National

સિક્કિમમાં વાદળ ફાટતા ભયાનક પૂર આવ્યું, સેનાના 23 જવાનો ગૂમ થયા

નવી દિલ્હી: સિક્કિમમાં મધરાત્રે તબાહી સર્જાઈ છે. અહીં વાદળ ફાટવાના લીધે ભયાનક પૂર આવ્યું છે. આ ભયાનક પુરમાં ભારે ખાનખરાબી સર્જાઈ છે. સેનાના 23 જવાનો પણ પૂરમાં ગુમ થઈ ગયા છે.

સિક્કિમમાં (Sikkim) વાદળ ફાટવાને (Cloud Burst) કારણે આવેલા પૂરે (Flood) ભારે તબાહી મચાવી છે. ઉત્તર સિક્કિમમાં લોનાક તળાવ પર મંગળવારે રાત્રે અચાનક વાદળ ફાટ્યું હતું, જેના લીધે અચાનક તિસ્તા નદીમાં પૂર આવી ગયું હતું. ત્યાર બાદ એક ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીના જળસ્તરમાં વધુ વધારો થયો હતો. જેના પગલે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અનેક પુલ અને રસ્તાઓ ધોવાઈ ગયા હતા. સૈન્યના ઠેકાણાઓને પણ નુકસાન થયું છે. સેનાના 23 જવાનો પણ ગુમ થયાના સમાચાર છે. આ જવાનોની શોધમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પૂર બાદ ચુંગથાંગ ડેમમાંથી પાણી છોડવાને કારણે ડાઉનસ્ટ્રીમ વિસ્તારોમાં પાણીનું સ્તર અચાનક 15-20 ફૂટની ઉંચાઈ સુધી વધી ગયું હતું. જેના કારણે સિંગથામ પાસેના બરડાંગ ખાતે પાર્ક કરાયેલા સેનાના વાહનો ડૂબી ગયા હતા. આ સિવાય સેનાના 23 જવાનો પણ ગુમ થઈ ગયા છે. સિક્કિમના ઘણા વિસ્તારોમાં ઓરેન્જ અને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

સિક્કિમમાં તિસ્તા નદીનું જળસ્તર વધવાને કારણે હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તિસ્તા નદીમાં પૂરના કારણે સિક્કિમમાં સિંઘથમ ફૂટબ્રિજ પણ તૂટી પડ્યો હતો. જલપાઈગુડી પ્રશાસને તિસ્તા નદીના નીચેના વિસ્તારોને ખાલી કરાવવાનું શરૂ કરી દીધું છે. દરેકને એલર્ટ રહેવા અને નદી કિનારે મુસાફરી કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે ભારતીય હવામાન વિભાગે પૂર્વ અને ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં 4 અને 5 ઓક્ટોબરે ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. જેમાં બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાનો સમાવેશ થાય છે.

Most Popular

To Top