વડોદરા: વડોદરા શહેર નજીક દશરથ ગામ પાસેની જીએનએફસી નગર ગેટ પાસે આવેલા કર્મયોગી ગોડાઉનમાં છાણી પોલીસે દરોડો પાડી પોલીસે જ્વલનશીલ જોખમી કેમિકલનું ગેરકાયદેસર વેચાણ કરતા સંચાલક સહિત 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. છાણી પોલીસે અલગ-અલગ કેમિકલના 198 બેરલ સહિત 13.66 લાખ ઉપરાંતની મત્તા કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે 41(1)ડી મુજબ અટકાયત કરીને તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.
છાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે, દશરથ ગામથી વડોદરા તરફના સર્વિસ રોડ ઉપર જીએસએફસીનગર ગેટની સામે કર્મયોગી કેમિકલ ગોડાઉનમાં ગેરકાયદે જ્વલનશીલ જોખમી કેમિકલનું ટ્રેડિંગ થઈ રહ્યું છે. જેથી પોલીસે મળેલ બાતમીની આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે ગોડાઉન ભાડે રાખનાર ઋષિત રમેશ ડાબેરીયા(રહે, શાંતિકુંજ સોસાયટી, સુભાનપુરા, વડોદરા, મૂળ રહે/ રાજકોટ) તથા આસિસ્ટન્ટ દર્શિત ભીમજીભાઇ ડાબેરીયા (રહે, ફર્ટીલાઈઝરનગર, જીએસએફસી, વડોદરા, મૂળ રહે/ રાજકોટ) અને મજુર તરીકે કામ કરનાર વિઠ્ઠલ બાબર વસાવા(રહે,-ટપાલ ફળિયું, દશરથ ગામ, વડોદરા)ને ઝડપી પાડ્યા હતા.
પોલીસે ગોડાઉનમાં તપાસ કરતા ગોડાઉનમાંથી જ્વલનશિલ જોખમી અલગ-અલગ કેમિકલ ભરેલા 198 બેરલ, હેન્ડ પંપ, ટ્રોલી મળી કુલ 13,66,660 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેથી પોલીસે તેને કબ્જે કરીને સંચાલક સહિત ત્રણેય આરોપીઓ વિરુદ્ધ સી.આર.પી.સી કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે આ ગોડાઉન સોખડા ગામના રહેવાસી મગનભાઈ પટેલની માલિકીનું છે અને તેનો ભાડા કરાર પણ કર્યો ન હોવાથી પોલીસે તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે. હાલ ત્રણેય આરોપીઓની પોલીસે 41(1)ડી મુજબ અટકાયત કરીને તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.