રૂપિયા 274 કરોડનાં બોગસ બિલિંગ કૌભાંડમાં સુરતના ઓવેશ લોખંડવાળાની ધરપકડ, આ રીતે આચર્યું હતું કૌભાંડ – Gujaratmitra Daily Newspaper

SURAT

રૂપિયા 274 કરોડનાં બોગસ બિલિંગ કૌભાંડમાં સુરતના ઓવેશ લોખંડવાળાની ધરપકડ, આ રીતે આચર્યું હતું કૌભાંડ

સુરત: (Surat) સ્ટેટ જીએસટી (SGST) વિભાગને મળેલા ઇન્ટેલિજન્સના (intelligence) ઇનપુટના આધારે જીવરાજ પાર્ક અમદાવાદ ખાતેનાં એક સ્થળે દરોડાની (Raid) કાર્યવાહી દરમ્યાન મોટા પ્રમાણમાં વાંધાજનક હિસાબી સાહિત્ય તેમજ ડિજિટલ ઉપકરણો મળી આવ્યા હતાં. આ કેસમાં સુરતના અડાજણ પાટિયાં ખાતે રહેતા બોગસ બીલિંગ કૌભાંડમાં (Bogus billing scam) 29.07 કરોડનું આઈટીસી રિફંડ (ITC refund) ઉસેટી લેનાર સુરતના ઓવેશ અફરોઝ લોખંડવાલાની SGST વિભાગે ધરપકડ કરી હતી. અને 7મી સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. બંધ ઘરમાંથી મોટી માત્રામાં ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યા છે. જેની વધુ ચકાસણીની કાર્યવાહી હાલ ચાલી રહી છે.

અત્યાર સુધીની તપાસમાં વિગતો મળી છે કે, એક સિન્ડિકેટ મારફતે સુવ્યવસ્થિત ષડયંત્રનાં આધારે ખોટી રીતે કરોડો રૂપિયાનું રીફંડ મેળવવાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. તા.૨૭/૧૨/૨૦૧૧ના રોજ સિન્ડિકેટનાં જનકકુમાર બૈજુકુમાર પંચાલ અને અરફાનાબાનું સાબીરહુસૈન શેખની ધરપકડ કરવામાં આવી હતી. અને તે પછી આજ કૌભાંડમાં સામેલ પોરબંદરના અમિત દેવાણીની પણ તા. ૩૧/૧૨/૨૦૨૧ના રોજ SGST વિભાગ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

કૌભાંડીઓ ગરીબ જરૂરિયાતમંદના દસ્તાવેજોનો દુરુપયોગ કરી જીએસટીનો રજિસ્ટ્રેશન નંબર લેતા હતા

સિન્ડિકેટની મોડસ ઓપરેન્ડી મુજબ આર્થિક રીતે નબળા અને જરૂરીયાતમંદ વ્યકિતઓના દરસ્તાવેજોનો ઉપયોગ કરી જી.એસ.ટી રજિસ્ટ્રેશન નંબર તેમજ ROC રજિસ્ટ્રેશન થકી ડમી કંપનીઓ ખોલી આવી કંપનીઓ દ્વારા ખોટી વેરાશાખ મેળવી SEZ તેમજ નિકાસનાં વેચાણો દર્શાવી ખોટું રીફંડ મેળવવામાં આવ્યું હતું.

આ કેસની ઉંડાણપૂર્વકની તપાસ દરમ્યાન જનકકુમાર બૈજુકુમાર પંચાલના મોબાઇલમાંથી મળી આવેલ ડિજીટલ ડેટા ચકાસતા તેમાં ઓવેશ અફરોઝ લોખંડવાલાનું નામ ખુલ્યું હતું. ઓવેશ દ્વારા સુરતના સંખ્યાબંધ ટેક્સટાઇલ યુનિટસના વેચાણ બિલો મેળવી આ સિન્ડિકેટને આપ્યા હતા.

EPCG સ્કીમનો ઓવેશ લોખંડવાળાએ દુરુપયોગ કર્યો

સુરતના એકમો EPCG ના લાભધારક છે. EPCG સ્કીમ અંતર્ગત ટેક્સટાઇલ એકમો મશીનરીની ડ્યૂટી ફ્રી આયાત કરી શકે છે પરંતુ તેની સામે આવા યુનિટ્સ દ્વારા અમુક માત્રામાં એક્સપોર્ટ ફરજિયાતપણે કરવું પડે. આવા યુનિટ્સ પોતે એક્સપોર્ટ ન કરી શકે તો અન્ય યુનિટ મારફતે પણ એક્સપોર્ટ કરી શકે છે. આવા સંજોગોમાં આવો લાભ લેનાર યુનિટ્સ દ્વારા માલની ડીલીવરી આપ્યા વિના ફક્ત બિલો આ સિન્ડીકેટને આપ્યા હોવાનું ફલિત થયુ છે. એ જ પ્રકારે આવા બિલો બોગસ વેચાણોની સામે ખરીદીઓના બિલો પણ આ સિન્ડિકેટ પાસેથી આવા યુનિટ્સ દ્વારા મેળવવામાં આવ્યા હતા. આ સિન્ડીકેટ દ્વારા ઓપરેટ થતી પેઢીઓ/કંપનીઓએ તદન નીચી કિંમતની વસ્તુઓની નિકાસ કરી તેની Value ખૂબ જ ઊંચી દર્શાવી ખોટી રીતે રિફંડ મેળવતી હતી.

ઓવેશ લોખંડવાળાએ જુદીજુદી ટેક્સટાઇલ કંપનીઓના નામે 151 કરોડના બિલો વેચ્યા હતા.

આ કૌભાંડમાં ઓવેશ લોખંડવાલાએ ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. તેણે આ મોડસ ઓપરેન્ડીથી રૂ. ૧૫૧ કરોડના બિલો કે જેમાં રૂ. ૮.૧૫ કરોડનો વેરો સામેલ હતો. તે આ સિન્ડિકેટને વપરાશ માટે આપ્યો હતો. આ ઉપરાંત સુરતના ટેક્સટાઇલ યુનિટ્સને આ સિન્ડિકેટ પાસેથી રૂ. ૧૨૫ કરોડના બિલો કે જેમાં રૂ. ૬.૨૬ કરોડનો વેરો સામેલ છે, તે આપ્યો હતો. આ સંદર્ભે સુરત ખાતે અન્વેષણ વિંગે ઓવેશ અફરોઝ લોખંડવાલાના રહેઠાણ સહિતના સ્થળોએ દરોડાની કાર્યવાહી કરી હતી. તથા આ પ્રવૃતિ ગુનાહિત હોવાથી તા.૦૪/૧/૨૦૨૨ના રોજ ઓવેશ અફરોઝ લોખંડવાલાની ધરપકડ કરવામાં આવી હતી. અને એડિશનલ ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટની કોર્ટ અમદાવાદ સમક્ષ રજૂ કરી આરોપીની પૂછપરછ કરવા કસ્ટોડિયલ ઇન્ટરોગેશનની માંગણી કરવામાં આવી હતી. કોર્ટે ગુનાની ગંભીરતા જોતા આરોપીના 7મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

Most Popular

To Top