વડોદરા: જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે કરજણ તાલુકાના ભરથાણા ટોલનાકા પાસેથી ટેમ્પોની નંબર પ્લેટ બદલીને ટેમ્પોમાં ચોર ખાનું બનાવી વડોદરામાં ઘુસાડવામાં આવી રહેલો વિદેશી દારૂનો રૂપિયા 3.91 લાખનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે રાજસ્થાનથી વિદેશી દારૂ લઇને આવી રહેલા ટેમ્પો ચાલક સહિત બે વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના મોડી રાત્રે બાતમી મળી હયી કે, એક ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો ભરૂચથી વડોદરા તરફ આવવાનો છે.
જે માહિતીના આધારે પોલીસ કર્મીઓએ કરજણ તાલુકાના ભરથાણા ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન માહિતી મળેલો ટેમ્પો આવતા પોલીસે તેને ફિલ્મી ઢબે કોર્ડન કરીને રોક્યો હતો. ટેમ્પો રોક્યા બાદ તેમાં તપાસ કરતા ટેમ્પોમાં ચોરખાનું મળી આવ્યું હતું. જે ચોરખાનામાં તપાસ કરતા વિદેશી દારૂની 84 પેટી (3588 નંગ બોટલ) મળી આવી હતી.
પોલીસે રૂપિયા રૂ. 3.91 લાખનો મુદ્દામાલ કબજે કરવા સાથે ટેમ્પો લઇને આવેલા ટેમ્પો ચાલક મહાવિરસીંગ ફોજસીંગ પુરાવત (રાજપુત) રહે. સાલરીયા ગામ, રાજસ્થાન) અને પરવતસિંહ ઉકાસિંહ રાઠોડ (રાજપુત) રહે. સાલરીયા ગામ, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. તે સાથે પોલીસે એક મોબાઇલ ફોન અને ટેમ્પો મળી કુલ્લે રૂપિયા 6.96 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઉપરાંય દારૂની હેરાફેરી કરનાર ટેમ્પો ચાલક અને તેના સાગરીતે પોલીસને ગેર માર્ગે દોરવા માટે ટેમ્પોની નંબર પ્લેટ બદલી નાંખી હતી.