રાજ્યમાં શનિવારે 36 કેસ નોંધાયા હતા. જે રવિવારે ઘટાડા સાથે નવા 22 કેસ નોંધાયા છે. એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી.
આરોગ્ય વિભાગનાં સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજ્યમાં નવા નોંધાયેલા કોરોનાના નવા 22 કેસ પૈકી વડોદરા મનપામાં 8, અમદાવાદ મનપામાં 4, સુરત મનપામાં 3, રાજકોટ જિલ્લામાં 2, રાજકોટ મનપામાં 2, વલસાડમાં 2, નર્મદામાં 1 એમ કુલ 22 નવા કેસ નોંધાયા છે. રવિવારે રાજ્યમાં 35 દર્દીને ડિસ્ચાર્જ કરી દેવાયા છે.
હાલમાં રાજ્યમાં 310 દર્દી સારવાર હેઠળ છે. જે પૈકી 3 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 307 દર્દીની સ્થિતિ સ્થિર છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ 8.27 લાખ કેસ નોંધાયા છે. જે પૈકી 816805 દર્દીએ કોરોનાને માત આપી છે. જ્યારે રાજ્યમાં કુલ 10091 દર્દીનાં મૃત્યુ થયાં છે.
રાજ્યમાં રવિવારે દિવસ દરમિયાન 1.26 લાખ લોકોનું કોરોના સામે રસીકરણ કરાયું છે, જેમાં 45 વર્ષથી વધુ ઉંમરના 4394 લોકોને રસીનો પહેલો ડોઝ અને 45 વર્ષથી વધુ ઉંમરના 29324 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. તેવી જ રીતે 18થી 45 વર્ષના 13,300 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 18થી 45 વર્ષના 78637 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જેમાં હેલ્થકેર વર્કર તથા ફ્રન્ટલાઈન વર્કરનો પણ સમાવેશ થાય છે. રાજ્યમાં અત્યાર સુધી 7,71,06,234 લોકોને રસી આપવામાં આવી છે.