સુરત: દરિયાઈ કલ્પવૃક્ષ ગણાતા કુદરતની (Nature) અણમોલ ભેટ સમાન (Mangroves) મેન્ગ્રુવ્ઝ (ચેરના વૃક્ષો) દરિયાકિનારાના વિસ્તારોના પર્યાવરણ (Environment) સંરક્ષણમાં મહત્વની ભૂમિકા અદા કરે છે. ઉષ્ણકટિબંધમાં જોવા મળતા ચેરના જંગલો (Jungle) ખારા પાણીમાં વિકસી દરિયાઈ પટ્ટીના કાંઠા વિસ્તારોનું ધોવાણ અટકાવવા, દરિયાઈ પવનોને આગળ વધતા અટકાવી સુનામી જેવી કુદરતી આફતોને ટાળવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી ઘટતા જતા ચેરના જંગલોની સંખ્યાને લીધે ઊભા થતા પર્યાવરણ વિસંગતતાનાં પડકારોને પહોંચી વળવા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2015થી દર વર્ષે 26 જુલાઈએ ‘વિશ્વ મેન્ગ્રુવ ઈકોસિસ્ટમ સંરક્ષણ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે.
સુરત જિલ્લો દરિયાકાંઠે આવેલો રાજ્યનો મહત્વનો તટીય જિલ્લો છે. 35 કિ.મીના વિસ્તારમાં ફેલાયેલા સુરતના દરિયાકિનારા વિસ્તારમાં ડુમ્મસ, સુવાલી, હજીરા, દાંડી, છીણી, જૂનાગામ, રાજગરી, કરંજ, મોર ભગવા અને તેના ખાડી જેવા કાંઠાના ગામો તેમજ વિસ્તારોનો સમાવેશ થાય છે. જેમાં 43.63 સ્કવેર કિ.મી.માં મેન્ગ્રુવ્ઝ આવેલા છે. વિતેલા 10 વર્ષમાં સુરતમાં અંદાજિત 1550 હેક્ટરમાં ચેરના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ છેલ્લા પાંચ વર્ષમાં આશરે 800 હેક્ટરમાં મેન્ગ્રુવનું વાવેતર થયું છે. મેન્ગ્રુવની વિવિધ પ્રજાતિઓમાંથી સુરતના દરિયાકાંઠે મુખ્યત્વે ‘એવેસેનિયા મરીના’ નામક પ્રજાતિ વધુ જોવા મળે છે.
આ વર્ષે સુરત વન વિભાગ દ્વારા 70 હેકટરમાં મેન્ગ્રુવ્ઝનું વાવેતર કરવાના લક્ષ્યાંક સામે ઓલપાડ તાલુકાના છીણી ગામે 30 હેકટરમાં વાવેતરનું કાર્યું પૂર્ણ થયું છે અને બાકીના 40 હેકટરમાં આગામી મહિને ડુમ્મસના કડીયાબેટ ખાતે વાવેતર કરવાનું આયોજન છે.
સુરત વન વિભાગ દ્વારા આગામી પાંચ વર્ષમાં વધુ 510 હેક્ટરમાં મેન્ગ્રુવના સઘન વાવેતરની યોજના બનાવવામાં આવી છે. જેમાં ફિશ બાઉન્ડ, રાઇઝ બેડ અને સીડ સોઈંગની પધ્ધતિથી વાવેતર કરવામાં આવશે. આ માટે સુરત આસપાસની વિવિધ કંપનીઓ સાથે કરાર કરીને કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) ફંડ એકત્ર કરી લોકભાગીદારીથી કામગીરી થઈ રહી છે. દેશભરમાં ચેરના વૃક્ષો વિષે જાગૃતતા લાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત વર્ષે વર્ચ્યુઅલ માધ્યમથી મેનગૃવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટ્સ એન્ડ ટેન્જિબલ ઇન્કમસ – ‘મિષ્ટી’ કાર્યક્રમનો દેશવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. જે અન્વયે સુરતના વન વિભાગ દ્વારા પણ સુરત જિલ્લાના દાંડીથી 2 હેકટરમાં વાવણી કરી અભિયાનની શરૂઆત કરાઇ હતી અને આગામી સમયમાં કડિયાબેટ, છીણી, કરંજની તાપી ક્રિકમાં 210 હેક્ટરમાં પ્રોજેક્ટને સાકાર કરાશે.
આ અભિયાન અંતર્ગત સુરત વન વિભાગે દરિયામાં હરિયાળી ક્રાંતિ લાવીને કાંઠા વિસ્તારની માનવ વસાહતો અને જળચરપ્રાણીઓને રક્ષણ આપવાનું બીડુ ઝડપ્યું છે. સાથે જ ચેરના વાવેતર અને સંરક્ષણ અર્થે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુસર આગામી સમયમાં દરિયા કાંઠાના વિસ્તારમાં મેન્ગ્રુવનાં વિકાસ માટે વિવિધ ગામોમાં મંડળીની સ્થાપના કરવાનું આયોજન પણ છે.
મેન્ગ્રુવના મૂળ જમીનના ધોવાણથી આવેલા કાંપને અસરકારક રીતે પકડીને ફિલ્ટરનું કામ કરે છે. અને ખારાશવાળા સખત દરિયાઈ પવનોને આગળ વધતા અટકાવે છે. મેન્ગ્રુવ મોટા જથ્થામાં પાંદડા ઉત્પન્ન કરે છે. જેમાંથી ઉત્પન્ન થતો સેન્દ્રિય -બાયોમાસ દરિયાઈ જીવો માટે ખોરાક તરીકે કામ આવે છે. ચેરના વૃક્ષો વિવિધ પ્રકારના પક્ષીઓને રહેઠાણ આપવા સાથે સ્થાનિક હવામાનની પણ શુદ્ધિ કરે છે. દરિયાકિનારાના વિસ્તારોમાં વસતા માનવ સમુદાયો માટે બિન ઇમારતી વનપેદાશો જેવી કે બળતણ માટે લાકડા, મધ, ગુંદર, ઘાસચારા માટેના એક મહત્વપૂર્ણ સ્ત્રોત પૂરો પાડે છે. સમુદ્રી કિનારાની આર્થિક તથા સામાજિક સુરક્ષા માટે ચેરના જંગલોનો વિકાસ અને હરિયાળું આવરણ ખુબ જ મહત્વનું છે. તેનાથી ઈકોફ્રેન્ડલી સિસ્ટમ ઊભી થાય છે અને પોલ્યુશનનું પ્રમાણ પણ ઘટે છે. સાથે જ મત્સ્યઉદ્યોગમાં પણ ફાયદો થાય છે.
મેન્ગ્રુવ રોપાનું વાવેતર નદી અને દરિયાના સંગમ સ્થળને પસંદ કરીને જ કરવાનું હોય છે. અડધુ શરીર કિચડમાં ખુંપી જાય તેવી જગ્યાએ આ વાવેતર માટે જૂન અને ડિસેમ્બર મહિના આદર્શ ગણાય છે. આ સમય દરમિયાન ભરતીના પાણી ન આવે તેનું પણ ધ્યાન રાખવું પડે છે. દરિયાઈ ભરતીના સમયને જોતા મજૂરો માત્ર ચાર કલાક જ વાવેતર કરી શકે છે. એક બેડમાં 400 રોપા નંખાય છે. એલાઈમેન્ટની કામગીરી કરી વાવેતર કરાય છે. તેની સાફસફાઈ સહિતનું પણ ધ્યાન આપવામાં આવે છે. મેન્ગ્રુવનો ત્રણ ગણો વિકાસ થતો હોવાથી ઝડપથી જંગલ ઊભું થાય છે.
સુંદરી, ગ્રાન(ગરાન) કે સદાબહાર વૃક્ષ તરીકે ઓળખાતા આ વૃક્ષો જમીન અને પાણી વચ્ચેના સીમાડે ઉગે છે. અને તેની ઊંચાઈ 8 થી 20 મીટર જેટલી જોવા મળે છે. સામાન્ય રીતે મેન્ગ્રુવના વૃક્ષો ત્રણ રંગોમાં જોવા મળે છે. દરિયાકાંઠા ઉપર લાલ, ઊંચાઈ પર કાળા, અને અતિશય ઊંચાઈ પર સફેદ.