સુરતઃ પાર્લે પોઈન્ટ ખાતે રહેતા અને આંજણામાં રાજ રાજેશ્વરી ક્રિએશન એલ.એલ. પી. નામથી વેપાર કરતા વેપારી સાથે બે કાપડ દલાલ ભાઈઓએ વિશ્વાસમાં લઈ કલકત્તા ખાતે મેઇનસ્ટ્રીમ ફેશનના નામે વેપાર કરતા હરલાલકા દંપત્તિને ૨૭.૧૨ લાખનો માલ આપ્યો હતો. જેમાંથી ૨૪.૬૨ લાખનું પેમેન્ટ નહી ચૂકવી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
પાર્લે પોઈન્ટના વેપારી સાથે બે કાપડ દલાલ ભાઈઓ અને કલકત્તાના હરલાલકા દંપત્તિ દ્વારા ૨૪.૬૨ લાખની છેતરપિંડી
પાર્લે પોઇન્ટ ખાતે ફ્લેટ નંબર 10/A દશમાં માળે બ્રિજ કુટીર એપાર્ટમેન્ટમાં રહેતા ૩૨ વર્ષીય દર્પણ અરૂણ અગ્રવાલ તેમના ભાઈઓ સાથે ભાગીદારીમાં આંજણા ફાર્મ વૃંદાવન એસ્ટેટ ખાતે પ્લોટ નંબર ૩૨/૩૩, ૪૭/૪૮ માં રાજ રાજેશ્વરી ક્રિએશન એલ.એલ.પી.નામથી ભાગીદારીમાં ગ્રે કાપડમાંથી ડાઇડ ફીનીશ્ડ કાપડ બનાવી તેને વેચાણ કરવાનું કામ કરે છે. અર્પીત ધંધાનીયા તથા વિષ્ણુ ધંધાનીયા બન્ને ઘણા સમયથી કાપડના દલાલ તરીકે તેમની સાથે સંકળાયેલા છે.
ઓક્ટોબર – ૨૦૨૨ માં આ બન્ને કાપડ દલાલોએ કલકત્તાના કાપડ બજારમાં ડાઇડ ફીનીશ્ડ કાપડની દલાલીમાં તેમની ખુબ જ સારી ગ્રીપ પકડાઇ ગયાનું કહીને તેમના હસ્તકની પાર્ટી સાથે વેપાર કરવાથી સારો નફો કમાવવાની લાલચ આપી હતી. બાદમાં દલાલોએ મેઇનસ્ટ્રીમ ફેશનનના પ્રોપાઇટર સુજીત હરલાલકા સાથે ફોન ઉપર વાતચીત કરાવી હતી. સુજીતે કલકત્તાના કાપડ બજારમાં મેઇનસ્ટ્રીમ ફેશનનના નામથી તેની પત્ની પ્રગ્યા હરલાલકાના સાથે વેપાર કરતો હોવાનું અને સમયસર પેમેન્ટ કરી દેવાનું કહ્યું હતું. દર્પણે વિશ્વાસમાં આવીને વર્ષ ૨૦૨૨ માં બે મહિનામાં અલગ અલગ બીલોથી કુલ ૨૭.૧૨ લાખનો ડાઇડ કાપડનો માલ તૈયાર કરી કોલકત્તા બારાસત બ્લોક – ૩ રીજેન્ટ ગારમેન્ટ એન્ડ એપરલ પાર્ક જી-૩ જેસોર રોડ ફેકટરી નંબર ૬૪/૧/૧ ખાતેના ધંધાના સરનામે તિરૂપતિ એક્ષપ્રેસ ટ્રાન્સપોર્ટ મારફતે મોકલી આપ્યો હતો.
બાદમાં હરલાલકાએ ૨.૫૦ લાખ રોકડા આપી બાકી ૨૪.૬૨ લાખના ચેકો મોકલી આપ્યા હતા. આપેલા ચેકો પૈકી બે ચેકો બેંકમાં ભરતા રિટર્ન થયા હતા. સુજીત હરલાલકાને ફોન કરી કહેતા આવું તો માર્કેટમાં ચાલ્યા જ કરે જેથી તમારે પેમેન્ટ માટે વારંવાર ઉઘરાણી કરવાની જરૂર નથી માલ વેચાઇ ગયો છે પૈસા આવશે ત્યારે ચુકવી આપીશું તેમ જણાવી ફોન કાપી નાખ્યો હતો. કાપડ દલાલ ભાઈઓને વાત કરતા તેમને પણ માલ અમે લીધો નથી જેથી અમારી પાસે ઉઘરાણી કરવી નહીં તેમ કહીને હાથ ઉપર કરી લીધા હતા. અંતે વેપારીએ પોલીસમાં કાપડ દલાલ અર્પિત ધંધાનીયા તથા વિષ્ણુ ધંધાનીયા અને મેઇનસ્ટ્રીમ ફેશનના ભાગીદારો સુજીત હરલાલકા તથા પ્રગ્યા હરલાલકાની સામે ફરિયાદ નોંધાવી હતી.