વડોદરા: પાટીદાર નેતા અને કોંગ્રેસના પૂર્વ કાર્યકરી પ્રમુખ હાર્દિક પટેલે કોંગ્રેસનો હાથ છોડી રાજીનામુ આપી દીધુ છે.આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય મોરચે ભારે ચહલપહલ જોવા મળી રહી છે.ત્યારે વડોદરાના ચૂંટણી વોર્ડ નં 1 ના કોંગ્રેસના એક મહિલા સહિત ત્રણ મ્યુનિસિપલ કાઉન્સિલરો પણ કોંગ્રેસમાંથી વિદાય લઈ વિકાસને વેગ આપવા જઈ રહ્યા હોવાની વાત શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બનવા પામી હતી.જોકે ભાજપમાં જોડાવાની વાતને કોંગ્રેસના કાઉન્સિલરોએ તદ્દન ખોટી ગણાવી હતી.
ગુજરાતમાં પટેલ સમાજની તરફેણમાં પાટીદાર આંદોલનથી પોતાની એક આગવી છબી ઉભી કરનાર પાટીદાર નેતા હાર્દિક પટેલ પાંચ વર્ષ પૂર્વે કોંગ્રેસમાં જોડાયા હતા અને તેમને કોંગ્રેસમાં કાર્યવારી પ્રમુખનો મહત્ત્વનું પદ અને જવાબદારી આપવામાં આવી હતી.પરંતુ હાર્દિક પટેલે આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વે એકાએક રાહુલ ગાંધીને પત્ર લખી રાજીનામું આપવાની સત્તાવાર જાહેરાત કરતા ફરી એકવાર કોંગ્રેસને વીજળીક ઝટકો લાગ્યો છે.હાર્દિક પટેલ સામે રાજદ્રોહ નો કેસ થયો હતો અને તેમાં તેઓ જ્યારે નિર્દોષ છૂટ્યા હતા.ત્યારથી જ અટકળો ઉભી થઈ હતી કે તેઓ ભાજપમાં જોડાઈ જશે એટલું જ નહીં થોડા સમય પૂર્વે તેઓએ એક નિવેદન આપ્યું હતું.
જેમાં પ્રધાનમંત્રી અને ભાજપની નીતિના ખુલ્લેઆમ વખાણ કર્યા હતા.અને અચાનક રાજીનામું આપતા કોંગ્રેસના જિલ્લા કક્ષાએ પણ તેના પડઘા પડયા છે.ખાસ કરીને સ્માર્ટસીટી વડોદરામાં પણ હાર્દિક પટેલના રાજીનામાં બાદ છેલ્લા ત્રણ ચાર દિવસથી શહેર કોંગ્રેસમાંથી પણ કેટલાક કાઉન્સિલરો કોંગ્રેસમાંથી રાજીનામુ આપવાની ચર્ચાઓ વહેતી થઈ હતી.તેવામાં શુક્રવારે વડોદરા મહાનગર પાલિકાના ચૂંટણી વોર્ડ નંબર 1 ના કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા,જહા દેસાઈ અને હરીશ પટેલ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા હોવાની વાત વાયુ વેગે પ્રસરી હતી જેને લઇ આ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો.
જ્યારે આજે યોજાયેલા શહેર કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળના કાર્યક્રમમાં પણ વોર્ડ નંબર 1 ના કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા,જહા દેસાઈ અને હરીશ પટેલ નહીં જોડાતા કોંગ્રેસના કાર્યકરોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.જ્યારે વડોદરાના રાજકારણમાં પણ ગરમાવો જોવા મળ્યો હતો જ્યારે સમગ્ર બાબતે કોંગ્રેસના વોર્ડ નંબર 1ના ત્રણેય કાઉન્સિલરોએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ભાજપમાં જોડાવાની વાતને વાહિયાત ગણાવી અમે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા છે અને કોંગ્રેસમાં જ રહીશું.અને જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે ભાજપના કેટલાક આવી વાતો ઉદોડતાડતા હોવાનું કહી ભાજપમાં જોડાવાની વાતને નકારી કાઢી હતી.
ભાજપા અમારાથી ડરી જાય છે, આવી બધી વાતો અમારી વિચારધારાની બહારની
હું પહેલેથી કોંગ્રેસમાં વિચારધારા સાથે જોડાયેલી છું.છેલ્લા 20 વર્ષથી કોર્પોરેટર છું.અને જીંદગીમાં અમે એવો વિચાર પણ નથી કર્યો.એટલે આ બિલકુલ વાહિયાત વાત છે.દરવખતે ચૂંટણી આવે ત્યારે આ લોકો કરતા હોય છે.દરવખતે ભારતીય જનતા પાર્ટી અમારાથી ડરી જાય છે માટે આવી બધી વાતો જણાવે છે જે અમારી વિચારધારાની બહારની છે.
- પુષ્પાબેન વાઘેલા, કાઉન્સિલર,કોંગ્રેસ અમારો કોઈએ સંપર્ક કર્યો નથી : જહા દેસાઈ,કાઉન્સિલર
આ રીતે બદનામ કરવાના ધંધા છે.20 વર્ષથી એનએસયુઆઇની સાથે જોડાયેલો છું અને આ રીતે ખોટી મારી જાણી જોઇને અફવા ફેલાવતું હોય તેઓ જ્યારે મળવા આવતા હોય તો તેમને પણ હું કહું છું કે તમે કોંગ્રેસમાં જોડાઈ જાવ.કોંગ્રેસના કાર્યક્રમમાં એટલે હાજર ન રહી શક્યા કે કોર્પોરેશનમાં મોડા પહોંચ્યા હતા અને બીજા કામ થી નીકળી ગયા. અમારે જે જગ્યાએ જવું હતું પણ આ લોકોએ પહેલા સાડા ચાર વાગ્યાનો સમય આપ્યો હતો આવેદનપત્ર આપવાનો અને પછી પાછળથી ખબર પડી કે સભા પત્યા પછી ગયા છે.એટલે અમે કામ માં હતા.માટે મોડા આવ્યા હતા. ભાજપમાં જોડાવાની વાત જુઠી છે.અમારો કોઈએ સંપર્ક કર્યો નથી અને સંપર્ક કરશે પણ નહીં કારણકે હું વીસ વર્ષથી કોંગ્રેસ માં છું અને આ ખોટી વાત છે. - ભાજપમાં જોડાવાની વાતમાં કોઈ તથ્ય નથી,ખોટી વાત છે
આ વાતમાં કોઇ તથ્ય નથી.તદ્દન ખોટી વાત છે,અમે સામાન્ય સભામાં હતા અને તે પતી ગઈ,અમારે તરત એક જગ્યાએ જવાનું હતું.એટલે અમે ત્રણે કાઉન્સિલર નીકળી ગયા હતા અને મારી ભત્રીજીની બર્થડે હતી.માટે મારી ગાડીમાં જ બધા આવ્યા હતા.એટલે સાથે નીકળી ગયા.અને ભાજપમાં જોડાવાની વાત તદ્દન ખોટી વાત છે.
– હરીશ પટેલ, કાઉન્સિલર,કોંગ્રેસ