ બાદ 21 માર્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. ત્યારથી તેઓ ઇડીની કસ્ટડીમાં જ હતા. પરંતુ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને દિલ્હીના મુખ્યમંત્રીએ સુપ્રીમ કોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી કરી હતી.
કેજરીવાલની જામીન અરજી બાદ 10મી મેના રોજ સુપ્રીમ કોર્ટે આ અરજીની સુનાવણી કરતા સીએમ કેજરીવાલને લોકસભા ચૂંટણી પ્રચાર માટે 21 દિવસના વચગાળાના જામીન આપ્યા હતા, જે 1 જૂનના રોજ સમાપ્ત થશે. જામીન સમાપ્ત થયા બાદ સુપ્રીમે કેજરીવાલને 2 જૂને આત્મસમર્પણ કરવાનું સુચવ્યું હતું.
શું છે EDના આરોપો?
EDએ દિલ્હીના મુખ્યમંત્રી અરવીંદ કેજરીવાલ ઉપર આરોપ લગાવ્યા હતા કે દિલ્હીના મુખ્યમંત્રીએ રદ કરાયેલી એક્સાઇઝ પોલિસીનો મુસદ્દો તૈયાર કરવામાં અને દારૂના લાયસન્સના બદલામાં લાંચ માંગવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. એજન્સીએ દાવો કર્યો હતો કે આમ આદમી પાર્ટીએ 100 કરોડ રૂપિયાની લાંચ લીધી હતી. જેનો ઉપયોગ પાર્ટીના ગોવા અને પંજાબના ચૂંટણી પ્રચાર માટે કરવામાં આવ્યો હતો.