ભારતમાં કોરોનાવાયરસ મહામારીનું સંકટ ફરી ઉભરીને આવી રહ્યું છે. કોરોનાવાયરસ મહામારીના કારણે તમામ ક્ષેત્રોને નુકસાન થયું છે. નોકરી કરનારા લોકો પર આનો ખુબ જ ખરાબ પ્રભાવ પડ્યો છે.
એક તરફ જ્યાં લાખો લોકોએ નોકરી ગુમાવવી પડી તો લાખો એવા લોકો પણ હતા જેમના પગારમાં કાપ મૂકવામાં આવ્યો હતો. મહામારીથી આવેલા નાણાકીય સંકટથી લોકોને કેટલી પરેશાની થઇ છે તેનો એક આંકડો હવે સામે આવ્યો છે. અમેરિકાના પ્યુ રિસર્ચ સેન્ટરના રિપોર્ટ અનુસાર, મહામારીના કારણે ભારતમાં 32 મિલિયન એટલે કે 3.20 કરોડ લોકો મીડલ ક્લાસની શ્રેણીમાંથી બહાર થઇ ગયા.
રિપોર્ટ અનુસાર, એક દિવસમાં 10 ડોલરથી 20 ડોલર કમાનાર લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે જેના કારણે ત્રણ કરોડ વીસ લાખ લોકો મીડલ ક્લાસમાંથી બહાર થઇ ગયા છે. ગત કેટલાક વર્ષોમાં ભારતના મીડલ ક્લાસ વર્ગમાં સતત ઉમેરો થઇ રહ્યો હતો.
કોરોનાકાળ પહેલા દેશમાં 990 લાખ લોકો મીડલ ક્લાસ હેઠળ આવતાં હતા. જ્યારે એક વર્ષ બાદ હવે માત્ર 660 લાખ લોકો જ મીડલ ક્લાસની શ્રેણીમાં આવે છે. સંકટના આ સમયમાં પાડોશી દેશ ચીનના મુકાબલે ભારતમાં મીડલ ક્લાસ લોકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
આ આંકડો એવા સમયમાં આવ્યો છે જ્યારે દેશ કોરોનાની કપરી સ્થિતિમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યો છે પરંચુ કોરોનાના કેસોમાં ફરી સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક વખત લોકડાઉનનો ભય તોળાઇ રહ્યો છે. જો વધુ એક વખત લોકડાઉન લગાવાયું તો મીડલ ક્લાસને વધુ ભોગવવાનો વારો આવશે.