શહેરના વરાછા ખાતે આવેલી મારુતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ડો.મહેશ નાવડિયા તથા ડો.ઘનશ્યામ પટેલે દર્દીને સાદો ડેન્ગ્યુ હોવા છતાં વાયરલ ડેન્ગ્યુ ફિવરને હેમરેજિક ડેન્ગ્યુ ફીવર જણાવી બરાબર સારવાર આપી નહીં આપી ઘોર બેદરકારી કરતાં દર્દીનું મોત નીપજ્યું હતું. જેના પગલે મૃતકના બનેવીએ બંને તબીબની સામે વરાછા પોલીસ સ્ટેશનમાં સાપરાધ મનુષ્યવધની ફરિયાદ નોંધાવી છે.
સરથાણા કુબેરનગર સોસાયટીમાં રહેતા પારસભાઇ ધીરૂભાઇ વઘાસીયા (ઉં.વ.૩૩) કન્સલ્ટિંગનું કામકાજ કરે છે. તેમને મારુતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડો.મહેશ નાવડિયા તથા ડો.ઘનશ્યામ પટેલની સામે વરાછા પોલીસ મથકે સાપરાધ મનુષ્યવધની ફરિયાદ દાખલ કરાવી છે. રેણુકા ભવનની સામે, બોમ્બે માર્કેટ રોડ પર મારુતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આવેલી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા.25 જુલાઈએ તેમના સાળા વિરલ રમેશ કોરાટ (રહે., હેપ્પી બંગ્લોઝ, ત્રિકમનગર, વરાછા) જે કેબલ ઓપરેટર હતા, તેમને નોર્મલ ડેન્ગ્યુની તકલીફ થતાં વરાછા બોમ્બે માર્કેટ સામે, રેણુકાભવનની સામે મારુતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં હોસ્પિટલના ડો.મહેશ નાવડિયા અને ડો.ઘનશ્યામ પટેલે વિરલભાઈને તપાસમાં હેમરેજિક ડેન્ગ્યુ ફીવર હોવાનું કહી સારવાર આપી હતી.
વિરલભાઈને નોર્મલ ડેન્ગ્યુ હોવા છતાં હેમરેજિક ડેન્ગ્યુ ફીવર બતાવી યોગ્ય સારવાર આપી ન હતી. હોસ્પિટલના ડો.મહેશ નાવડિયા તથા ડો.ઘનશ્યામ પટેલે સારવાર દરમિયાન પેશન્ટને સાદો ડેન્ગ્યુ હતો, જે વાયરલ ડેન્ગ્યુ ફીવરને હમરેજિક ડેન્ગ્યુ ફીવર જણાવી પેશન્ટને બરાબર સારવાર નહીં આપી ઊલટી-સીધી સારવાર આપી પેશન્ટની સારવારમાં ઘોર અને ગંભીર બેદરકારી દાખવી હતી. જેથી મૃતકના બનેવી પારસભાઈએ બંને ડોક્ટર વિરુદ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં સાપરાધ મનુષ્યવધની ફરિયાદ નોંધાવી છે.
હોસ્પિટલે કરેલી ગંભીર બેદરકારીઓ અને મોતનું કારણ
વિરલભાઈને ફેફસાં તથા પેટમાં પાણી ભરાયું હતું. પરંતુ હોસ્પિટલના સ્ટાફે ફેફસામાંથી પાણી કાઢવાની કોઈ સારવાર આપી નહોતી. અને દુખાવો ઓછો કરવા માટે હેવી ડોઝ ઇન્જેક્શન આપી દીધાં હતાં. વધુમાં તેમને ઓક્સિજનની જરૂર હોવાથી હોસ્પિટલના સ્ટાફે બાફ આપી દેતાં બેભાન થઈ ગયા હતા. આ રીતે તેમને યોગ્ય સારવાર નહીં મળતાં અંગે તેમનું મોત નીપજ્યું હતું.
તબીબોએ બેદરકારી છુપાવવા ખોટા રેકોર્ડ ઊભા કર્યા
બંને ડોક્ટરે તેમની ગંભીર બેદરકારી છુપાવવા માટે ખોટો રેકોર્ડ ઊભો કર્યો હતો. જે રેકર્ડમાં સવારે 8 વાગે વિરલભાઈનું બીપી ટેમ્પ્રેચર, હૃદયના ધબકારા, ઓક્સિજન બધુ બરોબર હોવાનું જણાવ્યું છે. ખરી હકીકત મુજબ આ પ્રકારનું કોઈ ચેકઅપ થયું નથી. કારણ કે, 8 વાગે વિરલભાઈ બેભાન હતા. બીજું કે વિરલભાઈને સાદો ડેન્ગ્યુ ફીવર હોવા છતાં હેમરેજિક ડેન્ગ્યુ ફીવર હોવાનું ખોટું જણાવી સારવાર આપી હતી.
તબીબોની પેનલના અભિપ્રાય બાદ ગુનો નોંધાયો, બંને તબીબ ફરાર
વરાછા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.એ.આર્યએ જણાવ્યું હતું કે, આ ઘટના બાદ ત્રણ ડોક્ટરની પેનલ બની હતી. આ પેનલે મેડિકલી કેસનો અભ્યાસ કર્યા બાદ ડોક્ટરની બેદરકારીથી જ મોત થયું હોવાનો અભિપ્રાય આપ્યો હતો. જેના આધારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જો મૃતકને યોગ્ય સારવાર આપવામાં આવી હોત તો જીવ બચી શક્યો હોવાનો પણ ઉલ્લેખ અભિપ્રાયમાં કરાયો છે. હાલ બંને તબીબ ભાગી ગયા છે.