રાજ્યમાં 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો અને 81 નગરપાલિકાઓની ચૂંટણી માટે સરેરાશ 60થી 65 ટકા મતદાન થયા બાદ હવે મંગળવારે સવારે મત ગણતરી હાથ ધરવામાં આવનાર છે. જેમાં એકંદરે 21608 જેટલા ઉમેદવારોના ભાવીનો ફેંસલો થઈ જશે.
રાજ્ય ચૂંટણી આયોગે સોમવારે સવારે જિલ્લા – તાલુકા અને ન ગરપાલિકની ચૂંટણી માટે મતદાનની ટકાવારીના સત્તાવાર આંકડાઓ જાહેર કર્યા છે. જેમાં નગરપાલિકાઓ માટે 58.82 ટકા, જિલ્લા પંચાયતો માટે 65.80 ટકા અને તાલુકા પંચાયતોમાં 66.60 ટકા મતદાન થયાનું જણાવ્યું છે.
81 નગરપાલિકાની 2625 બેઠકો માટે 7246 ઉમેદવારો, 31 જિલ્લા પંચાયતોની 955 બેઠકો માટે 2655 ઉમેદવારો અને 231 તાલુકા પંચાયતોની 4655 બેઠકો માટે 11707 ઉમેદવારો ચૂંટણી જંગ લડી રહ્યા છે. આ ઉપરાંત 237 બેઠકો બિન હરીફ જાહેર થઈ હતી.
લોખંડી સલામતી વ્યવસ્થા વચ્ચે રાજ્યમાં મત ગણતરી હાથ દરાનાર છે. અગાઉ રાજ્યની છ મનપાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી. જો કે સુરતમાં ભાજપને મળેલી બહુમતી ઉપરાંત આપ પાર્ટીને 27 બેઠકો મળી હતી. જ્યારે ઓવૈસીની પાર્ટીને અમદાવાદમાં સાત બેઠકો મળતાં ખાતુ ખુલ્યુ હતું.
ભાજપની નેતાગીરી એવો વિશ્વાસ વ્યકત્ત કર્યો હતો કે મનપાની ચૂટણીના પરિણામોનું પુનરાવર્તન થવાનું છે. જ્યારે કોંગ્રેસની નેતાગીરીએ પરિવર્તન થશે તેવો દાવો કર્યો હતો. પ્રદેશ કોંગ્રેસના પ્રવકત્તા ડૉ મનીષ દોશીએ કહ્યું હતુ કે આવતીકાલે જે 31 જિલ્લા પંચાયતો માટે મત ગણતરી હાથ ધરાનાર છે તેમાં અગાઉ કોંગ્રેસ પાસે 23 જિલ્લા પંચાયતો હતી. જે પાછળથી તૂટી જતાં છેલ્લે કોંગી પાસે 16 જિલ્લા પંચાયતો રહી હતી.