સુરતના સચીન નજીક જીઆવ ગામના તળાવમાં મંગળવારે મધરાત્રે 3 બાળક ડૂબી ગયા હોવાની વિગતો સાંપડી છે. બાળકો ડૂબી ગયાનો કોલ મળતા જ પોલીસ અને ફાયર વિભાગ દોડી ગયા છે. ફાયરના લાશ્કરોએ તળાવમાં શોધખોળ આદરી છે. તળાવની બહાર બાળકોના કપડાં મળી આવ્યા છે. 10 કલાકથી બાળકો મળ્યા નહીં હોય તેઓ તળાવમાં ડૂબી મૃત્યુ પામ્યા હોવાની આશંકાએ ફાયરના લાશ્કરો બોટ લઈ મૃતદેહ શોધવા તળાવમાં ઉતર્યા છે. 10 કલાક બાદ બે બાળકોના મૃતદેહ મળી આવ્યા છે.
આ ઘટનામાં આબિદ નામના બાળકનું મોત થયું છે. તેના પિતા અમજદ પઠાણે કહ્યું કે, આબિદ તેમનો એક જ દીકરો હતો. શાળાએથી આવ્યા બાદ ભોજન કરી બહાર રમવા જવાનું કહી આબિદ ઘરેથી નીકળ્યો હતો. ત્યાર બાદ તે ગૂમ થયો હતો. પત્નીએ ફોન કર્યો ત્યારે ખબર પડી કે આબિદ મળી રહ્યો નથી. તપાસ કરતા જાણવા મળ્યું કે તે મિત્રો સાથે તળાવમાં ન્હાવા ગયો છે. દોડીને ત્યાં ગયા તો કપડાં જોઈ આઘાતમાં સરી પડ્યા હતા. આબિદ ધો. 6માં અભ્યાસ કરતો હતો. તેની એક બહેન છે.
અજમેર નામનો બાળક પણ મૃત્યુ પામ્યો છે. તેના ભાઈ મોહમ્મદ અંસારીએ કહ્યું કે, 3 ભાઈ અને 2 બહેનમાં અજમેર સૌથી નાનો હતો. તે ધો. 7માં ભણતો હતો. મંગળવારે સ્કૂલથી છૂટ્યા બાદ રમવાનું કહી નીકળ્યો હતો. આબિદ અમજદ પઠાણ (ઉં.વ. 3, રહે. ભીંડી બજાર,ઉન) અને અજમેર નસીમ અંસારી (ઉં.વ. 14, રહે. ભીંડીબજાર,ઉન) બંને વિદ્યાર્થી છે.
સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી અનુસાર 12, 13 અને 14 વર્ષની ઉંમરના 3 બાળકો તળાવમાં પડ્યા હતા. ઘટનાને 10 કલાક વીતી ગયા બાદ પણ બાળકોનો પત્તો નહીં લાગતા તેમના પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. રાત્રે તળાવ કિનારે કપડાં મળી આવતા તેઓ તળાવમાં ડૂબી ગયાની આશંકા સાથે ફાયરની મદદ લેવામાં આવી હતી. ઘટનાને પગલે પરિવારજનો શોકમાં ડૂબી ગયા છે.
આ બાળકો ઉન વિસ્તારના હોવાની પ્રાથમિક માહિતી મળી છે. બુધવારે સવારથી અધિકારીઓ તળાવમાં બોટ લઈ બાળકોને શોધી રહ્યાં છે. બાળકો ઉનની સિદ્દિકનગર અને સાંઈનગર ઝૂંપડપટ્ટીના હોવાની માહિતી મળી રહી છે. બે બાળકોના મૃતદેહ મળ્યા છે, હજુ એકની શોધખોળ ચાલી રહી છે.