નવી દિલ્હી (New Delhi): દિલ્હીના માંગોલપુરી વિસ્તારમાં જન્મદિવસની પાર્ટીમાં ઝઘડા બાદ ચાર શખ્સોએ એક 25 વર્ષના યુવકને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટનાથી દિલ્હી સહિત આખા દેશમાં લોકો રોષે ભચાયા છે. રિંકુ શર્મા (Rinku Sharma) નામનો 25 વર્ષીય યુવક તેના કેટલાક મિત્રો સાથે ગત ઑક્ટોબરથી નજીકના વિસ્તારમાં ફૂડ સ્ટોલ ચલાવે છે.
આ ધંધામાં થતા નુકસાન બાદ તે બંધ કરી દેવા અંગે રિંકુ શર્મા અને તેના મિત્રો વચ્ચે ચાલતી ચર્ચાએ બોલા ચાલીનું સ્વરૂપ લઇ લીધું અને જેવો રિંકુ શર્મા આ બર્થ-ડે પાર્ટીમાંથી તેના ઘરે ગયો ઝહીદ, મહેતાબ, ડેનિશ અને ઇસ્લામ નામના શખ્સો તેના ઘરે ગયા અને તેના પર છરીના ઘા ઝીંકી ત્યાંથી ભાગી ગયા. રિંકુ શર્માને તાત્કાલિક તેના પરિવારે હોસ્પિટલ ખસેડ્યો જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
દિલ્હી પોલીસે જણાવ્યુ કે હાલમાં ચારેય આરોપીની ગુરુવારે ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન, એવું બહાર આવ્યું છે કે બંને પક્ષોએ ગયા વર્ષે ઑક્ટોબરમાં દિલ્હીમાં રોહિણીમાં નજીકના વિસ્તારોમાં પોતપોતાની ખાણીપીણીનો ધંધો ખોલ્યો હતો. પરંતુ બંનેને નુકસાન થયું હતું અને તેને બંધ કરવો પડ્યો હતો. દિલ્હી પોલીસે આપેલી માહિતી મુજબ બંને પક્ષોએ એકબીજાને નુકસાન માટે દોષી ઠેરવ્યા હતા અને આ અગાઉ ઘણી વાર પણ બંને પક્ષો વચ્ચે આ મુદ્દે ભારે દલીલો અને બોલાચાલી થઇ હતી. દિલ્હીના એડિશનલ પોલીસ કમિશનર (આઉટર) સુધાંશુ ધમાએ જણાવ્યું હતું કે, ચારેય શખ્સની ધરપકડ કરવામાં આવી છે અને તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે.
જો કે પરિવારના સભ્યો એક અલગ જ કારણ જણાવી રહ્યા છે. રિંકુ શર્માની માતા, પિતા અને ભાઇ સાથેની વાતચીત દરમિયાન તેમણે કહ્યુ કે રિંકુ બજરંગ દળનો સભ્ય હતો. ્ને છેલ્લા કેટલાક દિવસોથી તે દળના અન્ય સભ્યો સાથે મળીને રામ મંદિર માટે ફાળો ભેગો કરવાની રેલીઓમાં જોડાયો હતો. રિંકુના ભાઇ મનુ શર્માએ કહ્યુ કે બુધવારે રાત્રે તેઓ કોઇ બર્થ ડે પાર્ટીમાં ગયા નહોતા. તેણે ઉમેર્યુ કે અગાઉ આ લોકો રિંકુને ધમકી આપી ચૂક્યા હતા. રિંકુના પિતાએ જણાવ્યુ કે 15-20 લોકો બુધવારે રાત્રે તેમના ઘરના બારણે આવી પહોંચ્યા હતા. અને ગુંડા ગર્દી કરી ઘરમાં ઘૂસી આવ્યા હતા. આ શખ્સોએ રિંકુ અને તેના ભાઇને ખૂબ માર્યો અને તેમાંથી ચાર શખ્સોએ ચાકુ વડે રિંકુ શર્માને ઘા ઝીંકી દીધા હતા. ઘરની બહારના CCTV ફૂટેજમાં પણ 10-15 લોકોનું ટોળુ રિંકુ શર્માના ઘર તરફ જતુ દેખાય છે. જો કે પોલીસ કહે છે કે તેમને આ કેસમાં કોઇ ધાર્મિક એંગલ જોવા મળ્ય નથી.